મહારાષ્ટ્ર: અનિલ દેશમુખની વધી શકે છે મુશ્કેલી, EDની ચાર્જશીટમાં થયો ચોંકાવનારો ખુલાસો
મહારાષ્ટ્ર ગૃહ વિભાગના પૂર્વ અધિક મુખ્ય સચિવ સીતારામ કુંટેએ પણ ગુરુવારે EDની સામે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પોલીસ અધિકારીઓની બદલી માટે અનધિકૃત લિસ્ટ મોકલતા હતા.
Maharashtra : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ (Anil Deshmukh) વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની (Money Laundering Case) તપાસ કરી રહેલી EDએ પોતાની ચાર્જશીટમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે. EDએ તેની ચાર્જશીટમાં કહ્યુ છે કે, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે 1992થી પોતાના પદનો અયોગ્ય લાભ ઉઠાવ્યો છે. તેણે ગેરકાયદેસર રીતે ઘણી કમાણી કરી છે. ઉપરાંત ગેરકાયદેસર રીતે કમાયેલી રકમ તેણે 13 કંપનીઓમાં વાપરી હોવાનો પણ ખુલાસો થયો છે. તેણે અનેક સરકારી કર્મચારીઓને પણ પોતાની સાથે જોડી દીધા હતા.
ચાર્જશીટમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે કે, મુંબઈ પોલીસના (Mumbai Police) બરતરફ અધિકારી સચિન વાજેએ તેમના નિવેદનમાં EDને જણાવ્યુ હતુ કે, અનિલ દેશમુખે 16 વર્ષના સસ્પેન્શન પછી મુંબઈ પોલીસમાં તેમને પુનઃસ્થાપિત કરવા માટે 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
ખંડણીના આ સમગ્ર રેકેટમાં સામેલ હતા અનિલ દેશમુખ
અનિલ દેશમુખ નિયમિતપણે સચિન વાજે (Sachin Vaze) પાસેથી માહિતી મેળવતો હતો અને તેઓ મળીને મુંબઈના વિવિધ બાર, રેસ્ટોરન્ટ અને અન્ય સંસ્થાઓમાંથી 100 કરોડની ખંડણીના આ સમગ્ર રેકેટમાં સામેલ હતા. તમને જણાવવુ રહ્યુ કે, મહારાષ્ટ્ર ગૃહ વિભાગના પૂર્વ અધિક મુખ્ય સચિવ સીતારામ કુંટેએ પણ ગુરુવારે EDની સામે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યુ કે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પોલીસ અધિકારીઓની બદલી માટે અનધિકૃત લિસ્ટ મોકલતા હતા. તે યાદીમાં મોટાભાગના નામો અંતિમ યાદીમાં હતા.
સીતારામ કુટેએ વધુમાં કહ્યુ હતુ કે, તેમના સહયોગી હોવાને કારણે તેઓ તેમને ના પાડી શકે તેમ નહોતા. પોલીસ તેમના આપેલા નામોની યાદી બોર્ડ સમક્ષ રજૂ કરતી હતી તેમજ દેશમુખ દ્વારા સૂચનો અને આદેશો જાહેર કરવામાં આવ્યા હોવાની માહિતી આપતી હતી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં દેશમુખ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ જ કાર્યવાહી હેઠળ કુંટેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
CMએ ટ્રાન્સફર ઓર્ડર રદ કરવા જણાવ્યુ હતુ
જુલાઈ 2020માં મુંબઈના 10 ડીસીપીના ટ્રાન્સફર ઓર્ડર રદ કરવામાં આવ્યા હતા. જ્યારે ઇડીએ આ વિશે પૂછ્યુ ત્યારે કુંટેએ કહ્યુ કે, તેમને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો ફોન આવ્યો હતો અને તેમણે પોલીસ કમિશનર પરમબીર સિંહની ખામીઓને ટાંકીને બદલીનો આદેશ રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી પોલીસ કમિશનરને ફોન અને વોટ્સએપ દ્વારા રદ કરાયેલ ઓર્ડર વિશે જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Maharashtra : પુણેના યરવડા શાસ્ત્રી નગર વિસ્તારમાં નિર્મણાધીન ઈમારત ધરાશાયી, 5ના મોત, 5 ઘાયલ