અમિત શાહે CISFની 54મી રાઈઝિંગ ડે પરેડમાં હાજરી આપી, કહ્યુ- રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તીઓ સામે કરવામાં આવશે કડક કાર્યવાહી
અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની આતંકવાદને સહન નહીં કરવાની નીતિ આગામી સમયમાં પણ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે દેશના કોઈપણ ભાગમાં અલગાવવાદ, આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ સામે કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 54મી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) રાઈઝિંગ ડે પરેડના પ્રસંગે નિસા ખાતે બેફલ રેન્જ ‘અર્જુન’નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પરેડને સંબોધતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની આતંકવાદને સહન નહીં કરવાની નીતિ આગામી સમયમાં પણ ચાલુ રહેશે. CISFની પરેડમાં અમિત શાહે કહ્યું કે દેશના કોઈપણ ભાગમાં અલગાવવાદ, આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ સામે કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે.
અમિત શાહે કહ્યું કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારે છેલ્લા 9 વર્ષમાં આંતરિક સુરક્ષાના પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં હિંસા નોંધપાત્ર રીતે ઘટી છે, જ્યારે પૂર્વોત્તર અને ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં આતંકવાદમાં પણ ઘટાડો થયો છે અને લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોની સંખ્યા ઘટી રહી છે અને ઘણા લોકો શસ્ત્રો છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે.
Addressing our valiant CISF personnel on their 54th Raising Day Parade. India is proud of their accomplishments in protecting the country. https://t.co/bno8sKsJAY
— Amit Shah (@AmitShah) March 12, 2023
પ્રથમ વખત દિલ્હી-એનસીઆરની બહાર સ્થાપના દિવસ ઉજવાયો
CISF પ્રથમ વખત દિલ્હી-NCRની બહાર તેનો વાર્ષિક સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. હકીમપેટ ખાતે CISF રાષ્ટ્રીય ઔદ્યોગિક સુરક્ષા એકેડમીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ફાઉન્ડેશન ડે પરેડ દરમિયાન જવાનોએ મોકડ્રીલ પણ કરી હતી.
CISF ની સ્થાપના ક્યારે થઈ?
CISF ની સ્થાપના 10 માર્ચ, 1969 ના રોજ ભારતીય સંસદના કાયદા હેઠળ કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે 10 માર્ચે CISF રાઇઝિંગ ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે હૈદરાબાદમાં CISFનો વાર્ષિક રાઈઝિંગ ડે સમારોહ યોજાયો હતો. આ પહેલા શનિવારે અમિત શાહે કહ્યું હતું કે CISF ભારતની આંતરિક સુરક્ષાના સ્તંભોમાંથી એક છે.
ગયા વર્ષે ગાઝિયાબાદમાં યોજાયો હતો સમારોહ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પહેલીવાર છે જ્યારે CISF રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીની બહાર ‘રાઇઝિંગ ડે’ ફંક્શનનું આયોજન કરી રહ્યું છે. અગાઉ દર વર્ષે તે ગાઝિયાબાદમાં સીઆઈએસએફ મેદાનમાં યોજાયો હતો. ગયા વર્ષે, અમિત શાહે ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ ખાતે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સના 53માં રાઈઝિંગ ડેની ઉજવણીમાં હાજરી આપી હતી.