Tech News: સરકાર અને કોર્ટ તરફથી ટ્વિટર પર કન્ટેન્ટ હટાવવા માટે વધ્યુ દબાણ
લોકસભામાં ડેટા જાહેર કરતી વખતે પૂર્વ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી સંજય ધોત્રેએ કહ્યું કે સરકારે 2020માં ટ્વિટર(Twitter) પરની 9849 લિંક્સ દૂર કરવાનો આદેશ આપ્યો છે.
ગ્લોબલ ટ્રાન્સપરન્સી રિપોર્ટ (Global Transparency Report)અનુસાર, 2014 અને 2020 ની વચ્ચે ટ્વિટર પર કન્ટેન્ટ હટાવવાને લઈને અલગ-અલગ અદાલતો અને ભારત સરકારની માગમાં 48 હજાર ટકાનો વધારો થયો છે. રિપોર્ટ વિશે વાત કરીએ તો, આ સમયમર્યાદાની વચ્ચે, ટ્વિટર(Twitter)ને એકલા ભારત સરકાર તરફથી કન્ટેન્ટ દૂર કરવા માટે 2000% વધુ માગ મળી છે. સંસદમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, તે સ્પષ્ટ છે કે ભારતમાં ઓનલાઈન સેન્સરશીપનું ચલણ વધ્યું છે.
લોકસભામાં ડેટા જાહેર કરતી વખતે પૂર્વ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી સંજય ધોત્રેએ કહ્યું કે સરકારે 2020માં ટ્વિટર પરની 9849 લિંક્સ દૂર કરવાનો આદેશ આપ્યો છે. સરકારે IT એક્ટ 2020ની કલમ 69A હેઠળ આ આદેશ આપ્યો છે. પાછલા વર્ષોની વાત કરીએ તો 2014માં સરકાર દ્વારા આવા 471 ઓર્ડર જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં 2020માં 1991 ટકાનો વધારો થયો છે. એકલા 2020 માં, સરકાર દ્વારા ટ્વિટર પર 9849 લિંક્સ દૂર કરવાના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા.
વિવિધ અદાલતોના આદેશો
ટ્વિટર પરથી કન્ટેન્ટ હટાવવા અંગે માત્ર ભારત સરકાર દ્વારા જ નહીં પરંતુ કોર્ટ દ્વારા પણ આદેશ જાહેર કરવામાં આવ્યા છે. ગ્લોબલ ટ્રાન્સપરન્સી રિપોર્ટ અનુસાર, 2014 અને 2020 વચ્ચે વિવિધ કોર્ટ અને સરકારો તરફથી કુલ 12,373 કન્ટેન્ટ દૂર કરવાના ઓર્ડર મળ્યા છે. તેમાંથી 9000 ઓર્ડર ફક્ત 2020માં જ જાહેર કરવામાં આવ્યા છે.
ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે કન્ટેન્ટ હટાવવાને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. ટ્વિટરે કન્ટેન્ટ દૂર કરવાના ભારત સરકારના આદેશ પર કાનૂની સલાહ માટે કર્ણાટક હાઈકોર્ટનો પણ સંપર્ક કર્યો છે.
ટ્વિટરનું શું કહેવું છે?
કન્ટેન્ટને હટાવવા અંગે કંપનીનો દાવો છે કે સરકારે આપેલા આદેશો પાછળ કોઈ યોગ્ય કારણ આપ્યું નથી. આ કારણો IT એક્ટની કલમ 69(a) હેઠળ આવરી લેવામાં આવતાં નથી. ટ્વિટરે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં માંગણી કરી છે કે કોર્ટે કન્ટેન્ટને બ્લોક કરવાના આદેશોને અલગ રાખવા જોઈએ કારણ કે આ કાયદેસર નથી. ટ્વિટરે પણ કન્ટેન્ટ હટાવવાના કેટલાક આદેશોને ગેરબંધારણીય ગણાવ્યા છે. કન્ટેન્ટ હટાવવાને લઈને સરકાર અને માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર વચ્ચે ઘણી ખેંચતાણ ચાલી રહી છે.