Exit Poll Result 2023: રાહુલની આ ભૂલને ભાજપે પલટી અવસરમાં, મતદારોએ ભાજપને નહી, મોદીને આપ્યો મત !
Exit Poll Result 2023: દેશના 5 રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટેના એક્ઝિટ પોલ ગઈકાલ 30મી નવેમ્બરે જાહેર કરવામાં આવ્યા છે. એક્ઝિટ પોલે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રાહુલ ગાંધીએ સંસદ ગૃહમાં જે મુદ્દો ઉઠાવીને ભાજપને ઘેર્યું હતું. તે મુદ્દો કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલો મોંઘો સાબિત થયો.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તસીગઢ, તેલંગાણા અને મિઝોરમ એ પાંચ રાજ્યમાં ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઓબીસીના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો. આ મુદ્દો ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો. ગૃહમાં મહિલા અનામત બિલ પરની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, ભારત સરકારના 90 સચિવોમાંથી માત્ર 3 જ સચિવ અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી વર્ગના છે. ઓબીસી મહિલાઓને અનામતમાં અલગ અનામત મળવી જોઈએ.
કોંગ્રેસે ઉઠાવેલા મુદ્દા ઉપર ભાજપે વળતો પ્રહાર કર્યો હતો. ભાજપની આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે, કોંગ્રેસે તેના રાજ્યોમાં ઓબીસી કેટેગરીની સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ. પાંચ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોથી ઓબીસી કેટેગરીની તરફેણ કરવાના રાહુલ ગાંધીના દાવાની વાસ્તવિકતા સામે આવશે. પરંતુ એક્ઝિટ પોલના આંકડા દર્શાવે છે કે જે, મુદ્દા પર રાહુલ ગાંધીએ પીએમ મોદીને ઘેર્યા હતા તે મુદ્દે કોંગ્રેસને જોરદાર ફટકો પડ્યો છે. જાણો પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલમાં કેટલા ઓબીસી મતદારો ભાજપ અને કોંગ્રેસ સાથે ગયા.
ભાજપ કે કોંગ્રેસ, ઓબીસી મતદારોએ કોને પસંદ કર્યા?
રાજસ્થાનમાં હાથ ધરાયેલ એક્ઝિટ પોલ અનુસાર 46 % ઓબીસી મતદારોએ ભાજપ અને 36 % ઓબીસી મતદારોએ કોંગ્રેસને પસંદ કરી છે. રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ ઓબીસી વર્ગની તરફેણ કરીને કેન્દ્ર સરકાર ઓબીસી વિરોધી હોવાનું જણાવ્યું હતું. પરંતુ રાજસ્થાનમાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ઓબીસી મતદારોએ ભાજપ પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પોલસ્ટ્રેટ એક્ઝિટ પોલ અનુસાર રાજસ્થાનમાં માત્ર 36 ટકા ઓબીસી મતદારોએ કોંગ્રેસને મત આપ્યો છે. ભાજપને અહીં મોટો ફાયદો થયો છે. 46 ટકા ઓબીસી મતદારોએ ભાજપને મત આપ્યો. જ્યારે, 18 ટકા ઓબીસી મતદારોએ અન્ય પક્ષોને મત આપ્યો હોવાનું પોલમાં દર્શાવવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે રાજસ્થાનમાં ઓબીસી મતદારો ભાજપ સાથે છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે.
છત્તીસગઢઃ મોટાભાગના ઓબીસી મતદારો ભાજપના પક્ષમા
કોંગ્રેસ શાસિત રાજ્ય છત્તીસગઢમાં પણ ઓબીસી મતદારોએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. એક્ઝિટ પોલ અનુસાર છત્તીસગઢમાં પણ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો વચ્ચે મતમાં 5 ટકાનો તફાવત છે. છત્તીસગઢમાં 43 ટકા ઓબીસી મતદારોએ કોંગ્રેસને મત આપ્યો. જ્યારે, 48 ટકા ઓબીસી મતદારોએ 5 ટકાની લીડ સાથે ભાજપને મત આપ્યો હતો. 9 ટકા ઓબીસી મતદારોએ અન્ય પક્ષોને મત આપ્યો હતો.
મધ્યપ્રદેશઃ અહીં વિકટ પરિસ્થિતિ છે
પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલ કહે છે કે ઓબીસી મતદારોના મતદાનની સરખામણી કરીએ તો મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે ટક્કર રહ્યી છે. અહીં 45 ટકા ઓબીસી મતદારોએ કોંગ્રેસને મત આપ્યો. 44 ટકા ઓબીસી મતદારોએ ભાજપને અને 9 ટકા અન્ય પક્ષોને મત આપ્યો.
આ રીતે, એક્ઝિટ પોલમાં, પાંચ પૈકી ત્રણ મોટા રાજ્યોમાંથી રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સાથે સૌથી વધુ ઓબીસી મતદારો રહ્યાં હોવાનુ સામે આવી રહ્યું છે. ઓબીસી મતદારોને આકર્ષવામાં કોંગ્રેસ બીજા સ્થાને રહી હતી. અલગ-અલગ પ્રસંગે રાહુલ ગાંધીએ ઘણી વખત ઓબીસી કેટેગરીની હિમાયત કરી હતી, પરંતુ બંને રાજ્યોમાં ઓબીસી મતદારો ભાજપની પડખે ગયા હતા. અલબત્ત, મધ્યપ્રદેશમાં ઓબીસી મતદારો આકર્ષવામાં કોંગ્રેસ 1 ટકાથી આગળ હતી, પરંતુ તેને બહુ મોટું માર્જિન ગણી શકાય નહીં.