પ્રમોદ સાવંત બનશે ગોવાના મુખ્યપ્રધાન, બીજેપી વિધાનસભા પક્ષની બેઠકમાં કરાઈ જાહેરાત
Goa CM Pramod Sawant: ગોવામાં ફરી એકવાર પ્રમોદ સાવંત મુખ્યપ્રધાન પદ સંભાળશે. બીજેપીએ ફરી એકવાર ગોવાના સીએમ તરીકે તેમના નામની જાહેરાત કરી છે.
ભાજપે (BJP) ગોવામાં (Goa) મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ ફરી એકવાર પ્રમોદ સાવંત (Pramod Sawant) પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગોવા રાજ્યમાં આજે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી હતી, આ બેઠકમાં પ્રમોદ સાવંતના નામને સર્વાનુંતે મંજૂર કરવામાં આવ્યુ છે. હવે તેઓ બીજી વખત ગોવા રાજ્યમાં ભાજપ સરકારનું નેતૃત્વ કરશે. સોમવારના રોજ યોજાયેલી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્ર સિંહ તોમર અને એલ મુરુગનની હાજરીમાં સાવંતને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. મનોહર પર્રિકરના મૃત્યુ પછી 2019માં સાવંતે ગોવાની સત્તા સંભાળી હતી.
ગોવામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે 20 બેઠકો જીતી લીધી છે. કુલ 40 સભ્યસંખ્યા ધરાવતી ગોવા વિધાનસભામાં બહુમતી મેળવવામાં ભાજપને માત્ર એક જ ધારાસભ્યની જરૂર છે. પરંતુ એમજીપીના બે ધારાસભ્યો અને અપક્ષોએ સરકારની રચના માટે સમર્થન જાહેર કર્યું હતું. આ રીતે દેશના સૌથી નાના રાજ્યમાં સરકાર બનાવવા માટે ભાજપનો રસ્તો સંપૂર્ણ રીતે સાફ થઈ ગયો છે.
ગોવા રાજ્યમાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બની રહી છે. આવી સ્થિતિમાં પક્ષ પાસેથી લોકોની અપેક્ષાઓ પણ ઘણી વધારે છે. 2017ની ચૂંટણીમાં, કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, પરંતુ ભાજપે તેમની સરકાર બનાવવા માટે પ્રાદેશિક પક્ષો અને અપક્ષ ધારાસભ્યોને પોતાના તરફ આકર્ષવામાં સફળ રહ્યા હતા. અને ગોવામાં ભાજપે અન્યોના સહકારથી સરકાર રચી હતી.
હવે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરાશે
હવે ગોવાના આગામી મુખ્યપ્રધાનની પસંદગી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં નવી સરકાર બનાવવાનો દાવો કરવા માટે બીજેપી નેતાઓ અને ધારાસભ્યો રાજભવન ખાતે રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને મળવા જઈ રહ્યા છે. પહેલાથી જ એવી અપેક્ષા હતી કે બીજેપી વિધાનસભા પક્ષની બેઠક બાદ સાવંતના નામ પર મહોર લાગી શકે છે. પરંતુ એવા અહેવાલો હતા કે કેટલાક ધારાસભ્યો સાવંતને મુખ્યપ્રધાન બનાવવાના પક્ષમાં ન હતા. જો કે હવે આ તમામ બાબતોનો અંત આવી ગયો છે અને પ્રમોદ સાવંત ફરી એકવાર ગોવાની કમાન પોતાના હાથમાં લેવા જઈ રહ્યા છે. તેમણે ગોવામાં યોજાયેલી ચૂંટણીમાં પાર્ટીને જીત અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચોઃ
પંજાબમાં પ્રધાનોને કરાઈ ખાતાઓની ફાળવણી, ભગવંત માને પોતાની પાસે રાખ્યુ ગૃહ, જાણો કોને કયુ ખાતુ ફાળવ્યું
આ પણ વાંચોઃ