એકનાથ શિંદેએ ખુરશી છોડવાના આપ્યા સંકેત, કહ્યું- ભાજપના CM મને મંજૂર
થાણેમાં પત્રકાર પરિષદને સંબોધતા એકનાથ શિંદેએ સીએમને લઈને મોટી જાહેરાત કરી અને કહ્યું કે સરકાર બનાવવામાં અમારી તરફથી કોઈ અવરોધ નથી. મને ભાજપ સરકારથી કોઈ વાંધો નથી. પીએમ મોદી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને 5 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી. જેના કારણે મુંબઈ અને દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આ દરમિયાન એકનાથ શિંદેએ થાણેમાં સીએમને લઈને મોટી જાહેરાત કરી અને કહ્યું કે સરકાર બનાવવામાં અમારી તરફથી કોઈ અવરોધ નથી. મને ભાજપ સરકારથી કોઈ વાંધો નથી. પીએમ મોદી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું.
એકનાથ શિંદેએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે, સૌ પ્રથમ બધા મતદારોનો આભાર. હું તમામ પત્રકારોનો આભાર માનું છું. અમને લેન્ડ સ્લાઇડ જીત મળી છે, લોકોને મહાયુતિમાં વિશ્વાસ છે. આ માટે હું તમારા બધાનો આભાર માનું છું. તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા અઢી વર્ષમાં સત્તામાં આવ્યા બાદ અમારી સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી અને તેને આગળ વધારી. અમે આ સમયગાળા દરમિયાન જબરદસ્ત કામ કર્યું છે. આ જીત જનતાની જીત છે.
સીએમ પદ માટેનો નિર્ણય પીએમ મોદી પર છોડતા શિંદેએ કહ્યું કે, મહારાષ્ટ્રના વિકાસ માટે હું કેન્દ્રનો આભાર માનું છું જે અમારી સાથે ખડે પગે ઊભું રહ્યું છે. કેન્દ્ર સરકારની મદદ વિના આ શક્ય નથી. હું ખૂબ જ સ્વચ્છ મનનો વ્યક્તિ છું. હું મારા મનમાં કંઈ રાખતો નથી. તેમણે કહ્યું કે, સરકાર બનાવવામાં અમારી તરફથી કોઈ અવરોધ નથી. અમે પીએમ મોદી અને અમિત શાહ સાથે વાત કરી ચૂક્યા છીએ. પીએમ મોદી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. મને બીજેપીના સીએમ મંજૂર છે.
મારે કામ કરવું છે, લડાઈ નહીં : એકનાથ શિંદે
તેમણે કહ્યું કે, મેં એક સામાન્ય કાર્યકરની જેમ કામ કર્યું. હું સામાન્ય લોકોની વચ્ચે ગયો છું. સીએમ એટલે સામાન્ય માણસ. સીએમ બન્યા પછી મને લાગ્યું કે જનતા માટે કંઈક કરવું જોઈએ. પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરતા શિંદેએ કહ્યું કે પીએમ મોદી લગભગ 2.5 વર્ષ સુધી મારી સાથે ઉભા રહ્યા. હું પીએમ મોદી અને અમિત શાહનો આભાર માનું છું કે જેમણે તમામ યોજનાઓને લાગુ કરવામાં અમને આર્થિક મદદ કરી. હું મારા કામથી સંતુષ્ટ છું અને મેં જે નિર્ણય લીધો છે તે ઐતિહાસિક છે.
તેમણે એમ પણ કહ્યું કે, મારે કામ કરવું છે, લડાઈ નહીં. હું નારાજ થનાર માણસ નથી. મહાગઠબંધન તરીકે અમે જીત્યા છીએ. મેં જે પણ કર્યું તે બધાના સહયોગથી કર્યું છે.