Breaking News: 26 વર્ષમાં પહેલી વાર! આ વખતે રવિવારે રજૂ થશે ‘Budget 2026’, ‘નિર્મલા સીતારમણ’ મોરારજી દેસાઈના રેકોર્ડથી માત્ર એક ડગલું દૂર
26 વર્ષમાં પહેલી વાર આ વખતનું સામાન્ય બજેટ રવિવારે રજૂ થવાનું છે. બીજું કે, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ મોરારજી દેસાઈના રેકોર્ડથી માત્ર એક પગલું દૂર છે અને આ બજેટ સાથે તે ઇતિહાસ રચવાની નજીક પહોંચી શકે છે.

આ વર્ષે સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થવાની ધારણા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત નવમી વખત બજેટ રજૂ કરશે. મળતી માહિતી મુજબ, આ વખતે બજેટ 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ રજૂ કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બેઠકને સંબોધશે
સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા સંભવિત કાર્યક્રમનો ઉલ્લેખ કરતા અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 28 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે.
શું છે આખું શેડ્યૂલ?
નવા વર્ષના પ્રથમ સત્રના પહેલા દિવસે પરંપરાગત રીતે રાષ્ટ્રપતિનું ભાષણ હોય છે. જો કે, બીટિંગ રિટ્રીટ સમારોહને કારણે 29 જાન્યુઆરીએ બંને ગૃહોની બેઠક નહીં મળે. 30 જાન્યુઆરીએ સંસદ ફરી મળશે, જ્યારે આર્થિક સર્વે રજૂ થવાની ધારણા છે. આ પછી, લોકસભા અને રાજ્યસભા 31 જાન્યુઆરીએ મળશે નહીં. કેન્દ્રીય બજેટ રવિવાર, 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.
રાષ્ટ્રપતિના અભિભાષણ અને કેન્દ્રીય બજેટ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા બાદ 13 ફેબ્રુઆરીએ સંસદ લગભગ એક મહિનાના વિરામ માટે સ્થગિત કરવામાં આવશે. સંસદ 09 માર્ચે ફરી શરૂ થશે અને સેશન ગુરુવાર, 02 એપ્રિલે સમાપ્ત થશે.
26 વર્ષ પછી આવું થશે
અધિકારીઓએ જણાવ્યું કે, સામાન્ય રીતે સંસદનું સત્ર શુક્રવારે સ્થગિત થાય છે પરંતુ 3 એપ્રિલે ગુડ ફ્રાઇ-ડે અને ત્યારબાદના વિકેન્ડને ધ્યાનમાં રાખીને સત્ર 2 એપ્રિલે પૂર્ણ થઈ શકે છે. બીજીબાજુ, અગાઉ ફક્ત વર્ષ 1999 માં રવિવારના રોજ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જો કે, હવે 26 વર્ષ પછી 2026 માં પણ આવું થવા જઈ રહ્યું છે.
આ વખતનું બજેટ કોના માટે ખાસ?
નોંધનીય છે કે, વર્ષ 2016 સુધી બજેટ 28 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતું હતું પરંતુ વર્ષ 2017 માં મોદી સરકારે આ તારીખ બદલીને 1 ફેબ્રુઆરી કરી.
આ ફેરફાર પાછળનો હેતુ બજેટ જોગવાઈઓના અમલીકરણને ઝડપી બનાવવાનો અને નવા નાણાકીય વર્ષ (1 એપ્રિલ) ની શરૂઆત પહેલા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવાનો છે.
આ વખતનું બજેટ ખાસ કરીને અર્થવ્યવસ્થાની ગતિ જાળવી રાખવા અને સાથે સાથે મિડલ ક્લાસને કેટલીક રાહત મળવાની પણ આશા છે.
‘નિર્મલા સીતારમણ’ વધુ એક રેકોર્ડની નજીક
ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ હવે ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના રેકોર્ડની નજીક આવી રહ્યા છે. દેસાઈએ 10 વખત બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન, નિર્મલા સીતારમણ આ વર્ષે નવમી વખત બજેટ રજૂ કરશે. આ સાથે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણાંમંત્રી બન્યા છે.
