ઓનલાઈન મળતું ફૂડ કેટલું સેફ? Blinkit, Zepto સહિતના ડાર્ક સ્ટોર્સમાં ફૂડ સેફ્ટીનો રિયાલિટી ચેક, જુઓ
મહારાષ્ટ્ર FDAએ 13 ઓગસ્ટના રોજ ઓનલાઈન ફૂડ ડિલિવરીના 86 ડાર્ક સ્ટોર્સ પર તપાસ કરી, જેમાં Blinkit, Zepto, Instamart સહિતના સ્થળોએ ગંદકી, તાપમાન નિયંત્રણમાં ખામી, વાસી અને એક્સપાયર્ડ માલ જેવી ગંભીર અનિયમિતતાઓ સામે આવી.

આજના ઝડપી યુગમાં મોબાઈલ પર એક ક્લિકથી મનપસંદ ભોજન ઘરઆંગણે મળી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ઝડપી ડિલિવરી પાછળ તમારા ખોરાકની સુરક્ષા કેટલી જોખમાય છે? મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા 13 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવેલી એક વિશેષ નિરીક્ષણ ડ્રાઈવે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સાથે સંકળાયેલા ડાર્ક સ્ટોર્સની ચોંકાવનારી વાસ્તવિકતાઓ બહાર લાવી છે. આ ખુલાસા ગ્રાહકો માટે તેમના આગામી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પહેલાં બે વાર વિચારવા મજબૂર કરે તેવા છે.
આ ડ્રાઈવ અંતર્ગત Blinkit, Zepto અને Instamart સહિત રાજ્યભરમાં કુલ 86 ફૂડ ડિલિવરી પ્રતિષ્ઠાનોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસના પરિણામ સ્વરૂપે, 60 સુધારા નોટિસ ફટકારવામાં આવી હતી અને 14 ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી સીધો સવાલ ઉભો કરે છે કે જે ફૂડ આપણે વિશ્વાસથી ઘરે મંગાવીએ છીએ, તેના સ્ટોરેજથી લઈને ડિલિવરી સુધી ખરેખર કેટલા નિયમોનું પાલન થાય છે.
ડાર્ક સ્ટોર્સમાં વ્યાપક ગંદકી અને સુરક્ષા ભંગ
FDAની તપાસમાં સામે આવેલી સૌથી ચોંકાવનારી બાબતોમાં સફાઈનો અભાવ, પેસ્ટ કંટ્રોલની ગંભીર ખામીઓ, અયોગ્ય સ્ટોરેજ પદ્ધતિઓ અને તાપમાન નિયંત્રણમાં બેદરકારી મુખ્ય હતી. મુંબઈના ઘાટકોપરમાં આવેલા Blinkitના એક સેન્ટરને માત્ર 46% કમ્પ્લાયન્સ સ્કોર મળ્યો, જ્યારે લોખંડવાલામાં Zeptoને 47% અને મુલુંડમાં Zeptoને માત્ર 45% માર્ક્સ મળ્યા. આ સ્ટોર્સમાં કાટ લાગેલા રેક્સ, ડ્રેનેજ અને કચરાની સમસ્યાઓ તેમજ ફૂડ અને નોન-ફૂડ વસ્તુઓનું અલગ ન રાખવાની બેદરકારી જોવા મળી હતી.
ફૂડ સેફ્ટી માટે તાપમાનનું નિયંત્રણ અત્યંત મહત્વનું છે. જોકે, FDAને ઘણી જગ્યાએ રેફ્રિજરેટેડ અને ફ્રોઝન ફૂડ માટે જરૂરી તાપમાન જળવાતું ન હોવાનું જણાયું. મલાડના Blinkit સ્ટોરમાં ચિલરનું તાપમાન જરૂરી મર્યાદા કરતા વધારે હતું. આ ઉપરાંત, 40 ફૂડ હેન્ડલર્સના મેડિકલ ચેકઅપના રેકોર્ડ્સ પણ ઉપલબ્ધ નહોતા, જે દર્શાવે છે કે ફૂડ માત્ર સારું દેખાય છે એટલું જ નહીં, પરંતુ તે કેવી રીતે સ્ટોર અને હેન્ડલ થાય છે તે પણ એટલું જ મહત્વનું છે.
