દેશના નવા CJI સૂર્યકાંત, જાણો તેમને હવે કેટલો પગાર મળશે?
ન્યાયાધીશ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. જોકે હવે તમને એ જણાવીશું કે આખરે તેમને કેટલો પગાર મળશે.

ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ બનેલા ન્યાયાધીશ સૂર્યકાંતને દર મહિને મૂળભૂત ₹2.8 લાખનો પગાર મળે છે. સાથે સાથે તેમને ₹45,000 આતિથ્ય ભથ્થું અને ₹10 લાખનું ફર્નિશિંગ ભથ્થું પણ આપવામાં આવે છે. ઉપરાંત, લુટિયન્સ દિલ્હીના ટાઇપ-VIII બંગલામાં તેમને ઉચ્ચ સ્તરની સુરક્ષા, વાહન અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
નવી જવાબદારી અને શપથવિધિ
ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં આજે એક મહત્વપૂર્ણ દિવસ નોંધાયો છે. રાષ્ટ્રપતિ ભવનના ભવ્ય દરબાર હોલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યાયાધીશ સૂર્યકાંતને પદ અને ગુપ્તતાનો શપથ લેવડાવ્યો. આ સાથે જ તેઓ ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ બન્યા. નવા CJI બનતા જ લોકોમાં સામાન્ય પ્રશ્નો ઊભા થાય છે. તેમને કેટલો પગાર મળે છે? કઈ સુવિધાઓ આપવામાં આવે છે? અને નિવૃત્તિ પછી તેમના ભથ્થાં કેટલા હોય છે?
દર મહિને કેટલો પગાર મળે છે?
મુખ્ય ન્યાયાધીશનું પદ ગૌરવભેર અને જવાબદારીપૂર્ણ છે. તેમને દર મહિને ₹2,80,000 નો મૂળભૂત પગાર મળે છે. આ સિવાય તેમને વિવિધ પ્રકારના ખાસ ભથ્થાં પણ પૂરા પાડવામાં આવે છે, જે તેમની કુલ કમાણીમાં વધારો કરે છે.
ભથ્થાં: આતિથ્યથી લઈને ફર્નિશિંગ સુધી
- આતિથ્ય ભથ્થું: દર મહિને ₹45,000
- ફર્નિશિંગ ભથ્થું: ઘરની સજાવટ અને જાળવણી માટે ₹10 લાખ
- ઘર: લુટિયન્સ દિલ્હીમાં ટાઇપ-VIII કેટેગરીનું વૈભવી બંગલો
- સ્ટાફ: નોકર, રસોઈયા, સહાયક સ્ટાફ 24 કલાક તહેનાત
- સુરક્ષા: ચોવીસેય કલાક કડક સુરક્ષા વ્યવસ્થા
મુખ્ય ન્યાયાધીશનું સરકારી નિવાસ સ્થળ સુવિધાઓ અને સુરક્ષાથી સજ્જ હોય છે, જેમાં જરૂરી તમામ સહાય પૂરી પાડવામાં આવે છે.
વાહન અને પ્રવાસ સુવિધાઓ
મુખ્ય ન્યાયાધીશને સરકારી વાહન અને ડ્રાઇવર પૂરો પાડવામાં આવે છે. તેમને દર મહિને 200 લિટર પેટ્રોલ/ડીઝલનો કોટા આપવામાં આવે છે, જેથી સત્તાવાર તેમજ ખાનગી મુસાફરી સરળતાથી થઈ શકે. ઉપરાંત, મુસાફરી ભથ્થું અને PCO સુવિધા પણ પેકેજનો ભાગ છે.
નિવૃત્તિ પછીની સુવિધાઓ
- સેવા પૂર્ણ થયા બાદ પણ મુખ્ય ન્યાયાધીશને સરકાર તરફથી ઉત્તમ નાણાકીય સુરક્ષા મળે છે.
- વાર્ષિક પેન્શન: ₹1,68,000
- મોંઘવારી રાહત (DR): સમયાંતરે વધતી રહે છે
- ગ્રેચ્યુઇટી: નિવૃત્તિ સમયે ₹20 લાખ
આ સુવિધાઓ તેમને નિવૃત્તિ પછી પણ આરામદાયક અને સન્માનભર્યું જીવન જીવવામાં મદદ કરે છે.
ન્યાયાધીશ સૂર્યકાંત કોણ છે?
ન્યાયાધીશ સૂર્યકાંતનો જન્મ 10 ફેબ્રુઆરી, 1962 ના રોજ હરિયાણાના હિસારમાં મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમણે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાથી કાયદાની ડિગ્રી મેળવી અને પ્રથમ વર્ગમાં પ્રથમ આવી ગોલ્ડ મેડલ મેળવ્યો.
નાના શહેરમાં વકીલાતની શરૂઆત કર્યા બાદ, તેમણે તેમની પ્રતિભા અને મહેનતથી રાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન બનાવ્યું. તેઓ અનેક મહત્વપૂર્ણ બંધારણીય બેન્ચોના ભાગ રહી ચૂક્યા છે અને અનેક ઐતિહાસિક ચુકાદાઓ આપી ચૂક્યા છે.
હવે, મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમના પાસે લગભગ 15 મહિના સુધી દેશની ન્યાયિક વ્યવસ્થાને નવી દિશા આપવા તક હશે. તેઓ 9 ફેબ્રુઆરી, 2027 ના રોજ 65 વર્ષની વયે નિવૃત્ત થશે.
