ગુજરાતી સહિત ત્રણ વકીલોએ પાડ્યા હતા દેશના ભાગલા ?
સ્વતંત્રતાની લાંબી લડાઈ બાદ 15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ આખરે દેશ સ્વતંત્ર થયો. દેશ આઝાદ તો થયો, પરંતુ બે ભાગલામાં વહેંચાઈ ગયો. હિંદુ બહુમતી વિસ્તાર ભારત બન્યો અને મુસ્લિમ બહુમતી વિસ્તાર પાકિસ્તાન બન્યો. ત્યારે આ લેખમાં એ ત્રણ વકીલો વિશે જણાવીશું કે જેમની વિભાજનમાં શું ભૂમિકા હતી અને કોણ હતા આ ત્રણેય વકીલ ?
ભારતની આઝાદી માટેની લડાઈ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ 1857થી શરૂ થઈ હતી, જે બીજા વિશ્વ યુદ્ધ પછી વધુ તીવ્ર બની અને આખરે 15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ આખરે ભારત આઝાદ થયો. આઝાદીની સાથે દેશને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો અને ભારત અને પાકિસ્તાન બે કાયદાકીય રીતે સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા. ભારતનું વિભાજન માઉન્ટબેટન પ્લાનના આધારે બનાવવામાં આવેલ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947ના આધારે કરવામાં આવ્યું હતું. ત્યારે આ લેખમાં એ ત્રણ વકીલો વિશે જણાવીશું કે જેમની વિભાજનમાં શું ભૂમિકા હતી ?
આ રીતે થયું વિભાજન
માઉન્ટબેટન યોજના 3 જૂન 1947ના રોજ તૈયાર કરવામાં આવી હતી. વકીલ સર સિરિલ રેડક્લિફ લંડનથી આવ્યા હતા અને ભારતની ધરતી પર એક રેખા દોરી હતી. હિંદુ બહુમતી વિસ્તાર ભારત બન્યો અને મુસ્લિમ બહુમતી વિસ્તાર પાકિસ્તાન બન્યો. 18 જુલાઈના રોજ બ્રિટિશ સંસદમાં ભારતીય સ્વતંત્રતા અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો પસાર થતાં 565 રાજ્યો સ્વતંત્ર થયા. તેમને ભારત અને પાકિસ્તાન સાથે જોડાવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. મોટાભાગના રાજ્યો બહુમતી ધર્મના આધારે ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાવા માટે સંમત થયા હતા.
ભારતના ભાગલાથી કરોડો લોકો પ્રભાવિત થયા
ધર્મના આધારે આ વિભાજનને કારણે એક કરોડથી વધુ લોકોને તેમના ઘરો, ગામડાઓ અને જમીનો છોડવાની ફરજ પડી હતી અને દૂર-દૂરના અજાણ્યા સ્થળોએ જઈને ફરીથી પોતાનું જીવન શરૂ કરવું પડ્યું હતું. કદાચ માનવ ઈતિહાસમાં આટલી મોટી સંખ્યામાં લોકોનું વિસ્થાપન પહેલાં ક્યારેય થયું ન હતું. લાખો હિંદુ અને શીખ પરિવારોને પાકિસ્તાનમાંથી ભારત આવવું પડ્યું, એ જ રીતે ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ વગેરે રાજ્યોમાંથી લાખો મુસ્લિમ પરિવારો પાકિસ્તાન ગયા હતા.
દેશના ભાગલામાં આ ત્રણ વકીલોની ભૂમિકા
વિભાજન એક એવો મામલો છે જેમાં દરેક વ્યક્તિ જવાબદાર કોણ છે તે શોધવાનો પ્રયાસ કરે છે, પરંતુ એ સમજવું જરૂરી છે કે આટલી મોટી ઘટના પાછળ માત્ર એક વ્યક્તિ નહીં પણ અનેક શક્તિઓ કામ કરી રહી હોય છે. પરંતુ ઘણા ઈતિહાસકારોનું માનવું છે કે 1946 પછી જ્યારે સાંપ્રદાયિક હિંસા કાબૂ બહાર ગઈ ત્યારે ભાગલા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ એક એવું ભારત ઇચ્છતા હતા જેમાં બધા ધર્મના લોકો રહે. જો કે, ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી ઝીણાએ સ્વતંત્રતાના સમાધાનના ભાગરૂપે વિભાજનની માગ કરી રહ્યા હતા. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને મોહમ્મદ અલી ઝીણા ત્રણેય વ્યવસાયે વકીલ હતા. આગળ અમે તેના વિશે વિસ્તારથી જણાવીશું પણ તે પહેલા એ જાણી લઈએ કે દેશના ભાગલા પાડવામાં આ લોકોની ભૂમિકા શું હતી ?
