Maharashtra: સુપ્રીમ કોર્ટે OBC અનામતની સુનાવણી તારીખ લંબાવી, જાણો શું છે મામલો
ડિસેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે OBC સમાજને અપાયેલ 27 ટકા રાજકીય અનામતને રદ કરી દીધી હતી.
Maharashtra : સુપ્રીમ કોર્ટમાં સોમવારે OBC અનામતને (OBC Reservation) લઈને સુનાવણી થવાની હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે સુનાવણીની તારીખ લંબાવી છે. હવે આ સુનાવણી 2 માર્ચે થશે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું છે કે, તે ચૂંટણી સંબંધિત બે મામલાઓની એક સાથે સુનાવણી કરશે. તેથી, હવે આ OBC રાજકીય અનામત સંબંધિત મામલાની સુનાવણી 2 માર્ચના રોજ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની (Maharashtra Government) સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે OBC સમાજને 27 ટકા રાજકીય અનામત આપવાની સૂચનાને રદ કરી દીધી હતી. કોર્ટે મહારાષ્ટ્ર સરકારને જણાવ્યુ હતુ કે ઓબીસી સમાજના લોકોની સંખ્યા અને સમાજમાં તેમની સ્થિતિ સાથે સંબંધિત ડેટા એકત્રિત કર્યા વિના અનામત કયા આધારે નક્કી કરવામાં આવી છે. સાથે જ કોર્ટે એ પણ પુન:ઉચ્ચાર કર્યો કે કોઈ પણ સંજોગોમાં આરક્ષણ મહત્તમ 50 ટકાથી વધુ ન હોઈ શકે. તમામ જાતિઓને લગતી અનામત 50 ટકાની મર્યાદામાં આપી શકાય છે.
મહારાષ્ટ્ર સરકારે પછાત વર્ગો સંબંધિત ડેટા સબમિટ કર્યા
બીજી તરફ રાજ્ય સરકારે દાવો કર્યો છે કે ઓબીસી રાજકીય અનામતની તરફેણમાં જરૂરી ડેટા એકત્રિત કરીને પછાત વર્ગ આયોગને સોંપવામાં આવ્યા છે. તેના આધારે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને તેના જૂના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. શું આ માંગ કોર્ટની કસોટી પર ખરી ઉતરશે? શું સુપ્રીમ કોર્ટમાં OBCની રાજકીય અનામત ટકી શકશે? માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ દેશભરના લોકોની નજર આ સુનાવણી પર ટકેલી છે.
મહારાષ્ટ્ર સરકારે અનામત લાગુ કરવા મંજૂરી માગી
પછાત વર્ગ આયોગના વચગાળાના અહેવાલ મુજબ મહારાષ્ટ્ર સરકારે આરક્ષણ લાગુ કરવાની પરવાનગી માંગી છે. જેને મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નિર્ભર કરે છે. સુપ્રીમ કોર્ટ આ અંગે 28 ફેબ્રુઆરીના રોજ સુનાવણી કરવાની હતી, પરંતુ તારીખ લંબાતા હવે 3 માર્ચના રોજ સુનાવણી હાથ ધરાશે. તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે ઓબીસી રાજકીય અનામતને પહેલાની જેમ ચાલુ રાખવા માટે છ વિભાગોમાંથી ડેટા એકત્રિત કરીને રાજ્ય પછાત વર્ગ આયોગને મોકલ્યા છે.