Breaking News : ઉત્તરકાશીમાં યમુનોત્રી રોડ પર વાદળ ફાટ્યું, 9 લોકો ગુમ થયા
ઉત્તરાખંડ રાજ્યમાં ઉત્તરકાશી જિલ્લાના બારકોટ-યમુનોત્રી રોડ પર આવેલ બાલીગઢમાં વાદળ ફાટયું હતું. વાદળ ફાટવાને કારણે નવી બંઘાઈ રહેલ હોટલની સાઇટને ભારે નુકસાન થયું છે. હોટલના બાંધકામ સ્થળ પર કામ કરતા 8 થી 9 મજૂરો ગુમ થયા હોવાનુ સામે આવ્યું છે. ઉત્તરાખંડ પોલીસ, SDRF અને NDRFની ટીમ, વાદળ ફાટ્યુ તે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ તેમજ રાહત કાર્ય શરૂ કરી દીધુ છે. જિલ્લા કલેકટર પ્રશાંત આર્યએ, જણાવ્યું હતું કે ગુમ થયેલા કામદારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં બારકોટ વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે તારાજી સર્જાઈ છે. વાદળ ફાટવાને કારણે સિલાઈ બંધ નજીક પર્વત પરથી પડેલા ભારે પથ્થર, કાદવ કિચડ સહિતના કાટમાળમાં બાંધકામ મજૂરોના તંબુ પર પડયો હતો. તંબુમાં એ સમયે હાજર રહેલા કામદારો પૈકી 8 થી 9 કામદારો ગુમ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે, સ્થાનિકોના જણાવ્યાનુસાર તંબુમાં અંદાજે 19 જેટલા કામદારો હતા. SDRF, પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો બચાવ કાર્ય માટે સ્થળ પર છે. સમગ્ર ગઢવાલ પ્રાંતમાં આખી રાત ભારે વરસાદ પડ્યો છે, ચારધામ યાત્રાના રૂટ ઉપર થઈ રહેલા ભારે વરસાદ અને રોડ ઉપર પડેલા કાટમાળને કારણે ચારધામ યાત્રા ખોરવાઈ ગઈ છે.
ઉત્તરકાશી જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશાંત આર્યએ માહિતી આપી છે કે બારકોટ તહસીલમાં સિલાઈ બંધ નજીક ભારે વરસાદ અને વાદળ ફાટવાના અહેવાલ છે. SDRF, પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો આ સ્થળે હાજર છે. અહીં 9 મજૂરો ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમની શોધખોળ ચાલુ છે. ગુમ થયેલા કામદારો નેપાળના રહેવાસી હોવાનું કહેવાય છે. જેઓ અહીં રોજગારી અર્થે આવ્યા હતા.
ગુમ થયેલા લોકોના નામ
1. દુજે લાલ (55)
2. કેવલ થાપા (43)
3. રોશન ચૌધરી (40)
4. વિમલા ધામી (36)
5. મનીષ ધામી (40)
6. કાલુરામ ચૌધરી (55)
7. બાબી (38)
8. પ્રિન્સ (20)
9. છોટુ (22)
ભારે વરસાદને પગલે પર્વત પરથી પડેલા પથ્થર અને કાદવ-કિચડને કારણે સિલાઈ બંધ નજીક બે-ત્રણ સ્થળોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ અવરોધાયો છે. જેના અંગે NH બારકોટને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત, કુથનૌરમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે સ્થાનિક ગ્રામજનોની ખેતીની જમીનને પણ ભારે નુકસાન થયાના અહેવાલ છે. હાલમાં, કુથનૌરમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હોવાનું કહેવાય છે, કુથનૌરમાં કોઈ જાનહાનિ કે પશુઓનું નુકસાન થયું નથી. જ્યારે બરકોટ તાલુકાના સિલાઈ બંધ પાસે વાદળ ફાટવાથી ગુમ થયેલા કામદારોને શોધવા માટેની કામગીરી SDRFના જવાનો કરી રહ્યા છે.
શનિવાર રાતથી વરસાદ ચાલુ છે
જિલ્લા મુખ્યાલય સહિત તમામ તાલુકા વિસ્તારોમાં શનિવાર રાતથી વરસાદ ચાલુ છે. વરસાદને કારણે, યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાલિગઢ, કુથનૌર, ઝાજરગઢ અને ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે નેતાલા, બિશનપુર, લાલધાંગ અને નાલુનામાં અવરોધ સર્જાયો છે. જ્યારે, મસૂરીમાં રાત્રે 8 વાગ્યાથી સતત મુશળધાર વરસાદ ચાલુ છે.
અગાઉ, ગઈકાલે નુકસાન થયું હતું
અગાઉ, યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુથનૌર અને પાલી ગઢ વચ્ચે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તાર ફરી એકવાર સક્રિય થયો છે. આ વિસ્તારને “સિંકીંગ ઝોન” જાહેર કરવામાં આવ્યો હોવાથી, તેનુ કામ એક એજન્સીને સોંપવામાં આવ્યું હતું. જોકે તેનું કામ તાજેતરમાં પૂર્ણ થયું હતું, પરંતુ શનિવારે પડેલા હળવા વરસાદે બધી વ્યવસ્થા કથળી જવા પામી હતી અને એજન્સીએ કરેલ કામગીરી ધોવાઈ ગઈ હતી.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો