પીએમ મોદીના 3 વર્ષમાં વિદેશ પ્રવાસ પાછળ કેટલો ખર્ચ થયો ? ખડગેના પ્રશ્ન પર સરકારે જણાવ્યાં આંકડા
વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 2022 થી 2024 દરમિયાન કુલ 38 દેશોની મુલાકાત લીધી હતી. 2022માં પીએમની નેપાળ મુલાકાત દરમિયાન સૌથી ઓછો 80 લાખ 1 હજાર 483 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. 2023માં અમેરિકા મુલાકાત દરમિયાન સૌથી વધુ 22 કરોડ 89 લાખ 68 હજાર 509 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ, આજે ગુરુવારે ગૃહમાં સરકાર પાસેથી વડા પ્રધાનની વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની વિગતો માંગી હતી. ખડગેએ છેલ્લા ત્રણ વર્ષમાં પીએમ મોદીની વિદેશ યાત્રાઓ પર થયેલા ખર્ચનો હિસાબ માંગ્યો. આ અંગે, વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ રાજ્યસભામાં કોંગ્રેસના નેતાના પ્રશ્નનો લેખિત જવાબ આપ્યો. તેમણે ગૃહમાં 2022 થી 2024 દરમિયાન પીએમ મોદીના વિદેશ પ્રવાસો પર થયેલા ખર્ચની વિગતો આપી.
વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે પીએમ મોદીએ 2022 થી 2024 દરમિયાન કુલ 38 દેશોની મુલાકાત લીધી હતી. માર્ગેરિટાના મતે, છેલ્લા ત્રણ વર્ષમાં, 2022માં પીએમની નેપાળ મુલાકાત પર સૌથી ઓછી 80 લાખ 1 હજાર 483 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા અને 2023માં અમેરિકાની મુલાકાત પર સૌથી વધુ 22 કરોડ 89 લાખ 68 હજાર 509 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે પૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ મનમોહન સિંહના વિદેશ પ્રવાસ પર થયેલા ખર્ચની વિગતો પણ શેર કરી.
પીએમની 38 દેશોની મુલાકાત
માર્ગેરિટાએ પોતાના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, “ઉપલબ્ધ આંકડા અનુસાર, જૂન 2023માં મોદીની અમેરિકા મુલાકાત પર 22,89,68,509 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે સપ્ટેમ્બર 2024માં તે જ દેશની તેમની મુલાકાત પર 15,33,76,348 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.” આ રેકોર્ડમાં 38 થી વધુ વિદેશી યાત્રાઓનો સમાવેશ થાય છે, જે મે 2022 માં જર્મનીની મુલાકાતથી શરૂ થઈને ડિસેમ્બર 2024 માં કુવૈતની મુલાકાત સાથે સમાપ્ત થાય છે.
જાહેર કરાયેલા આંકડા મુજબ, મે 2023માં પ્રધાનમંત્રીની જાપાન મુલાકાત પર 17,19,33,356 રૂપિયા અને મે 2022માં તેમની નેપાળ મુલાકાત પર 80,01,483 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. સરકારી આંકડા અનુસાર, 3 વર્ષના આ સમયગાળા દરમિયાન પીએમની 38 દેશોની મુલાકાતો પર કુલ 258 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. આ દરમિયાન, વિદેશ રાજ્યમંત્રીએ 2014 પહેલાના વડા પ્રધાનો દ્વારા કરવામાં આવેલી વિદેશ મુલાકાતોનો તુલનાત્મક ખર્ચના આંકડા પણ રજૂ કર્યા હતા.
2011 માં પીએમની અમેરિકા મુલાકાત પર કેટલો ખર્ચ થયો હતો?
લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી માર્ગેરિટાએ જણાવ્યું હતું કે 2011માં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહની અમેરિકા મુલાકાત પર 10 કરોડ 74 લાખ 27 હજાર 363 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. 2013માં તેમની રશિયા મુલાકાત પર 9 કરોડ 95 લાખ 76 હજાર 890 રૂપિયા, 2011માં તેમની ફ્રાન્સ મુલાકાત પર 8 કરોડ 33 લાખ 49 હજાર 463 રૂપિયા અને જર્મનીની મુલાકાત પર 6 કરોડ 2 લાખ 23 હજાર 484 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લગતા તમામ સમાચારા જાણવા માટે આપ અહીં ક્લિક કરો