દેશના ભાગલા પાડવામાં ગાંધીજીની ભૂમિકા
ઘણા લોકો એવું માને છે કે દેશના વિભાજન માટે ગાંધીજી પણ જવાબદાર હતા. જો તેઓ ઈચ્છતા હોત તો ભાગલા રોકી શક્યા હોત. બાપુ વિશેની આ માન્યતાઓનું સત્ય એ છે કે તેઓ દેશના ભાગલાના વિરોધી હતા. તેમણે તેને પાપપૂર્ણ કૃત્ય ગણાવ્યું. તેઓ ક્યારેય નહોતા ઈચ્છતા કે દેશના ભાગલા પડે. ગાંધીજી પાકિસ્તાનની રચનાની માંગ અને જરૂરિયાત બંને સાથે અસહમત હતા.
1946માં હરિજનમાં તેમના એક લેખમાં તેમણે લખ્યું હતું કે, હું માનું છું કે મુસ્લિમ લીગ દ્વારા ઉઠાવવામાં આવેલી પાકિસ્તાનની માંગ સંપૂર્ણપણે બિન-ઇસ્લામિક છે અને મને એવું કહેવામાં કોઈ સંકોચ નથી કે તે કૃત્ય એક પાપ છે. એકબીજાના લોહીના તરસ્યા ભારતના ટુકડા કરવા માંગતા તત્વો ભારત અને ઇસ્લામ બંનેના દુશ્મન છે. ભલે તેઓ મારા શરીરના ટુકડા કરી નાખે, પણ તેઓ મને એવી કોઈ બાબત માટે સંમત નહીં કરી શકે જે હું યોગ્ય નથી માનતો.
દેશના ભાગલા પાડવામાં જવાહરલાલ નેહરુની ભૂમિકા
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું 27 મે 1964ના રોજ અવસાન થયું હતું. આના થોડા દિવસો પહેલા 18 મે 1964ના રોજ ન્યુયોર્કમાં તેમનો છેલ્લો ઇન્ટરવ્યુ પ્રકાશિત થયો હતો. જેમાં નેહરુએ જણાવ્યું હતું કે તેઓ આખરે ભાગલા માટે કેમ તૈયાર થયા હતા. મહાત્મા ગાંધી ક્યારેય ભાગલાના પક્ષમાં ન હતા. વિભાજન થયું ત્યારે પણ તેઓ તેની તરફેણમાં નહોતા. હું પણ ભાગલાની તરફેણમાં ન હતો પણ અંતે અન્ય ઘણા લોકોની જેમ મેં પણ નક્કી કર્યું કે આ સતત ઝંઝટ કરતાં વિભાજન વધુ સારું છે.
મોટાભાગના મુસ્લિમ લીગના નેતાઓ મોટા જમીનદારો હતા. તેમને જમીન સુધારણા પસંદ ન હતું. અમે જમીન સુધારણાને લઈને ખૂબ જ ચિંતિત હતા. આ પણ એક કારણ છે જેના કારણે અમે વિભાજન વિશે વિચાર્યું. જો તે અમારી સાથે રહ્યા હોત તો તેમણે અન્ય સમસ્યાઓની સાથે અમારા આવા અનેક પગલાંનો વિરોધ કર્યો હોત. આવી સ્થિતિમાં અમે તેમને હિસ્સો આપીને અમારા સુધારાના કાર્યક્રમો ચાલુ રાખ્યા.
દેશના ભાગલામાં મોહમ્મદ અલી ઝીણાની ભૂમિકા
મુસ્લિમો માટે અલગ દેશની માંગ સૌપ્રથમ 1930માં મોહમ્મદ ઈકબાલે ઉઠાવી હતી. મોહમ્મદ ઈકબાલ એ જ વ્યક્તિ છે જેમણે ‘સારે જહાં સે અચ્છા’ ગીત લખ્યું હતું. બાદમાં ઈકબાલ અને અન્ય મુસ્લિમ કટ્ટરપંથીઓએ મોહમ્મદ અલી ઝીણાના નેતૃત્વમાં આ માંગણી આગળ ધપાવી. જ્યારે મહાત્મા ગાંધી અને કોંગ્રેસ આના પક્ષમાં નહોતા અને તેમણે ભારતના ભાગલાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
ત્યાર બાદ દેશમાં ઘણી જગ્યાએ હિંદુ-મુસ્લિમ રમખાણો થયા. પરંતુ જ્યારે 1946માં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસને 923 અને મુસ્લિમ લીગને 425 બેઠકો મળી હતી. મુસ્લિમ લીગે જીતેલી બેઠકોએ અલગ દેશની માંગને વેગ આપ્યો. ઝીણા મહાત્મા ગાંધીને હિંદુઓના નેતા માનતા હતા. આ જ કારણ છે કે ઝીણા પોતાની માંગ પર અડગ રહ્યા અને લોર્ડ માઉન્ટબેટને કોંગ્રેસના નેતાઓને બે દેશો બનાવવા માટે રાજી કર્યા. મહાત્મા ગાંધીને આ નિર્ણયની પાછળથી ખબર પડી હતી. આ જ કારણ છે કે ગાંધીએ દેશની આઝાદીની કોઈ પણ ઉજવણીમાં ભાગ લીધો ન હતો, જે દરમિયાન તેઓ બંગાળમાં રમખાણો રોકવા ગયા હતા. હવે આ ત્રણેય નેતાઓની વકીલાત પર એક નજર કરીએ…
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હતા વકીલ
ગાંધીજીના શિક્ષણ વિશે વાત કરીએ તો, તેમણે પોરબંદરથી મિડલ અને રાજકોટથી હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે ભાવનગરની શામળદાસ કોલેજમાંથી મેટ્રિક પછીની પરીક્ષા પાસ કરી. તેમનો પરિવાર ઇચ્છતો હતો કે તેઓ બેરિસ્ટર બને તેથી સપ્ટેમ્બર 1888થી જૂન 1891 સુધી લંડનમાં કાયદાનો અભ્યાસ કરવા ગયા હતા. ત્યાર બાદ ભારત પરત ફરી તેમણે 1891થી 1893 સુધી કાયદાની પ્રેક્ટિસ કરી. ત્યાર બાદ મહાત્મા ગાંધી 1893માં દક્ષિણ આફ્રિકામાં કાયદાની પ્રેક્ટિસ કરવા ગયા હતા.
