8th Pay Commission: સરકારે 8મા પગાર પંચને દિલ્હીમાં ફાળવી ઓફિસ, જાણો ક્યાં સુધીમાં પંચ તેનો અહેવાલ સરકારને આપશે ?
સરકારી કર્મચારીઓ માટે થોડાક રાહતના સમાચાર છે. 8મા પગાર પંચનું કામ શરૂ કરવા માટે દિલ્હીના ચંદ્રલોક ભવનમાં એક ઓફિસ ફાળવવામાં આવી છે. સ્ટાફ ભરતી પ્રક્રિયા પણ ઝડપી બનાવવામાં આવી છે.

8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લગતી ચર્ચા હવે પૂર્ણ થવા જઈ રહી છે. પગાર પંચની રચના અને કામગીરી અંગે લાંબા સમયથી ચાલતા પ્રશ્નો એક પછી એક ઉકેલાતા જણાય છે. કમિશનની રચનાના માત્ર ત્રીજા મહિનામાં, સરકારે તેની ઝડપથી તૈયારીઓ હાથ ધરી છે. જે પ્રક્રિયાઓ પહેલા ફાઇલોમાં અટવાયેલી માનવામાં આવતી હતી તે હવે નક્કર આકાર લઈ રહી છે. સૌથી મોટી રાહત એ છે કે કમિશનને તેનું કામ શરૂ કરવા માટે રાજધાનીમાં એક સત્તાવાર કચેરી મળી ગઈ છે.
તાજેતરના અપડેટ મુજબ, 8મા પગાર પંચે તેનું કામ શરૂ કરી દીધું છે. નવી દિલ્હીમાં જનપથ પર ચંદ્રલોક બિલ્ડિંગમાં કમિશનના કામ માટે એક ઓફિસ ફાળવવામાં આવી છે. હાલમાં, ડેપ્યુટેશન ઉપરના કર્મચારીઓની ભરતી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, અને સૂચનાઓ પહેલાથી જ ઈસ્યું કરવામાં આવી છે.
સરકારના વર્તુળોના જણાવ્યાનુસાર, કમિશનની રચના 3 નવેમ્બર, 2025 ના રોજના ઠરાવ દ્વારા સૂચિત કરવામાં આવી હતી. નિયમો અનુસાર, કમિશનને તેની ભલામણો રજૂ કરવા માટે સૂચનાની તારીખથી 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે કમિશન 2027 ના મધ્ય સુધીમાં જ સરકારને તેનો અહેવાલ સુપરત કરી શકશે. કમિશનની રચનાને લગભગ ત્રણ મહિના વીતી ગયા છે, અને હવે તેની કામગીરી માટે 15 મહિના બાકી છે. જો કે સરકાર ધારે તો તેનો સમયગાળો વધારી શકે છે.
બજેટમાં નિરાશા પછી હડતાળનું અલ્ટીમેટમ
જોકે 8માં પગારપંચની રચના થઈ ગઈ છે, કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં તો તેનો કોઈ લાભ મળ્યો નથી. કર્મચારી સંગઠનોને આશા હતી કે, સરકાર કેન્દ્રીય બજેટ 2026 માં 8મા પગાર પંચ હેઠળ કેટલીક રાહત અથવા વચગાળાની જાહેરાતો કરી શકે છે, પરંતુ બજેટમાં આ મુદ્દાને સંપૂર્ણપણએ અવગણવાથી યુનિયનોમાં રોષની લાગણી છે. આ ગુસ્સાના પરિણામે, સેન્ટ્રલ ગવર્નમેન્ટ એમ્પ્લોયીઝ એન્ડ વર્કર્સ (CCGEW) એ લડત લડવાનું નક્કી કર્યું છે.
સંગઠને 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. કર્મચારી સંગઠનોની પ્રાથમિક માંગણી એ છે કે સરકાર પગાર પંચના નામે આ મામલામાં વિલંબ કરવાને બદલે તાત્કાલિક કાર્યવાહી કરે. તેમની માંગણીઓમાં વચગાળાની રાહત, મોંઘવારી ભથ્થા (DA) ને મૂળ પગાર સાથે મર્જ કરવા અને સંદર્ભ શરતો (ToR) માં સુધારો કરવાનો સમાવેશ થાય છે.
બધાની નજર 25 ફેબ્રુઆરીની બેઠક પર
25 ફેબ્રુઆરી કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ તારીખ બનવાની છે. આ દિવસે JCM (સ્ટાફ સાઇડ) ની રાષ્ટ્રીય પરિષદની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે 8મા પગાર પંચ માટે રજૂ કરવામાં આવનાર મેમોરેન્ડમ પર વિગતવાર ચર્ચા કરશે.
આ તે દસ્તાવેજ હશે જેમાં કર્મચારીઓ પગાર વધારો, ભથ્થામાં ફેરફાર અને જૂના પેન્શન જેવા અન્ય લાભો પર પોતાના મંતવ્યો રજૂ કરશે. કર્મચારી સંગઠનો માટે પોતાનો કેસ મજબૂત રીતે રજૂ કરવાની આ પહેલી મોટી તક હશે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે, કમિશન પાસે તેની ભલામણો રજૂ કરવાનો સમય પૂરો થઈ રહ્યો છે, તેથી આ બેઠક ભવિષ્યની કાર્યવાહી નક્કી કરશે.
જોકે, એ સ્પષ્ટ છે કે કર્મચારીઓ અને પેન્શનરોએ ધીરજ રાખવી પડશે. ભલામણો 2027 ની શરૂઆતમાં અથવા મધ્ય સુધીમાં સરકાર સુધી પહોંચશે, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. આનો અર્થ એ છે કે પગારપત્રકમાં ફેરફાર જોવા માટે આપણે ઓછામાં ઓછા દોઢ વર્ષ રાહ જોવી પડી શકે છે.