ડોક્ટરની ફી માત્ર 20 રૂપિયા અને ફી ન આપો તો પણ ચાલે ! આવા ડોક્ટરને મળ્યો પદ્મશ્રી, જાણો કોણ છે આ વ્યક્તિ
સારવાર ઉપરાંત 78 વર્ષીય ડો. ડાવર વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવે છે. ક્લિનિકમાં સારવાર માટે આવતા લોકો તમાકુ, બીડી, સિગારેટ અને આલ્કોહોલથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરે છે. એટલું જ નહીં આવા લોકોના ફોન પર વ્યસનમુક્તિ અંગે વોલ પેપર પણ મુકાવડાવે છે.
બુધવારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ 106 લોકોને પ્રતિષ્ઠિત પદ્મ સન્માનથી નવાજવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમા ઘણા અનામી નામો પણ સામેલ છે જેઓ કોઈપણ પ્રકારની જાહેરાત વગર પોતાના કામમાં લાગેલા છે. તેમાંથી એક ડો. મુનીશ્વર ચંદર ડાવર છે, જેઓ સેનામાંથી નિવૃત્ત છે અને મધ્યપ્રદેશના જબલપુરમાં રહે છે. નિવૃત્તિ બાદ તેમણે અહીં ગરીબો માટે પોતાનું ક્લિનિક શરૂ કર્યું.
નિવૃત્તિ પછી ડો. મુનીશ્વર ચંદર ડાવરે જબલપુરમાં ‘ડાવર કી દવા’ નામનું ક્લિનિક ખોલ્યું, જ્યાં તેઓ માત્ર રૂ.20ની ફીમાં લોકોની સારવાર કરે છે. પહેલા તેમની ફી માત્ર 2 રૂપિયા હતી, જે હવે વધીને 20 રૂપિયા થઈ ગઈ છે. જો કે, ફી અંગે એવી છૂટ પણ છે કે જેની પાસે પૈસા નથી તેઓ ફી ભર્યા વગર સારવાર કરાવી શકે છે.
ડો. ડાવર 1971ના યુદ્ધમાં પણ સામેલ હતા
પદ્મશ્રીથી સન્માનિત ડો. ડાવર સેનામાં પણ સેવા દરમિયાન અનેક મોરચે રહ્યા હતા. તે વર્ષ 1971માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં પણ સામેલ રહ્યા છે. યુદ્ધ દરમિયાન તેઓ સરહદ પર જવાનોની સાથે ઉભા રહ્યા અને તેમની સારવાર કરતા રહ્યા. જબલપુરના ‘ડાવર કી દવા’ નામના આ ક્લિનિકમાં દૂર-દૂરથી દર્દીઓ સારવાર માટે આવે છે. તેમના ક્લિનિકમાં હંમેશા ભીડ રહે છે. તે ઘણા વર્ષોથી ગરીબોની સસ્તી સારવાર કરે છે. વર્ષ 2010માં ડો. ડાવરની ફી માત્ર રૂ. 2 હતી.
આ પણ વાંચો : Gir somanth: સીદ્દી સમુદાયના શિક્ષણ સહિતના ઉત્કર્ષ માટે આપ્યો સિંહફાળો, જાણો કોણ છે પદ્મશ્રીથી સન્માનિત હિરાબાઈ લોબી
વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવે છે
મફત સારવાર ઉપરાંત 78 વર્ષીય ડો. ડાવર વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવે છે. ક્લિનિકમાં સારવાર માટે આવતા લોકો તમાકુ, બીડી, સિગારેટ અને આલ્કોહોલથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરે છે. એટલું જ નહીં આવા લોકોના ફોન પર વ્યસનમુક્તિ અંગે વોલ પેપર પણ મુકાવડાવે છે.
પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 19 મહિલાઓ સામેલ
તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈન, RRR ફિલ્મ સંગીતકાર એમએમ કીરવાની, અભિનેત્રી રવિના ટંડન ઉપરાંત ગાયક સુમન કલ્યાણપુર અને વાણી જયરામ આ વર્ષે પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કરનારા 106 લોકોની યાદીમાં છે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારોના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ઈનપુટ – ભાષા