Breaking News: અયોધ્યાના રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
હજુ એકવર્ષ પહેલા અને 500 વર્ષની તપશ્ચર્યા બાદ નિર્માણ પામેલા અયોધ્યાના સુપ્રસિદ્ધ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક અને જેના માટે 500 વર્ષ સુધી રાહ જોવાઈ એ અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ભરેલો ઈમેલ રામ મંદિર ટ્રસ્ટને મળ્યો છે. જેમા રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટ સહિત અનેક જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. ગયા સોમવારે રાત્રે રામ જન્મભૂમિ ટ્રસ્ટના મેઇલ પર ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. તેમાં લખ્યું હતું- મંદિરની સુરક્ષા વધારી લો. જે બાદ અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. હાલ સાયબર સેલ આ ઈમેલની તપાસ કરી રહ્યું છે.
ધમકીભર્યો મેઇલ મળ્યા બાદ, મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અયોધ્યાની સાથે, બારાબંકી અને ચંદૌલી સહિત અન્ય ઘણા જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને પણ ધમકીભર્યા મેઇલ મળ્યા છે. બારાબંકી અને ચંદૌલીના જિલ્લા મેજિસ્ટ્રેટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા મેઇલ મળ્યા છે. મળતી માહિતી અનુસાર, અયોધ્યા અને અન્ય જિલ્લાઓને ધમકીભર્યો મેઇલ તમિલનાડુથી આવ્યો હતો. સાયબર સેલ આ બધા ઇમેલ્સની તપાસ કરી રહ્યું છે.
બોમ્બની ધમકીથી ચંદૌલી કલેક્ટર કચેરીમાં ભયનો માહોલ
ચંદૌલી જિલ્લા મેજિસ્ટ્રેટના સત્તાવાર મેઇલ આઈડી પર ચંદૌલી કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. આ મેઇલ તમિલનાડુના રહેવાસી ગોપાલ સ્વામી નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરીને ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ મળ્યા બાદ, તમામ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક અસરથી સક્રિય થઈ ગઈ. તાત્કાલિક પ્રભાવથી પોલીસ દળ અને બોમ્બ સ્ક્વોડ ટીમને બોલાવવામાં આવી અને આખી ઇમારતની તપાસ કરવામાં આવી. પરંતુ રાહતની વાત એ હતી કે શોધખોળ દરમિયાન કોઈ વિસ્ફોટક કે અન્ય કોઈ શંકાસ્પદ સામગ્રી મળી ન હતી. ત્યારે કલેક્ટર કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો.
ચંદૌલી જિલ્લા મેજિસ્ટ્રેટનું નિવેદન આવ્યું
ચંદૌલી જિલ્લા મેજિસ્ટ્રેટ નિખિલ ટી. ફંડેના જણાવ્યા અનુસાર, આ મેઇલ ગોપાલ સ્વામી નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે તમિલનાડુમાં કોઈ સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને તેના કારણે ચંદૌલીની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. હાલમાં, કલેક્ટર કચેરીમાં સંપૂર્ણ શોધખોળ અને તપાસ બાદ, કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી નથી.
સવારે ઈમેલ દ્વારા મળી ધમકી
ચંદૌલી જિલ્લા મેજિસ્ટ્રેટ નિખિલ ટી. ફંડે જણાવ્યું હતું કે સવારે ઈમેલ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે આજે ચંદૌલી કલેક્ટર કચેરીમાં બોમ્બ વિસ્ફોટ થઈ શકે છે. આ પાછળ તેમણે તમિલનાડુ સાથે સંબંધિત કેટલાક કારણો આપ્યા. તે વ્યક્તિએ જે સરનામું આપ્યુ હતુ તે પણ તમિલનાડુનું હતું અને જે મુદ્દાઓ હતા તે પણ તમિલનાડુના રાજકીય મુદ્દા હતો. પરંતુ તેમ છતાં, સાવચેતીના ભાગરૂપે, અમે કેપ્ટન સાહેબની મદદથી સમગ્ર કલેક્ટર કચેરીની તપાસ કરાવી. બોમ્બ સ્ક્વોડની ટીમે પણ આવીને તપાસ કરી. તપાસ દરમિયાન કંઈ મળ્યું નહીં. મેઇલનુ લખાણ વાંચીને જ વાત હળવી લાગી હતી પરંતુ તેમ છતાં, અમે સાવધાની રાખી અને સમયસર તપાસ કરી અને કોઈપણ પ્રકારનું કંઈ મળ્યું નહીં.
અલીગઢ જિલ્લા મુખ્યાલયને પણ બોમ્બ થી ઉડાવવાની ધમકી
અલીગઢ જિલ્લા મુખ્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈમેલ દ્વારા આપવામાં આવેલી ધમકી બાદ પોલીસ પ્રશાસન સતર્ક થઈ ગયું છે. જિલ્લા મુખ્યાલય પર ભારે પોલીસ દળ તૈનાત કરવાની સાથે, ડોગ સ્ક્વોડ અને અન્ય સાધનોની મદદથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફોન પર પુષ્ટિ આપતાં, ડીએમએ કહ્યું કે આ સંદર્ભમાં એક મેઇલ આવ્યો છે જેની તપાસ કરવામાં આવી રહી છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો