14 વર્ષની કિશોરીની અપીલ બાદ, થલાપતિ વિજયે, હટાવી દીધુ CM ખુરશી પરનુ VIP કલ્ચર
તમિલનાડુના મુખ્ય પ્રધાન થલાપતિ વિજયે ફરી એકવાર એક એવું પગલું ભર્યું છે જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. 14 વર્ષની આબોહવા કાર્યકર્તા લિસિપ્રિયા કાંગુજમની અપીલ બાદ, વિજયે પોતાની ખુરશી પરથી સફેદ ટુવાલ હટાવ્યો છે, જેનાથી સાદગીનો સંદેશ મળ્યો છે.

અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજય તમિલનાડુના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા ત્યારથી જ હેડલાઇન્સમાં સતત ચમકી રહ્યાં છે. તેમણે ફરી એકવાર એવું કામ કર્યું છે જેના માટે લોકો તેમની સોશિયલ મીડિયા પર મુક્તમને પ્રશંસા કરી રહ્યા છે. ખાસ કરીને, વિજયે તેમની CM તરીકેની VIP ખુરશીની પાછળથી સફેદ ટુવાલ હટાવી લીધો છે. આજે દેશના અનેક રાજ્યોમાં સરકારી કચેરીઓમાં, VIP માટે નિયુક્ત ખુરશીઓમાં સફેદ ટુવાલ લગાવવો એ એક સામાન્ય પ્રથા છે. આ સફેદ ટુવાલ પહેલા વિજયની મુખ્યપ્રધાનની ખુરશી ઉપર પણ હતો; જો કે, તેમણે એક કિશોરીની અપીલને પગલે શાંતિથી તેને હટાવી દીધો છે. તેમણે 14 વર્ષની છોકરી દ્વારા કરવામાં આવેલી અપીલના જવાબમાં આ પગલું ભર્યું છે.
14 વર્ષની કિશોરીએ કરી હતી ખાસ અપીલ
અત્રે ઉલ્લેખનીય છે કે, 14 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ લિસિપ્રિયા કાંગુજમે, મુખ્ય પ્રધાન થલાપતિ વિજયને ખાસ અપીલ કરી હતી. કાંગુજમે સોશિયલ મીડિયા ‘X’ (પહેલા ટ્વિટર તરીકે ઓળખાતુ) પર વિજયને ટેગ કરીને એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં, તેણીએ લખ્યું: “નમસ્તે @TVKVijayHQ સર, શું આપણે ભારતમાં આ ‘ટુવાલ સંસ્કૃતિ’ – VIP ખુરશીઓ પર ટુવાલ મૂકવાની પ્રથા નો અંત ના લાવી શકીએ? લોકો પહેલાથી જ જાણે છે કે ભારતમાં મુખ્ય પ્રધાનો (CM) VIP છે. આ ‘ટુવાલ સંસ્કૃતિ’નું પાલન, સરકારના પ્રધાનો, અમલદારો અને જુનિયર અધિકારીઓ પણ કરી રહ્યા છે. સાહેબ, તમે એક મોટી પ્રેરણા છો. તમે જ આ પરિવર્તનનો આરંભ કરી શકો છો.”
Hello @TVKVijayHQ Sir, Can we end this towel culture on VIP chairs in India ? People already know that CMs are VIPs in India. This towel culture is being followed by ministers, bureaucrats, and even small officers. You’r a great inspiration, Sir. You can start this change. ❤️ pic.twitter.com/CB5dS8vHfr
— Licypriya Kangujam (@LicypriyaK) May 14, 2026
CM વિજયે કાર્યવાહી કરી
કાંગુજમની અપીલના 24 કલાકની અંદર, થલાપતિ વિજયે કાર્યવાહી કરી અને કોઈપણ સત્તાવાર જાહેરાત કે ધામધૂમ વિના શાંતિથી તેમની ખુરશી પરથી સફેદ ટુવાલને દૂર કરી દીધો. ક્લાઈમેટ એક્ટિવિસ્ટ લિસિપ્રિયા કાંગુજમે, વિજયનો આમ કરવા બદલ આભાર માન્યો. ત્યારબાદ તેણીએ બીજું એક ટ્વીટ પણ કર્યું, જેમાં લખ્યું: “આભાર, વિજય સાહેબ.” તમારા દ્વારા લેવાયેલું આ પગલું સાબિત કરે છે કે, તમે સામાન્ય લોકોનો અવાજ સાંભળી રહ્યા છો. પરિવર્તન આવી રહ્યું છે, ભલે આપણને ગમે કે ના ગમે.
Thanks, @TVKVijayHQ Sir. Your action proves that you are listening to the voices of common people. Change is coming, whether we like it or not. Before After pic.twitter.com/8Ep5etc03d
— Licypriya Kangujam (@LicypriyaK) May 15, 2026
સોશિયલ મીડિયા યુઝર્સે કરી પ્રશંસા
મુખ્ય પ્રધાન વિજયના આ પગલાને હવે તમિલનાડુના રાજકારણમાં કાર્ય કરવાની નવી શૈલીના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર, ઘણા લોકોએ તેને “VIP સંસ્કૃતિ” થી દૂર રહેવા તરફના સકારાત્મક પગલા તરીકે વખાણ્યું છે. દરમિયાન, કેટલાક વપરાશકર્તાઓ માને છે કે આવા ફેરફારો વહીવટી વર્તનમાં સરળતા અને જવાબદારીને પણ પ્રોત્સાહન આપી શકે છે. જોકે સરકાર દ્વારા આ પરિવર્તન અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, આ મુદ્દો હવે રાજકીય અને સામાજિક બંને ચર્ચાનો વિષય બની ગયો છે.