મહારાષ્ટ્ર: સમીર વાનખેડે પોતાનુ નિવેદન નોંધવા માટે પહોંચ્યા થાણે પોલીસ સ્ટેશન, જાણો શું છે સમગ્ર મામલો ?
નવાબ મલિકે સમીર વાનખેડે પર નવી મુંબઈમાં સદગુરુ બાર એન્ડ રેસ્ટોરન્ટનું લાઇસન્સ મેળવવા માટે ખોટી માહિતી આપવાનો આરોપ લગાવ્યો હતો.
Maharashtra : મુંબઈ NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) નિવેદન નોંધવા માટે આજે થાણેના કોપરી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, NCP નેતા નવાબ મલિકે (Nawab Malik) આરોપ લગાવ્યો હતો કે સમીર વાનખેડેએ નવી મુંબઈના વાશીમાં સદગુરુ બાર એન્ડ રેસ્ટોરન્ટનું લાઇસન્સ મેળવવા માટે નકલી પ્રમાણપત્ર બતાવ્યુ હતુ.
સગીર હોવા છતાં વાનખેડેને બાર ચલાવવાનું લાઇસન્સ મળ્યું…!
સાથે જ શિવસેના દાવો છે કે સમીર વાનખેડેએ રેસ્ટોરન્ટનું લાયસન્સ મેળવવા માટે તેની ઉંમર 18 વર્ષ આપી હતી. જ્યારે તે સમયે તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી. આવી સ્થિતિમાં, સગીર હોવા છતાં, સમીર વાનખેડેને બાર ચલાવવાનું લાઇસન્સ મળ્યું. આ આરોપો અંગે થાણેના કોપરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી કોપરી પોલીસે સમીર વાનખેડેને નોટિસ મોકલીને બુધવારે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. સમીર વાનખેડે આ પૂછપરછ માટે આજે કોપરી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
સમીર વાનખેડે વિરુદ્ધ શનિવારે રાત્રે કેસ નોંધવામાં આવ્યો
શનિવારે રાત્રે એક્સાઇઝ વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે થાણેના કોપરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.ફરિયાદમાં કહેવાયું છે કે સમીર વાનખેડેએ બારનું લાઇસન્સ મેળવવા જાણીજોઈને ખોટી માહિતી આપી હતી.હાલ આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે સોમવારે સમીર વાનખેડેને નોટિસ મોકલી હતી. આ નોટિસમાં તેમને બુધવારે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યુ હતુ.
28 ફેબ્રુઆરી સુધી સમીર વાનખેડેને કોર્ટે આપી સુરક્ષા
થાણેમાં કેસ નોંધાયા બાદ સમીર વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટના (Bombay HighCourt) શરણે ગયા હતા. સમીર વાનખેડેએ દાવો કર્યો હતો કે NCBમાં કામ કરતી વખતે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકના જમાઈ સામે કરાયેલી કાર્યવાહીનો બદલો લેવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે સમીર વાનખેડેએ કોર્ટ પાસે ધરપકડ સામે રક્ષણની પણ માંગ કરી હતી.બાદમાં કોર્ટ વાનખેડેને 28 ફેબ્રુઆરી સુધી સુરક્ષા આપી હતી.
આ પણ વાંચો: મલિકની વધી મુશ્કેલી : આઠ કલાકની પૂછપરછ બાદ ED એ મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકની કરી ધરપકડ