શિરડી સાઈ સંસ્થાન: જાણો શા માટે કરોડો રૂપિયાનું દાન બન્યું આફત ? કેવી રીતે આવશે આ સમસ્યાનો અંત ? જાણો સમગ્ર હકીકત
તમને જણાવી દઈએ કે સાઈ સંસ્થાને આ માટે કેન્દ્રીય સ્તરે ઘણા પ્રયાસો કર્યા છે, પરંતુ હજુ સુધી તેનો ઉકેલ આવ્યો નથી.

દેશમાં 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી, 31 ડિસેમ્બર, 2016 સુધી, 500 અને 1000 રૂપિયાની નોટોને બેંકોમાં બદલવાની તક આપવામાં આવી હતી. ત્યારે શિરડીનું સાંઈ સંસ્થાન (Shirdi Sai Sansthan) આ દિવસોમાં એક અનોખી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. નોટબંધીને પાંચ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, તેમ છતાં દાન પેટીઓમાં જૂની નોટો મેળવવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. સતત વધી રહેલી સંખ્યાને કારણે સાઈ સંસ્થાનની મુશ્કેલી વધી રહી છે. તમને જણાવી દઈએ કે સાઈ સંસ્થાને આ માટે કેન્દ્રીય સ્તરે ઘણા પ્રયાસો કર્યા છે, પરંતુ હજુ સુધી તેનો ઉકેલ આવ્યો નથી. સાઈ સંસ્થાન અનુસાર, તેમની પાસે જૂની 500 અને 1000 રૂપિયાની લગભગ 3 કરોડ રૂપિયાની નોટ જમા થઈ ગઈ છે.
સંસ્થાના મુખ્ય અધિકારીએ આપ્યુ આ નિવેદન
આ બાબતે શિરડી સાંઈ સંસ્થાનના મુખ્ય કાર્યકારી અધિકારી ભાગ્યશ્રી બનાયતે કહ્યું કે, અમે કેન્દ્રીય નાણા મંત્રાલયને પત્ર મોકલ્યો છે. તેમણે રિઝર્વ બેંકને આ અંગે નિર્ણય લેવા નિર્દેશ આપ્યો હતો. આ સાથે, અમે રિઝર્વ બેંકના સંપર્કમાં છીએ અને ટૂંક સમયમાં ઉકેલની આશા રાખીએ છીએ. જ્યારથી નોટબંધી થઈ છે ત્યારથી દાન પેટીઓમાં જૂની નોટો મૂકવાનું ચલણ વધી ગયું છે. અમે આવી નોટો ભેગી કરીને બાજુ પર રાખીએ છીએ. અમે આ અંગે કેન્દ્રીય નાણા મંત્રાલય, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને આરબીઆઈના સતત સંપર્કમાં છીએ.
ભાગ્યશ્રી બનાયતે વધુમાં કહ્યું, ‘ગયા અઠવાડિયે ગૃહ મંત્રાલયે અમને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને કહ્યું હતું કે આરબીઆઈ આ બાબતે અમને મદદ કરશે. તે પછી અમે આરબીઆઈના સતત સંપર્કમાં છીએ અને અમને આશા છે કે ટૂંક સમયમાં તે અમને કોઈ ઉકેલ આપશે. ભક્તોએ તેમની ભક્તિ સાથે જે કંઈ ભેટ ધર્યું છે તે તેમના જ ઉપયોગમાં આવશે.’
ભાગ્યશ્રી બનાયતે જણાવ્યું કે, નોટબંધી બાદ એટલે કે 31મી ડિસેમ્બર 2016 સુધી દરરોજ દાન પેટીઓ ખોલવામાં આવતી હતી અને દાનમાં આપેલી રકમ બેંકોમાં જમા કરવામાં આવતી હતી. 31 ડિસેમ્બર બાદ બેંકોએ જૂની નોટો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. આ સંસ્થાના પૈસા છે અને તેનો ઉપયોગ સામાન્ય લોકોના ભલા માટે થવો જોઈએ. તેથી અમે ઇચ્છીએ છીએ કે આનો શક્ય તેટલો જલ્દી ઉકેલ આવે. તમને જણાવી દઈએ કે, ભક્તો દ્વારા દાન પેટીમાં મુકવામાં આવેલી આ જૂની નોટો રાખવી ગેરકાયદેસર છે.