ભારતમાં ગાંધીજીને પહેલો કેસ મુંબઈમાં મામીબાઈનો મળ્યો હતો. મુંબઈની સ્મોલ કોઝ કોર્ટમાં ગાંધીજી માટે આ પહેલી તક હતી. જેમાં તેમણે પ્રતિવાદી વતી દલીલો કરવાની હતી. સત્યના પ્રયોગમાં તેઓ લખે છે કે, તેઓ આ કેસ લડી શક્યા નહોતા તેમને કોર્ટમાં ચક્કર આવવા લાગ્યા હતા. ત્યાર બાદ તેઓ કેસની ફી પરત આપીને તેઓ કોર્ટમાંથી બહાર નીકળી ગયા હતા.
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ હતા વકીલ
જવાહરલાલ નેહરુએ વિશ્વની શ્રેષ્ઠ સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ઈંગ્લેન્ડના હેરોમાંથી શાળાકીય શિક્ષણ અને ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજ (લંડન)માંથી કોલેજનું શિક્ષણ પૂર્ણ કર્યું. આ પછી તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી પૂર્ણ કરી. જવાહરલાલ નેહરુ 1912માં ભારત પાછા ફર્યા અને કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. 1916માં તેમણે કમલા નેહરુ સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ નેહરુ 1917માં હોમ રૂલ લીગમાં જોડાયા. રાજનીતિમાં તેમની વાસ્તવિક શરૂઆત બે વર્ષ પછી 1919માં થઈ જ્યારે તેઓ મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા.
મોહમ્મદ અલી ઝીણા પણ હતા વકીલ
મોહમ્મદ અલી ઝીણાના શિક્ષણ વિશે વાત કરીએ તો, 1887માં કરાચીમાં સિંધ મદ્રાસતુલ ઇસ્લામ બાદ તેમણે ક્રિશ્ચિયન મિશનરી સોસાયટી હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું, જ્યાં 16 વર્ષની ઉંમરે તેમણે બોમ્બે યુનિવર્સિટીની મેટ્રિક પરીક્ષા પાસ કરી હતી. અંગ્રેજ મિત્રની સલાહ પર તેમના પિતાએ તેમને વ્યવસાયનો અનુભવ મેળવવા માટે ઈંગ્લેન્ડ મોકલવાનું નક્કી કર્યું. જો કે, ઝીણાએ બેરિસ્ટર બનવાનું મન બનાવી લીધું હતું.
લંડનમાં તેઓ બાર પરીક્ષાની તૈયારી કરાવતી લિંકન ઇનમાં જોડાયા જે એક કાનૂની સોસાયટી છે. 1895માં 19 વર્ષની ઉંમરે તેમને બારમાં બોલાવવામાં આવ્યા હતા. ત્રણ વર્ષની સઘન તૈયારી પછી તેમણે બારની પરીક્ષા પાસ કરી અને પોતાની કાનૂની પ્રેક્ટિસ શરૂ કરવા 1896માં બોમ્બે ગયા. તેમની પ્રેક્ટિસને સફળ બનાવવા માટે વર્ષોની મહેનત લાગી. લગભગ 10 વર્ષ પછી અંતે તેઓ સક્રિય રીતે રાજકારણ તરફ વળ્યા અને પોતાની રુચિઓ કાયદા અને રાજકારણ વચ્ચે વહેંચી દીધી.
આ પણ વાંચો કચ્છમાં મળેલા અવશેષો ભગવાન શિવના વાસુકી નાગના હોવાનો દાવો કેટલો સાચો ? જાણો શું છે હકીકત