Breaking News : PAN બાદ હવે મતદાર ઓળખકાર્ડ પણ આધારકાર્ડ સાથે લિંક થશે, ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય
આધારકાર્ડને મતદાર ઓળખકાર્ડ સાથે લિંક કરવા પાછળનું એક કારણ એ છે કે, બોગસ મતદાનને રોકવામાં મદદ કરી શકે છે. આ સિસ્ટમ લાગુ થયા પછી, એક વ્યક્તિ એકથી વધુ સ્થળોએ મતદાન કરવાની શક્યતા ખતમ થઈ જશે અને ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. તો બોગસ મતદારકાર્ડ ધરાવનારાઓની સંખ્યા ઉપર પણ નિયંત્રણ આવશે.

મતદાર ઓળખકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય, કાયદા મંત્રાલય અને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મંગળવારે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મતદાર ઓળખપત્રને આધારકાર્ડ સાથે લિંક કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે બંધારણની કલમ 326 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમો ટાંકવામાં આવી છે.
આધારકાર્ડ અને મતદાર ઓળખકાર્ડ (EPIC)ને લિંક કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આજે મંગળવારે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં દેશના ચૂંટણી પંચે આ બંનેને જોડવાની મંજૂરી આપી દીધી છે. આ સંદર્ભમાં, ચૂંટણી પંચે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, બંધારણની કલમ 326 અને લોક પ્રતિનિધિત્વ કાયદાની કલમ 23(4), 23(5) અને 23(6) મુજબ EPIC (મતદાર ઓળખકાર્ડ) ને આધારકાર્ડ સાથે લિંક કરવામાં આવશે. અગાઉ સરકારે પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાનો નિર્ણય લીધો હતો.
દેશભરમા યોજાતી સ્થાનિક સ્વરાજ્યથી લઈને વિધાનસભા-લોકસભાની ચૂંટણી અંગેના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.