અમરનાથ યાત્રા શરૂ થયાના થોડા સમય બાદ રોકી દેવાઈ, ખરાબ હવામાનને કારણે લેવાયો નિર્ણય
8 જુલાઈની સાંજે અમરનાથ ગુફા (Amarnath Yatra 2022) પાસે વાદળ ફાટવાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં 16 શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે 100થી વધુ ઘાયલ થયા હતા.
વાદળ ફાટવાની દુર્ઘટના બાદ સોમવારથી શરૂ થયેલી અમરનાથ યાત્રા (Amarnath Yatra 2022) ફરી રોકી દેવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે સ્થાનિક પ્રશાસને આ નિર્ણય લીધો છે. પ્રશાસને કહ્યું કે પંજતરણી બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓ(Devotees)નો સમૂહ આજે અમરનાથ ગુફા માટે રવાના થઈ શક્યો નથી. કારણ કે પંજતરણી અને પવિત્ર ગુફા પાસે ભારે વરસાદ પડી રહ્યો હતો. આપને જણાવી દઈએ કે 8 જુલાઈની સાંજે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં 16 શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે 100થી વધુ ઘાયલ થયા હતા.
હજુ પણ 40 યાત્રાળુઓ ગુમ છે, તેમને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જમ્મુના ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ 11મી જુલાઈના રોજ અથવા તે પહેલા નોંધાયેલા તમામ મુસાફરોને ભગવતી નગર બેઝ કેમ્પ પર જવા કહ્યું હતું. અત્યાર સુધી 84 યાત્રાળુઓ સુરક્ષિત હોવાનું કહેવાય છે, કારણ કે તેઓ તેમના સંબંધીઓ અને અધિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. રવિવારે બપોરે રાજ્ય સરકારે કહ્યું કે અમરનાથ દુર્ઘટનામાં રાજમહેન્દ્રવરમની માત્ર બે મહિલાઓનો પત્તો લાગ્યો નથી.
બચાવ કામગીરી સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે “આંધ્રપ્રદેશની બે મહિલાઓના પતિ શ્રીનગર પરત ફર્યા છે. પરંતુ હજુ પણ મહિલાઓ ગુમ છે. તેઓ ઈજાગ્રસ્ત થયા હશે અથવા અન્ય કોઈ સ્થળે પહોંચી ગયા હશે. અમે તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છીએ.
એલજી મનોજ સિંહાએ નિરીક્ષણ કર્યું
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રવિવારે પહેલગામના નુનવાન બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી અને 8 જુલાઈના રોજ વાદળ ફાટવાને કારણે વિક્ષેપ પડેલી અમરનાથ યાત્રાને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોની સમીક્ષા કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે ઉપરાજ્યપાલ પાસેથી અમરનાથ ગુફામાં વાદળ ફાટવાથી અચાનક આવેલા પૂર અંગે માહિતી લીધી હતી.
તેમણે ટ્વીટ કર્યું કે NDRF, SDRF, BSF અને સ્થાનિક પ્રશાસન બચાવ કાર્યમાં લાગેલા છે. લોકોનો જીવ બચાવવો એ અમારી પ્રાથમિકતા છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે તમામ શ્રદ્ધાળુઓને સંયમ રાખવા જણાવ્યું છે. બોર્ડે કહ્યું છે કે જ્યાં પણ યાત્રીઓ હોય, તેઓ સુરક્ષિત જગ્યાએ રોકાઈ જાય.
સેનાની છ રેસ્ક્યુ ટીમ બચાવ કાર્યમાં લાગી
વાદળ ફાટવાની ઘટના બાદ સેનાની 6 રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે કામે લાગી છે. સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે 48 ઘાયલોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. બે વધારાની મેડિકલ ટીમો રવાના કરવામાં આવી છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે ડોગ સ્કવોડ તૈનાત કરવામાં આવી છે. ઘાયલોને ભારતીય વાયુસેનાની મદદથી એરલિફ્ટ કરવામાં આવ્યા છે. ગુમ થયેલા લોકોની સંખ્યા નોંધપાત્ર છે. યાત્રાનો માર્ગ પણ ઘણી જગ્યાએ ધોવાઈ ગયો છે. આવી સ્થિતિમાં અલગ-અલગ બચાવ ટુકડીઓ ફસાયેલા મુસાફરોને સુરક્ષિત સ્થળોએ ખસેડી રહી છે.
અમરનાથ યાત્રા બે રૂટથી શરૂ થઈ હતી
જણાવી દઈએ કે અમરનાથ યાત્રા 30 જૂને શરૂ થઈ હતી. જે અંતર્ગત આ 43 દિવસીય વાર્ષિક તીર્થયાત્રા માટે બે રૂટ પરથી લોકોની મુસાફરી શરૂ કરવામાં આવી હતી. જેમાં એક દક્ષિણ કાશ્મીરના અનંતનાગના પહલગામના નુનવાનથી 48 કિમીનો પરંપરાગત માર્ગ અને બીજો મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં 14 કિમી નાનો બાલટાલ માર્ગ છે. અત્યાર સુધીમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ ગુફા મંદિરમાં પૂજા કરી ચૂક્યા છે. આ યાત્રા 11 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના અવસર પર સમાપ્ત થવાની છે.
આંધ્રપ્રદેશના સૌથી વધુ 37 યાત્રાળુઓ ગુમ થયા
જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફા પાસે રવિવારે સાંજે વાદળ ફાટવાની દુર્ઘટનામાં આંધ્રપ્રદેશના ગુમ થયેલા શ્રદ્ધાળુઓની સંખ્યા વધીને 37 થઈ ગઈ છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 84 શ્રદ્ધાળુઓને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે. રવિવારે બપોરે રાજ્ય સરકારે કહ્યું હતું કે અમરનાથ દુર્ઘટનામાં રાજામહેન્દ્રવરમની માત્ર બે મહિલાઓનો પત્તો લાગ્યો નથી.
બચાવ કામગીરી સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પાછળથી અમને ઘણા લોકોના ફોન આવ્યા કે પવિત્ર ગુફા મંદિરની નજીક વાદળ ફાટવા અને અચાનક પૂર આવ્યા બાદ તેઓ તેમના સંબંધીઓ સાથે કોઈ સંપર્ક કરી શક્યા નથી. માહિતી અનુસાર રાજામહેન્દ્રવરમની બે મહિલાઓ ઉપરાંત નેલ્લોરના બે જૂથોમાં લગભગ 29 સભ્યો, એલુરુના બે વ્યક્તિ, રાજામહેન્દ્રવરમના એક પરિવારના ત્રણ અને તનુકુ નજીકના અંદ્રાજાવરમના એક પરિવારના લોકો ગુમ થયાના અહેવાલ છે.