વાસી અને એક્સપાયર્ડ માલનો જથ્થો જપ્ત
પુણેના લોહેગાંવમાં આવેલા Zepto સેન્ટરમાં વધુ ગંભીર ઉલ્લંઘનો સામે આવ્યા હતા. અહીં રેફ્રિજરેટેડ અને ફ્રોઝન સ્ટોરેજમાં જરૂરી તાપમાન જળવાયું નહોતું. કેટલાક ઉત્પાદનો યુઝ બાય તારીખ બાદ પણ સ્ટોર થયેલા હતા, અને FIFO (First In First Out) તથા FEFO (First Expired First Out) જેવી મહત્વપૂર્ણ સ્ટોરેજ સિસ્ટમનું પણ પાલન નહોતું થતું.
FDAની કાર્યવાહી માત્ર ઓનલાઈન ડિલિવરી સ્ટોર્સ પૂરતી સીમિત નહોતી. મુંબઈના ચેમ્બુરમાં આવેલા પાર્લે એગ્રોના વેલોસિટી એક્સપ્રેસ વેરહાઉસમાં FDAને Apple Fizz, Frooti, Apple Juice સહિતના એક્સપાયર્ડ ફૂડ અને બેવરેજીસ પ્રોડક્ટ્સ મળી આવ્યા હતા, જેની કિંમત લગભગ ₹99,970 હતી. FDAએ આ માલ જપ્ત કર્યો અને સંબંધિત પ્રતિષ્ઠાનનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રના રાયગઢમાં પણ લગભગ 698 લિટર શંકાસ્પદ અને નિમ્ન ગુણવત્તાનું પાશ્ચરાઇઝ્ડ ગાયનું દૂધ જપ્ત કરવામાં આવ્યું હતું.
12 થી 13 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં દૂધ અને દૂધની બનાવટો, ખાદ્યતેલ અને ગોળ સહિત 1270 કિલોથી વધુ ખાદ્યસામગ્રી જપ્ત કરવામાં આવી હતી. પ્રતિબંધિત પાન-મસાલા, ગુટખા અને ફ્લેવર્ડ તમાકુ સામેની કાર્યવાહીમાં ₹46 લાખથી વધુનો માલ જપ્ત થયો હતો અને 10 FIR નોંધાઈ હતી, જેમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ગ્રાહક સુરક્ષા અને ભવિષ્યની દિશા
FDAએ ઓનલાઈન ફૂડ પ્લેટફોર્મને ફૂડ સેફ્ટી, હાઈજીન, તાપમાન નિયંત્રણ, પેસ્ટ કંટ્રોલ, તેમજ FIFO અને FEFO નિયમોનું કડક પાલન કરવા નિર્દેશ આપ્યો છે. કારણ કે ગ્રાહક એપ પર ફક્ત ફૂડનો ફોટો અને ભાવ જોઈ શકે છે, પરંતુ તે ફૂડ ક્યાં રાખવામાં આવ્યું હતું, કેટલી સફાઈ હતી, અને તેની કોલ્ડ ચેન જળવાઈ હતી કે નહીં તે જોઈ શકતો નથી. આથી, ઓનલાઈન ફૂડની ઝડપ કરતાં ફૂડ સેફ્ટી વધુ મહત્વની છે. મહારાષ્ટ્ર FDAની આ કાર્યવાહી એક મોટો સવાલ છોડી જાય છે કે, શું ઝડપી ડિલિવરીની દોડમાં ફૂડ સેફ્ટી ક્યાંક પાછળ તો નથી રહી ગઈ ને?
લાખો ચાહકોની પ્રિય, આ અભિનેત્રી 36 વર્ષની ઉંમરે પણ છે કુંવારી, જુઓ Photos
