ઓક્ટોબર-નવેમ્બરમાં વધુ ચાર ફાર્મા કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરુ કરી શકે છેઃ મનસુખ માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ( Union Health Minister Mansukh Mandaviya ) કહ્યુ કે, રસીકરણ સારી રીતે ચાલી રહી છે. આવનારા દિવસોમાં વધુ ચાર ભારતીય કંપનીઓ રસીનું ઉત્પાદન શરૂ કરશે

ઓક્ટોબર-નવેમ્બરમાં વધુ ચાર ફાર્મા કંપનીઓ વેક્સિનનું ઉત્પાદન શરુ કરી શકે છેઃ મનસુખ માંડવિયા
Union Health Minister Mansukh Mandvia

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ( Union Health Minister Mansukh Mandaviya ) મંગળવારે સંસદમાં કહ્યુ કે, ચાર ભારતીય ફાર્મા કંપનીઓ ઓક્ટોબર- નવેમ્બર સુધીમાં એન્ટી કોરોના વાયરસ વેક્સિનનું ઉત્પાદન શરુ કરશે તેવી આશા છે. ભારતમાં અત્યાર સુધીમાં 47 કરોડ વેકિસન અપાઈ ચૂકી છે. કેન્દ્ર સરકાર ઝડપથી દેશભરના લોકોને વેક્સિન મળે તેવી કામગીરી કરી રહી છે.

મનસુખ માંડવિયાએ કહ્યુ કે, ખાનગી હોસ્પિટલોમાં ઉપયોગમાં નહી લેવાયેલ 7થી 9 ટકા જેટલા વેક્સિનના ડોઝ પણ સરકારી રસી કેન્દ્ર ઉપર ઉપયોગમાં લેવાયા છે. પેગાસસ અને કૃષિબીલના મુદ્દે વિપક્ષ દ્વારા મચાવાયેલા હોબાળાની વચ્ચે કેન્દ્રિય આરોગ્ય પ્રધાને જણાવ્યુ કે, રસીકરણનો કાર્યક્રમ સારી રીતે ચાલી રહ્યો છે. આવનારા દિવસોમાં વધુ ચાર ભારતીય કંપનીઓ રસીનું ઉત્પાદન શરૂ કરશે. તેની સાથે રસીકરણના કાર્યક્રમમાં વધુ ઝડપ આવશે.

બાયોલોજિકલ ઈ અને નોવાર્ટિસની પણ વેક્સિન ઉપલબ્ધ થશે
તેમણે વધુમાં કહ્યુ કે, સરકારને આશા છે કે, વધુ ચાર કંપનીઓ રસીનુ ઉત્પાદન શરૂ કરશે તેનાથી આપણી જરૂરીયાતને પૂરી કરી શકાશે. આવનારા દિવસોમાં બાયોલોજિકલ ઈ અને નોવાર્ટિસની પણ વેક્સિન બજારમાં મળતી થઈ જશે. જ્યારે ઝાયડસ કેડિલા દ્વારા ઉત્પાદિત રસીને બહુ ઝડપથી તજજ્ઞોની સમિતિ દ્વારા કટોકટીમાં ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપવામાં આવશે. હાલ બે કંપની, ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યુટ દ્વારા સરકારને વેક્સિનનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યુ કે સ્પૂતનિક વેક્સિન ઉપલબ્ધ છે અને તેનુ ઉત્પાદન પણ શરૂ થઈ ચૂક્યુ છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યુ કે, રસીકરણના કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 47 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. જે વિશ્વભરમાં સૌથી વધુ છે. આપણે આવનારા દિવસોમાં રસીકરણની પ્રક્રિયાને વધુ ઝડપ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ખાનગી હોસ્પિટલોને અપાતા વેક્સિનના જથ્થામાં ઘટાડો કરવા અંગે ભાજપના સાંસદ સુશીલકુમાર મોદીના સવાલનો જવાબ આપતા માંડવિયાએ કહ્યુ કે, એ જરૂરી નથી, ખાનગી હોસ્પિટલો દ્વારા અપાતી રસી માટે વેક્સિનનો જથ્થા સરકાર દ્વારા નક્કી કરાઈ રહ્યો છે. દેશભરની જનતાને વધુ ઝડપથી કોરોના વિરોધી રસી મળે તે માટે સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યુ હતું.

 

આ પણ વાંચોઃ શું નાગરિકોને COVID-19 રસીના ત્રીજા અથવા બૂસ્ટર ડોઝની જરૂર પડશે? બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

આ પણ વાંચોઃ INDIA CORONA UPDATE : 6 દિવસ સુધી 40,000 થી વધુ કેસ આવ્યાં બાદ દેશમાં દૈનિક કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો

Click on your DTH Provider to Add TV9 Gujarati