અરવિંદ કેજરીવાલના દાવા પર EDનો વળતો પ્રહાર, કહ્યું- ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ ઉપલબ્ધ છે, કોઈને ત્રાસ આપવામાં આવતો નથી
દિલ્હીના પૂર્વ શિક્ષણ મંત્રી અને અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી મનીષ સિસોદિયાની ધરપકડ બાદ પણ અરવિંદ કેજરીવાલે એજન્સી પર આરોપ લગાવ્યો હતો. પરંતુ આના બદલામાં એજન્સીએ વળતો જવાબ આપ્યો છે કે, તેમની પાસે તમામ પૂછપરછ અને તપાસના ઓડિયો અને વીડિયો રેકોર્ડ્સ છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દાવા પર EDએ વળતો જવાબ આપ્યો છે. કેજરીવાલે કહ્યું ED પૂછતાછ દરમિયાન ટોર્ચર કરે છે જેને લઈ એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે, તમામ આરોપીઓની પૂછપરછ અને નિવેદનનો ઓડિયો અને વીડિયો ઉપલબ્ધ છે. ત્રાસનો દાવો પાયાવિહોણો છે.
કેજરીવાલને ED નો વળતો જવાબ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદન પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વળતો જવાબ આપ્યો છે. અગાઉ કેજરીવાલે કહ્યું હતું કે, ઇડી દારૂ નીતિ કૌભાંડમાં આરોપી નેતાઓને ટોર્ચર કરી રહી છે. તેમના પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે અને તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે.
દિલ્હીના પૂર્વ શિક્ષણ મંત્રી અને અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી મનીષ સિસોદિયાની ધરપકડ બાદ પણ અરવિંદ કેજરીવાલે એજન્સી પર આરોપ લગાવ્યો હતો. પરંતુ આના બદલામાં એજન્સીએ વળતો જવાબ આપ્યો છે કે, તેમની પાસે તમામ પૂછપરછ અને તપાસના ઓડિયો અને વીડિયો રેકોર્ડ્સ છે અને જો જરૂર પડશે તો તેને કોર્ટમાં રજૂ પણ કરશે.
ED પાસે તમામ પૂછપરછના CCTV ફૂટેજ છે
એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે, ED પાસે તમામ આરોપીઓના સંપૂર્ણ CCTV ફૂટેજ છે. રિસેપ્શન પોઈન્ટ કે જ્યાં કોઈ ED ઓફિસમાં પ્રવેશે છે ત્યાંથી લઈને પૂછપરછ રૂમની અંદર સુધી રેકોર્ડ્સ અસ્તિત્વમાં છે. અત્યાર સુધી દારૂ નીતિ કૌભાંડના આરોપીઓના નિવેદન ઓડિયો અને વિડિયો બંને રેકોર્ડ કરવામાં આવ્યા છે. CCTV નેટવર્ક દ્વારા સમગ્ર કોરિડોર, પૂછપરછ રૂમ અને લોક-અપ સેલનું કવરેજ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું આ ઓફિસમાં કોઈની પર અત્યાચાર કરવામાં આવતો નથી કે કોઈનું નિવેદન બળપૂર્વક લેવામાં આવતું નથી.
બિલ્ડિંગના ત્રીજા માળે પૂછપરછ
EDનું નવું હેડક્વાર્ટર, લ્યુટિયન્સ દિલ્હીના મધ્યમાં એપીજે અબ્દુલ કલામ રોડ પર સ્થિત, વિશાળ કાચની બારીઓ અને કેન્દ્રીય વાતાનુકૂલિત ઓરડાઓ સાથેનું આધુનિક કાર્યાલય છે. તેની બિલ્ડિંગના ત્રીજા માળે, પૂછપરછ રૂમની બરાબર સામે, ઓછામાં ઓછા અડધો ડઝન લોક-અપ્સ છે જ્યાં આરોપીને અટકાયતમાં લીધા પછી તરત જ ખસેડવામાં આવે છે. અગાઉ, EDએ એક આરોપીને રાત્રિ રોકાણ માટે બિલ્ડિંગ (પોલીસ સ્ટેશન)ની બહાર ખસેડવો પડ્યો હતો. જેથી અહી વધારે સમય કોઈ પણને લોકાપમાં મૂકવામાં આવતો નથી.
આ પણ વાંચો : દારૂ કૌભાંડ કેસમાં આજે દિલ્હીના CM કેજરીવાલની CBI કરશે પૂછપરછ, 11 વાગે પહોચશે CBI ઓફિસ, ધારા 144 લાગુ
EDએ દરેક કેસ અને આરોપીઓ માટે SOP તૈયાર કરી છે
અધિકારીએ કહ્યું કે, EDએ દરેક કેસ અને આરોપીઓ માટે SOP તૈયાર કરી છે. જેમાં પૂછપરછ, ધરપકડ અને કસ્ટોડિયલ વગેરે બાબત માટે આ અનુસરવામાં આવતી હોય છે. આ એસઓપીમાં પરિસરમાં પ્રવેશ સમયે નિવેદનોના ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ અને ફોટો ઓળખ માટેની ચોક્કસ પ્રક્રિયાઓ છે.
જણાવી દઈએ કે, રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલા ED પર આરોપ લગાવ્યો હતો કે લિકર પોલિસી કૌભાંડમાં જ્યારે ED પોતાના આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ રહી છે, ત્યારે હવે તે સિસોદિયા પર મોબાઈલ તોડવાનો, પુરાવા ભૂંસી નાખવાનો આરોપ લગાવી રહી છે. તેમણે કહ્યું હતું કે એજન્સી આરોપી નેતાઓને ટોર્ચર કરી રહી છે. તેમના પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે અને તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…