CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં, ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલની સમિક્ષા બેઠક યોજી, ગુજરાતના કર્યા વખાણ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં, ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતમાં પોલીસ, જેલ, અદાલત, ફરિયાદ અને ફોરેન્સિક સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ગુજરાત દ્વારા ફોરેન્સિક ક્રાઈમ મેનેજર પહેલને અન્ય રાજ્યોએ પણ અપનાવવા અનુરોધ કર્યો હતો.

બેઠકમાં ચર્ચા દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓનો આત્મા, FIR નોંધાયાથી ત્રણ વર્ષમાં સુપ્રીમ કોર્ટ સુધીના કોઈપણ કેસમાં ન્યાય આપવાની જોગવાઈમાં છે.
નવા ફોજદારી કાયદાઓના અમલીકરણમાં ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરતા, અમિત શાહે રાજ્ય સરકારને 30 એપ્રિલ, 2025 સુધીમાં તમામ કમિશનરેટમાં નવા કાયદાઓનો 100 ટકા અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું.
તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પ્રતિ મહિને, રાજ્યના ગૃહ મંત્રી દ્વારા પખવાડિયામાં અને મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને પોલીસ મહાનિર્દેશકના સ્તરે સાપ્તાહિક સમીક્ષા થવી જોઈએ.
અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાતે 10 વર્ષથી વધુ સજાવાળા કેસોમાં 92 ટકાથી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમણે કહ્યું કે બાકીના કેસોમાં કોર્ટ પાસેથી પરવાનગી લેવાની જોગવાઈનો ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે કાયદાની સમીક્ષા કરવી જોઈએ.
ગૃહ મંત્રીએ કહ્યું કે ગુજરાતે ઝીરો એફઆઈઆરને 100 % એફઆઈઆરમાં રૂપાંતરિત કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમણે કહ્યું કે એવી સિસ્ટમ બનાવવી જોઈએ જેમાં ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ (CCTNS) દ્વારા બે રાજ્યો વચ્ચે FIR ટ્રાન્સફર કરી શકાય. ગુજરાતે CCTNS 2.0 અપનાવવું જોઈએ.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, આજની બેઠકમાં ગુજરાતમાં ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અનુસંધાને કેટલાક મહત્વના સુચનો કર્યા હતા.
- પોલીસ સ્ટેશનોમાં નેટવર્ક કનેક્ટિવિટી સ્પીડ નિર્ધારિત ધોરણો કરતાં 30 mbps વધુ વધારવા જણાવ્યું.
- હોસ્પિટલોમાંથી પોસ્ટમોર્ટમ અને અન્ય તબીબી અહેવાલો ઇલેક્ટ્રોનિક રીતે પ્રાપ્ત કરવા પર ભાર મૂકવો જોઈએ.
- જેલ, સરકારી હોસ્પિટલો, બેંકો, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) વગેરે જેવા પરિસરમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુરાવા રેકોર્ડ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ.
- પોલીસે ઇલેક્ટ્રોનિક ડેશબોર્ડ પર પૂછપરછ માટે અટકાયતમાં લેવાયેલા લોકો વિશેની માહિતી પ્રદાન કરવી જોઈએ.
- જપ્તી યાદી અને કોર્ટમાં મોકલવામાં આવેલા કેસોની માહિતી પ્રદાન કરવી જોઈએ.
- સંગઠિત અપરાધ, આતંકવાદ અને મોબ લિંચિંગની જોગવાઈઓનો દુરુપયોગ ન થાય તે માટે સરકારે પરિપત્ર બહાર પાડવો જોઈએ.
- રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કેસોમાં લાંબા સમયથી ભાગેડુ આરોપીની ગેરહાજરીમાં ટ્રાયલ શરૂ થવી જોઈએ.
- દરેક જિલ્લામાં બે થી વધુ ફોરેન્સિક સાયન્સ મોબાઇલ વાન ઉપલબ્ધ કરાવવી જોઈએ.
- મોબાઇલ ફોરેન્સિક વાનમાં વપરાતી બધી 12 કીટ ભારતમાં જ બનાવવામાં આવે તે માટે પ્રયાસો કરવા જોઈએ.
- ફોરેન્સિક વિભાગમાં ખાલી જગ્યાઓ પર વહેલી તકે ભરતી કરવી જોઈએ.