Breaking News : ચાંદીના નામે નકલી સિક્કા ! શું આ રેલ કર્મચારીઓનું સન્માન કે પછી અપમાન?
ભારતીય રેલવેમાં રિટાયરમેન્ટ લેવા પર તમને બુકે, પૈસા અને ચાંદીના સિક્કા પણ મળે છે. જો કે, જીવનના આવા મહત્વપૂર્ણ દિવસે જ રેલવેના નિવૃત્ત કર્મચારીઓને આઘાત લાગ્યો છે.

પશ્ચિમ મધ્ય રેલવે હેઠળ આવતા ભોપાલ રેલવે ડિવિઝનના નિવૃત્ત કર્મચારીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. સન્માનના પ્રતીક તરીકે રજૂ કરાયેલા ચાંદીના સિક્કામાં ગડબડી હોવાનું જાણવા મળ્યું છે. ટૂંકમાં નિવૃત્ત કર્મચારીઓને ચાંદીના સિક્કાને બદલે નકલી સિક્કા આપવામાં આવ્યા હતા.
લેબ પરીક્ષણમાં થયો ખુલાસો
નિવૃત્ત કર્મચારીઓને ચાંદીના નામે તાંબાના સિક્કા આપવામાં આવ્યા હતા, તેવું સામે આવ્યું છે. લેબ પરીક્ષણમાં જાણવા મળ્યું કે, આમાં માત્ર 0.23 ગ્રામ ચાંદી છે, જેના કારણે રેલવેમાં ચિંતાનો માહોલ છવાયો.
સન્માનના નામે છેતરપિંડી કરવામાં આવી
મીડિયા સાથે વાત કરતા એક રેલ કર્મચારીએ જણાવ્યું કે, સન્માનમાં આપવામાં આવેલા સિક્કાના નામે અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. સિક્કાઓમાં 99% ચાંદી ગાયબ છે. આ ચાંદીના સિક્કા રેલવે કર્મચારીઓને નિવૃત્તિ પર સન્માનના રૂપે આપવામાં આવે છે અને તેની કિંમત લગભગ 2,000 રૂપિયા જેટલી છે. રેલવેએ જાન્યુઆરી 2023 માં ઇન્દોરની એક કંપની પાસેથી આ સિક્કા ખરીદ્યા હતા.
એક સિક્કા ઉપર કેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી?
23 જાન્યુઆરી, 2023 ના રોજ, રેલવેએ મેસર્સ વાયેબલ ડાયમંડ્સને 3640 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ સિક્કા સપ્લાય કરવાનો ઓર્ડર આપ્યો હતો, જેમાંથી 3631 સિક્કા ભોપાલના જનરલ સ્ટોર્સ ડેપો (GSD) ખાતે પહોંચ્યા હતા.
તપાસમાં પ્રતિ સિક્કા ઉપર ₹2500 ની છેતરપિંડી કરવામાં આવી, તેનો ખુલાસો થયો છે. રેલવે વિજિલન્સે હવે બાજરિયા પોલીસને કંપની સામે કાર્યવાહી કરવા અપીલ કરી છે.
વધુમાં જોઈએ તો, પશ્ચિમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલવે વિજિલન્સ ટીમ આ મામલાની પણ તપાસ કરશે.
શું રેલવેએ સિક્કાઓની તપાસ કરાવી ન હતી?
એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક જ ફર્મથી ઘણા સ્થળોએ સિક્કા સપ્લાય કર્યા છે. આથી, સપ્લાય કંપનીએ બીજી જગ્યાએ પણ છેતરપિંડી કરી હોઈ શકે છે. આ ઘટના બાદ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે કે, શું રેલવેએ સિક્કાઓની તપાસ કરાવી ન હતી? ટેન્ડર બહાર પાડવામાં આવ્યા બાદ સિક્કા ડેપોમાં લાવવામાં આવ્યા હતા.
આ સિક્કા ઇન્દોર સ્થિત કંપની મેસર્સ વાયેબલ ડાયમંડ્સ પાસેથી ખરીદવામાં આવ્યા હતા. આ પહેલી વાર નથી જ્યારે રેલવેને નકલી ચાંદીના સિક્કા સપ્લાય કરવામાં ‘મેસર્સ વાયેબલ ડાયમંડ’નું નામ સામે આવ્યું હોય. સપ્ટેમ્બર 2025 માં, લખનૌમાં નોર્થન રેલવેના આલમબાગ જનરલ સ્ટોર ડેપોમાં પણ નકલી ચાંદીના સિક્કાની ફરિયાદ મળી હતી.
