લોરેન્સ બિશ્નોઈ સહિત અનેક ગેંગસ્ટરને આંદામાનની જેલમાં કરશે શિફ્ટ!, NIAની ગૃહ મંત્રાલય પાસે માંગ
ભારતના અનેક રાજ્યના મોટા અને ખૂંખાર ગેંગસ્ટર જે જેતે રાજ્યની જેલોમાં બંધ છે તેમને હવે કાળાપાણીની સજા ફરમાવતી અંદમાનની જેલમાં મોકલવા અંગે NIA દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
NIA TO MHA: દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતની જેલોમાં બંધ ખતરનાક ગેંગસ્ટર કે ગુંડાઓ પર સકંજો કસવામાં આવી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હવે તે ગેંગસ્ટરને કાળાપાણીની જેલમાં મોકલવાની અપીલ કરવામાં આવી છે એટલે કે અનેક રાજ્યની જેલોમાં બંધ કેટલાક ગેંગસ્ટરોને હવે આંદામાન અને નિકોબાર ટાપુમાં સ્થિત જેલમાં મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે.
ખૂંખાર ગેંગસ્ટરનું કરાશે ટ્રાન્સફર
ભારતના અનેક રાજ્યના મોટા અને ખૂંખાર ગેંગસ્ટર જે જેતે રાજ્યની જેલોમાં બંધ છે તેમને હવે કાળાપાણીની સજા ફરમાવતી અંદમાનની જેલમાં મોકલવા અંગે NIA દ્વારા રજૂઆત કરવામાં આવી છે સૂત્રોના જણાવ્યા અનુસાર NIAએ આશંકા વ્યક્ત કરી છે કે આ ગેંગસ્ટરો જેલમાં બેસીને તેમની સિન્ડિકેટ ચલાવી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને અહીંની જેલોમાંથી કાઢીને આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહની જેલોમાં શિફ્ટ કરવા જોઈએ.
લોરેન્સ બિશ્નોઈ સહિત મોટા ગુંડા સામેલ
મીડિયા રિપોર્ટ અનુસાર અગાઉ NIAએ ગૃહ મંત્રાલયને પત્ર લખીને ઉત્તર ભારતની જેલોમાંથી ઓછામાં ઓછા 25 ગેંગસ્ટરોને દક્ષિણ ભારતની રાજ્યની જેલોમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. NAIની યાદીમાં સિદ્ધુ મુસેવાલાની હત્યાના મુખ્ય આરોપી લોરેન્સ બિશ્નોઈનું નામ પણ સામેલ હતું. ત્યારે લોરેન્સ બિશ્નોઈ સહિત અનેક ખુંખાર ગેંગસ્ટરને અંદમાનની જેલમાં પ્રસ્તાવને મંજૂરી મળતા ગમે ત્યારે ટ્રાન્સફર કરવામાં આવી શકે
ગેંગસ્ટરને કાળાપાણીની જેલ !
રિપોર્ટ અનુસાર, જ્યારે NIAના પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ત્યારે જાણવા મળ્યું કે આ ઘણી લાંબી પ્રક્રિયા છે કારણ કે તેના માટે રાજ્ય સરકારોની પરવાનગી લેવી પડશે. તે જ સમયે, આંદામાન અને નિકોબાર ટાપુઓ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તેનો વહીવટ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. તેથી જ અહીં કોઈ સમસ્યા નથી. આ જ કારણ છે કે NIAએ હવે ગેંગસ્ટરોને આંદામાન-નિકોબાર મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
સૂત્રોનું માનીએ તો, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કેટલાક ગેંગસ્ટરોને આસામની જેલોમાં પણ શિફ્ટ કરવાનું વિચારી રહી છે. હાલમાં આસામમાં ભાજપની સરકાર છે, તેથી ગુંડાઓને ત્યાં ખસેડવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. પંજાબના ખાલિસ્તાની સમર્થકો અને વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ અને તેમના સહયોગીઓને ડિબ્રુગઢ જેલમાં રાખવામાં આવ્યા છે.