Breaking News : ખામેની વિરુદ્ધ ‘અવાજ ઉઠાવવાની’ સજા ! 26 વર્ષીય ઇરફાન સોલ્તાનીને ચાર રસ્તે ફાંસી આપવી એ છેલ્લી ભૂલ કે પછી…?
ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે 26 વર્ષીય ઈરફાન સોલ્તાનીને ટૂંક સમયમાં ફાંસી આપવામાં આવશે. માનવ અધિકાર સંગઠનો (Human rights organizations) એ આ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વર્તમાન આંદોલનમાં આ પહેલી વાર છે, જ્યારે કોઈ પ્રદર્શનકારીને ફાંસી આપવામાં આવશે.

ઈરાનમાં છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન 500 થી વધુ લોકો માર્યા ગયા અને 10,000 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ દરમિયાન, ઈરાની સત્તાવાળાઓ દેશભરમાં ચાલી રહેલા ‘ખામેની વિરોધી વિરોધ પ્રદર્શન’ ને લગતા પહેલી ફાંસીની સજા આપવાની તૈયારી કરી રહ્યા છે. વિરોધ કરવા બદલ 26 વર્ષીય ઇરફાન સોલ્તાનીને ટૂંક સમયમાં ફાંસી આપવામાં આવી શકે છે.
કેમ ઇરફાનને ફાંસીની સજા આપવામાં આવશે?
ઇરફાન સોલ્તાની તેહરાન નજીક કરજના ફરદીસ વિસ્તારનો રહેવાસી છે. 8 જાન્યુઆરીએ આયાતુલ્લાહ અલી ખામેની વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. માનવ અધિકાર સંગઠનો અને મીડિયા અહેવાલો અનુસાર, તેની ફાંસી બુધવારે એટલે કે આજે 14 જાનુયારીના રોજ નક્કી કરવામાં આવી છે.
આંદોલનમાં પ્રથમવાર ફાંસીની સજા!
અત્યાર સુધી ઈરાનમાં અસંમતિને દબાવવા માટે ફાંસીની સજાનો ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં મૃત્યુ ગોળી મારીને આપવામાં આવી છે. ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ઇરફાન સોલ્તાનીને ફાંસી આપવામાં આવી હોવાના અહેવાલો બહાર આવ્યા છે, જે આ આંદોલનમાં પ્રથમ હશે. ઈઝરાયેલ અને અમેરિકાના ન્યૂઝ આઉટલેટ Jfeed મુજબ, સોલ્તાનીનો કેસ વધુ વિરોધને રોકવા માટેની શરૂઆત હોઈ શકે છે, જેથી ભવિષ્યમાં કોઈ પ્રદર્શન ન થાય.
સોલ્તાનીને કાનૂની અધિકારોથી દૂર રાખવામાં આવ્યો
નોર્વેમાં નોંધાયેલ કુર્દિશ માનવ અધિકાર સંગઠન હેંગાવે સમગ્ર કાનૂની પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ધરપકડ બાદથી જ સોલ્તાનીને કાનૂની અધિકારો આપવામાં આવ્યા ન હતા. તેને ન તો વકીલ સાથે મળવાની મંજૂરી આપવામાં આવી અને ન તો પોતાનો બચાવ રજૂ કરવાની કોઈ તક આપવામાં આવી. તેના પરિવારને પણ કેસ સંબંધિત મહત્વની જાણકારીઓથી દૂર રાખવામાં આવેલ છે. વધુમાં તેમને એ પણ જણાવવામાં આવ્યું નહીં કે, તેની ધરપકડ કઈ એજન્સી દ્વારા કરવામાં આવી છે.
સોલ્તાનીની સજા વિશે પરિવારને ક્યારે જાણ કરાઈ?
હેંગો સંગઠનને ટાંકીને Jfeed અહેવાલ આપે છે કે, સોલ્તાનીના પરિવારને 11 જાન્યુઆરીએ તેની મૃત્યુદંડની સજાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ફક્ત 10 મિનિટ માટે જ તેને મળવાની મંજૂરી આપવામાં આવી હતી. પરિવારના નજીકના એક સૂત્રએ હેંગોને જણાવ્યું હતું કે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સજા અંતિમ છે અને સમયપત્રક મુજબ અમલમાં મૂકવામાં આવશે.
સૂત્રએ એમ પણ કહ્યું કે, સોલ્તાનીની બહેન, જે એક વકીલ પણ છે, તેણે કાનૂની માધ્યમ દ્વારા કેસ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેને હજુ સુધી કેસ ફાઇલ જોવાની મંજૂરી આપવામાં આવી નથી, ન તો તેને તેમના ભાઈનું પ્રતિનિધિત્વ કરવાની કે સજાને પડકારવાની મંજૂરી આપવામાં આવી છે.
વિરોધ પ્રદર્શનની અસર
મારિયો નોફાલે એવો પણ દાવો કર્યો હતો કે, ખામેની વિરોધી વિરોધ પ્રદર્શનમાં લગભગ 2,000 લોકો માર્યા ગયા છે. ઈરાનના આર્થિક સંકટને કારણે 28 ડિસેમ્બરે વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. વિરોધ પ્રદર્શન તેહરાનના બજારમાં શરૂ થયા અને પછી ઝડપથી બીજા શહેરોમાં ફેલાઈ ગયા.
દુકાનદારો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બગડતી પરિસ્થિતિ તેમજ વધતી જતી મોંઘવારીને લઈને રાજકીય પરિવર્તનની માંગ કરી હતી. આ આંદોલન, જે પહેલા આર્થિક મુદ્દાઓ સુધી મર્યાદિત હતું, તે હવે છેલ્લા ઘણા વર્ષોમાં આયાતુલ્લાહ અલી ખામેનીની સરકારને ઉથલાવી પાડવા માટેનું સૌથી મોટું રાષ્ટ્રવ્યાપી (Nationwide) આંદોલન બની ગયું છે.
