વારિસ પંજાબ દેના મુખ્ય કટ્ટરપંથી ઉપદેશક અને ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડના સમાચાર વચ્ચે પંજાબ પોલીસનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. પંજાબ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વારિસ પંજાબ વિરુદ્ધ રાજ્યમાં એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જે દરમિયાન આ સંગઠનના 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અમૃતપાલને ભાગેડુ જાહેર કર્યો છે.
આ નિવેદનમાં પંજાબ પોલીસે એમ પણ કહ્યું છે કે આ સંગઠનનો વડા અમૃતપાલ સિંહ ફરાર છે અને તેને પકડવા માટે ઓપરેશન ચાલુ છે. આ દરમિયાન પોલીસે જણાવ્યું કે અમૃતપાલના મળતીયાઓ પાસેથી આઠ રાઈફલ, એક રિવોલ્વર અને કેટલાક અન્ય ધારદાર હથિયારો મળી આવ્યા છે. પોલીસે નિવેદનમાં જણાવ્યું છે કે અમૃતપાલની સાથે તેના સાથી લવપ્રીત તુફાન અને રણજીત સિંહ પણ ફરાર છે.
પોલીસે તેના નિવેદનમાં ખુલાસો કર્યો છે કે વારિસ પંજાબ દે સંગઠન સાથે સંકળાયેલા લોકો સામે 4 ફોજદારી કેસ છે. જેમાં પંજાબના સૌહાર્દને ખલેલ પહોંચાડવા, હત્યાનો પ્રયાસ, પોલીસ પર હુમલો અને સરકારી કામમાં અવરોધ જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પંજાબ પોલીસે માહિતી આપી છે કે 24 ફેબ્રુઆરી, 2023ના રોજ અમૃતપાલ સિંહના સંગઠન પંજાબના વારસદાર અજનાલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે, આ કેસમાં પોલીસ અમૃતપાલની ધરપકડ કરવા માટે શોધી રહી છે.
Punjab | ‘Waris Punjab De’ chief Amritpal Singh declared a fugitive. His two cars seized & gunmen nabbed, legality of their weapons being checked. Case registered. Punjab police personnel on the job to arrest Amritpal Singh soon. 78 people arrested so far, checking going on.… https://t.co/nctwycyzqJ pic.twitter.com/WlTOvIosus
— ANI (@ANI) March 18, 2023
આ દરમિયાન પંજાબ પોલીસે ચેતવણી ઉચ્ચારી છે કે કોઈને પણ વ્યક્તિને પંજાબમાં કાયદો અને વ્યવસ્થાને બગાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આવું કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે શનિવારે મોડી સાંજે સ્વીકાર્યું હતું કે તમામ વ્યવસ્થા હોવા છતાં અજનાલા કેસનો મુખ્ય આરોપી અમૃતપાલસિંહ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અને તેને પકડવા માટે પોલીસે શરૂ કરેલી કામગીરી નિષ્ફળ રહી હતી. અમૃતપાલ સિંહની સાથે તેના બે સાથી લવપ્રીત તુફાન અને રણજીત સિંહ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે આ તમામને પકડવા માટે જલંધર અને આસપાસના વિસ્તારોમાં ઘણા પોલીસકર્મીઓને તહેનાત કર્યા હતા, તેમ છતાં તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા.