નાગપુરમાં BJP-RSS પર ઉદ્ધવ ઠાકરેએ કર્યા પ્રહારો, કહ્યુ- અમારું હિન્દુત્વ ‘રાષ્ટ્રવાદ’ અને તેમનું…!
Uddhav Thackeray: ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પર પણ આકરા પ્રહારો કર્યા. ઠાકરેએ કહ્યું કે રાજ્યના ખેડૂતો અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ અમારા મુખ્ય પ્રધાન અયોધ્યાની મુલાકાતે ગયા હતા.
મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી, RSS અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઉદ્ધવે આરોપ લગાવ્યો કે આરએસએસ-ભાજપનું હિન્દુત્વ “ગૌમૂત્ર હિન્દુત્વ” છે. તેઓ રવિવારે નાગપુરમાં મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનની એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મારા પર એવા આરોપો લાગ્યા છે કે હું કોંગ્રેસ સાથે ગયો અને હિન્દુત્વનો મુદ્દો છોડી દીધો. તો મારે પૂછવું છે કે શું કોંગ્રેસમાં કોઈ હિન્દુ નથી ? ઈશારા ઈશારાઓમાં ભાજપ-આરએસએસ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે ત્યાં (આરએસએસ-ભાજપમાં) ‘ગૌમૂત્ર હિન્દુત્વ’ છે. તેમના લોકોએ સંભાજીનગરમાં જ્યાં અમે કાર્યક્રમ કર્યો હતો ત્યાં ગૌમૂત્ર છાંટ્યું. તેથી હું કહેવા માંગુ છું કે તેમણે ગૌમૂત્ર પીધું હોવું જોઈએ. તેઓ સમજી ગયા હશે. ઠાકરેએ કહ્યું કે અમારું હિન્દુત્વ માત્ર રાષ્ટ્રવાદ વિશે છે.
ઠાકરેએ આરોપ લગાવ્યો કે, આ લોકો એક તરફ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને બીજી તરફ મસ્જિદમાં જાય છે. શું આ હિંદુ ધર્મ છે ? તેમના લોકો યુપી જાય છે અને ઉર્દૂમાં ‘મન કી બાત’ કરવાનું શરૂ કરે છે. અહીં તેમનું હિન્દુત્વ શું છે ? હું મારા હિન્દુત્વ વિશે કહેવા માંગુ છું કે અમારુ હિન્દુત્વ દેશ માટે બલિદાન આપવાનું છે.
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પર પણ આકરા પ્રહારો કર્યા હતા. ઠાકરેએ કહ્યું કે રાજ્યના ખેડૂતો અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ અમારા મુખ્ય પ્રધાન અયોધ્યાની મુલાકાતે ગયા છે. ઠાકરેએ કેન્દ્ર પર લોકશાહીના મૂલ્યોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો. ઠાકરેએ કહ્યું કે જ્યારે રાહુલ ગાંધીએ મોદી સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા ત્યારે તેમની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. કેજરીવાલે જ્યારે સવાલો ઉઠાવ્યા ત્યારે તેમને પણ જેલ જવાનો ખતરો ઉભો કર્યો હતો.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
મહારાષ્ટ્ર સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…