એ રાત્રે બનેલા અકસ્માત બાબતે આરોપીઓએ ખોલ્યું મ્હો, અકસ્માત બાદ છોકરી કારમાં કેવી રીતે ફસાઈ અને કેમ ઢસડવામાં આવી ?
કાંઝાવાલા કેસમાં પોલીસે સવારે 5 વાગ્યે કેસ નોંધ્યો હતો. જ્યારે અકસ્માતનો સમય 1 જાન્યુઆરીની મધ્યરાત્રીના 2 વાગ્યાનો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનાનો સમયગાળો સવારે 2 થી 4 વાગ્યાનો હશે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને અકસ્માતગ્રસ્ત સ્કૂટી અને જૂતું મળી આવ્યું હતું.
રાજધાની દિલ્લીના કાંઝાવાલા વિસ્તારમાં બે દિવસ પૂર્વે રાત્રે થયેલા અકસ્માતમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. આરોપીઓ સામે નોંધાયેલી FIRમાં બે આરોપી દીપક અને અમિતે આશુતોષને કહ્યું હતું કે અમે બંનેએ દારૂ પીધો હતો. હાલ પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. હકીકતમાં, પોલીસની પૂછપરછમાં આશુતોષે જણાવ્યું કે તેનો મિત્ર દીપક ખન્ના, અમિત ખન્ના 31.12.2022ના રોજ લગભગ 7 વાગે આ કાર લઈ ગયો હતો. જે ગત 1લીના રોજ સવારે 5 કલાકે અકસ્માત સર્જેલી હાલતમાં પાછી પાર્ક કરી હતી. અમિત અને દીપકે આશુતોષને કહ્યું કે તેઓએ દારૂ પીધો હતો, જેમાં તેઓએ દિલ્લીના કૃષ્ણ વિહારમાં સ્કૂટી પર સવાર એક છોકરી સાથે અકસ્માત કર્યો હતો. અકસ્માતને કારણે બધા ડરીને ત્યાંથી કાંઝાવાલા તરફ ભાગ્યા. પૂછપરછ દરમિયાન આશુતોષે કહ્યું કે, તેણે દીપક અને અમિતને કાર પાસે બોલાવ્યા હતા. જેના પર દીપકે દિલ્લી પોલીસના એસઆઈ ઉમેશને કહ્યું કે તે કાર ચલાવી રહ્યો હતો અને મનોજ મિત્તલ તેની બાજુની સીટ પર બેઠો હતો. આ સિવાય અમિત મિથુન અને મનોજ મિત્તલની પાછળની સીટ પર વચ્ચે બેઠો હતો.
2 આરોપીઓએ કહ્યું કે તેમણે દારૂ પીધો છે
પૂછપરછ દરમિયાન, પોલીસને આપેલા નિવેદનમાં, આરોપીઓએ કહ્યું કે તેઓએ કૃષ્ણ વિહારના શનિ બજાર રોડ પર એક સ્કૂટી પર સવાર છોકરી સાથે કાર અકસ્માત કર્યો હતો. સ્કૂટી પર સવાર યુવતી પડી ગઈ હતી. જેના કારણે તેઓ ડરના માર્યા ત્યાંથી કાંઝાવાલા વિસ્તાર તરફ ભાગ્યા હતા. જ્યારે તેમણે નજીકના જોન્ટી ગામમાં કાંઝાવાલા રોડ પર કાર રોકી ત્યારે કારની નીચે સ્કૂટી સાથે એક યુવતી પણ દેખાઈ હતી. બધાએ યુવતીને ત્યાં જ છોડી દીધી હતી અને ડરના માર્યા તેમના મિત્ર આશુતોષના ઘરે પરત ફર્યા. ત્યાર બાદ તેઓ ત્યાં જ કાર પાર્ક કરીને તેના બીજા ઘરે ગયો હતો.
નવા વર્ષની પાર્ટી બનાવ્યો પ્લાન
સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું છે કે અમિત તેના મિત્રની કાર લઈને આવ્યો હતો. તેઓએ સાથે મળીને નવા વર્ષની પાર્ટીનું આયોજન કર્યું હતું, ત્યારબાદ મુરથલ જવાનું નક્કી કર્યું હતું. જ્યાં મુરથલ ખાતે ભારે ભીડને કારણે ભોજન ઉપલબ્ધ ન હતું. આ પછી પાંચેય પાછા આવ્યા. મુરથલ જતા-આવતા કારમાં દારૂ પીધો હતો. સૂત્રોનું માનીએ તો લગભગ અઢીથી વધુ બોટલ દારૂ કારમાંથી ઝડપાયો છે. આ પછી પાછા ફરતી વખતે આરોપીઓએ પીરાગઢી પાસે ભોજન લીધું હતું.
આરોપીઓના નિવેદનો ચકાસી રહી છે પોલીસ
દિલ્લી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મનોજ મિત્તલને ઘરે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે સ્કૂટી સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટના મધ્યરાત્રીના 2 થી 2.30 વાગ્યાની વચ્ચે બની હતી. અકસ્માત બાદ સ્કૂટી વાહનની આગળ હતી, વાહન પાછળ આવી ગયું હતું અને વાહન દૂર સુધી ખેંચાયું હતું. ત્યારે યુવતી કારમાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન વાહન ચાલકને પણ લાગ્યું કે કંઈક ફસાઈ ગયું છે. પરંતુ કારમાં બેઠેલા અન્ય લોકોએ કશું કહ્યું નહીં અને ગાડી ચલાવતા રહ્યા હતા. જ્યારે વાહને યુ-ટર્ન લીધો ત્યારે મિથુન ડાબી બાજુ બેઠો હતો ત્યારે તેણે યુવતીનો હાથ જોયો.
પછી કાર ઉભી રાખી, ત્યારે જ કારમા ફસાયેલી છોકરી નીચે પડી ગઈ. બધા નીચે ઉતર્યા અને જોયું અને ડરના માર્યા ત્યાંથી બધા ભાગી ગયા. જેની પાસેથી તેણે કાર લીધી હતી તેને કાર પાછી આપી અને તેને કહ્યું પણ ખરુ કે, કારથી અકસ્માત થયો છે. પરંતુ આટલી મોટી ઘટના સર્જાઈ છે તે જણાવ્યું નહોતું. આ તમામ બાબતો આરોપીઓએ પોતાના નિવેદનમાં કહી છે. જેની પોલીસ ખરાઈ કરી રહી છે.
રેખાના નામે રજીસ્ટર્ડ હતી સ્કૂટી
કાંઝાવાલા કેસમાં પોલીસની એફઆઈઆર કોપી મુજબ, સવારે 5 વાગ્યે કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે અકસ્માતનો સમય 1 જાન્યુઆરીની રાત્રીના 2 વાગ્યાનો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનાનો સમય રાત્રીના 2 થી 4 વાગ્યાની આસપાસનો હશે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ક્રેશ થયેલી સ્કૂટી અને એક જૂતું મળી આવ્યું હતું, પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ સ્કૂટી રેખાના નામે હતી. રેખા નામની મહિલાએ આ સ્કૂટી 5 વર્ષ પહેલા વેચી હતી.