મોદી સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel Price) પરની એક્સાઈઝ ડ્યુટીમાં (Excise Duty) ઘટાડો કર્યો હતો. તેના એક દિવસ બાદ એટલે કે આજે મહારાષ્ટ્ર (Maharashtra) સરકારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર વેટ ઘટાડી દીધો છે. રાજ્ય સરકારે પેટ્રોલના ભાવમાં 2 રૂપિયા 8 પૈસા અને ડીઝલમાં 1 રૂપિયા 44 પૈસાનો ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી જનતાને મોટી રાહત મળી છે. વેટ અને એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ હવે રાજ્યમાં એક લિટર પેટ્રોલનો ભાવ 109.27 રૂપિયા થયો છે. તે જ સમયે એક લિટર ડીઝલની કિંમત 95.84 રૂપિયા થઈ ગઈ છે.
તાજેતરના ઘટાડા બાદ પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી ઘટીને 19.9 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલ પર હવે તે 15.8 રૂપિયા પ્રતિ લીટર છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ તમામ રાજ્ય સરકારોને વાહન ઈંધણ પર સ્થાનિક વેચાણ વેરો અથવા વેટ ઘટાડવાની અપીલ કરી હતી. વિવિધ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પર વસૂલવામાં આવતા વેટ જેવા સ્થાનિક કરમાં ભિન્નતાને કારણે કિંમતોમાં વિવિધતા જોવા મળે છે. અગાઉ 4 નવેમ્બર 2021ના રોજ પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. વર્ષ 2020માં કેન્દ્ર સરકારે વાહનના ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો. જેના કારણે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 32.9 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 31.8 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી.
Maharashtra government slashes the Value-added tax (VAT) on petrol by Rs 2.08 per litre and diesel by Rs 1.44 per litre: Maharashtra DGIPR
— ANI (@ANI) May 22, 2022
મુંબઈ-
એક લિટર પેટ્રોલ – 109.27 રૂપિયા એક લિટર ડીઝલ – 95.84 રૂપિયા
પૂણે-
એક લિટર પેટ્રોલ – 108.87 રૂપિયા એક લિટર ડીઝલ – 94 રૂપિયા
નાસિક-
એક લિટર પેટ્રોલ – 109.75 રૂપિયા એક લિટર ડીઝલ – 94.85 રૂપિયા
થાણે-
એક લિટર પેટ્રોલ – 109.41 રૂપિયા એક લિટર ડીઝલ – 95.98 રૂપિયા
કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્યો પર વેટ ઘટાડવાનું દબાણ વધ્યું છે. તે દબાણને જોતા કેન્દ્ર સરકારના નિર્ણય બાદ તરત જ કેરળ અને રાજસ્થાને પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો હતો. કેરળ સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 2.41નો વેટ ઘટાડ્યો છે, જ્યારે ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 1.36નો વેટ ઘટાડ્યો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ 11.91 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થયું છે. તેવી જ રીતે રાજસ્થાન સરકારે પણ કેન્દ્રના નિર્ણય બાદ જનતાને બમણી રાહત આપી છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે લખ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ઘટાડવાના કારણે રાજ્ય સરકાર પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 2.48 અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 1.16નો વેટ ઘટાડશે. આ સાથે રાજ્યમાં પેટ્રોલ 10.48 રૂપિયા અને ડીઝલ 7.16 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થશે.