દિલ્હીમાં કનોટ પ્લેસના એમ-બ્લોકની બિલ્ડીંગમાં લાગી આગ
દિલ્હીના કનોટ પ્લેસ વિસ્તારમાં આજે રવિવારે બપોરે એક બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગે આખી ઈમારતને લપેટમાં લઈ લીધી. બનાવની જાણ થતા, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો.
દિલ્હીના કનોટ પ્લેસમાં એક બિલ્ડીંગમાં આગ ફાટી નીકળતાં વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા, ફાયરની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરાયો. કનોટ પ્લેસના આઉટર સર્કલના એમ બ્લોકમાં સ્થિત મિસ્ટ્રી રૂમમાં આગ ફાટી નીકળી હતી, જે થીમ આધારિત એડવેન્ચર ગેમિંગ ઝોન છે. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનો આગને ઓલવવાના સતત પ્રયાસ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ એમ બ્લોકની બિલ્ડીંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જે બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા શરૂઆતમાં 3 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિ ગંભીર બનતી જોઈને વધુ 4 વાહનોને તાત્કાલિક મદદે બોલાવવામાં આવ્યા હતા. દુકાનની અંદર એક વ્યક્તિ ફસાયા હોવાના સમાચાર મળ્યા બાદ તરત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને વ્યક્તિને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો. જો કે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
પ્રથમ માળે આગ
આઉટર સર્કલમાં મિસ્ટ્રી રૂમ્સ ગેમ ઝોનના પહેલા માળે આગ ફાટી નીકળી હતી. બિલ્ડિંગમાંથી જ્વાળાઓ બહાર આવવા લાગી. બિલ્ડિંગમાં લાગેલી આગ જોઈને ઘણા લોકો અહીં એકઠા થઈ ગયા હતા અને વીડિયો બનાવવા લાગ્યા, પરંતુ પોલીસે તમામને ત્યાંથી દૂર કર્યાં હતા. ઘટના બાદ ટ્રાફિક જામ સર્જાયો હતો, જે બાદ પોલીસકર્મીઓએ ટ્રાફિક કલીયર કરવા માટે રૂટ ડાયવર્ટ કર્યો હતો.
#WATCH | Fire breaks out in Mystery Rooms located in M Block of Delhi’s Connaught Place; One person trapped inside the shop is being rescued with the help of firefighters pic.twitter.com/dDF5TcfgqS
— ANI (@ANI) June 9, 2024
વીડિયો સામે આવ્યો
બિલ્ડિંગમાં આગની ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પહેલા માળની બારીમાંથી આગની મોટી જ્વાળાઓ નીકળી રહી છે અને આગને જોઈને ઘણા લોકો નીચે ઊભા છે. બીજા વીડિયોમાં જોઈ શકાય છે કે ફાયર ફાયટર બચાવ કાર્યમાં લાગેલા છે. બિલ્ડિંગ સુધી પહોંચવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.