Maharashtra: બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, ધોરણ 11માં પ્રવેશ માટે લેવાનારી CETની પરીક્ષા રદ્દ

TV9 GUJARATI

|

Updated on: Aug 10, 2021 | 8:15 PM

ધોરણ 10ની પરીક્ષા રદ્દ થવાને કારણે રાજ્ય સરકારે ધોરણ 11માં પ્રવેશ માટે CET પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ નિર્ણયને મુંબઈ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

Maharashtra: બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, ધોરણ 11માં પ્રવેશ માટે લેવાનારી CETની પરીક્ષા રદ્દ
Bombay High Court- File Image

Follow us on

એસએસસી(SSC) બોર્ડના અભ્યાસક્રમના આધારે CET પરીક્ષા યોજવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) રદ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે 28 મેના રોજ આ અંગે વહીવટી નિર્ણય (Government Resolution-GR) જાહેર કર્યો હતો. જસ્ટિસ રમેશ ધાનુકા અને જસ્ટિસ રિયાઝ છાગલાની ડિવિઝન બેંચ દ્વારા આ નિર્ણયને રદ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના નિર્ણયથી રાજ્ય સરકારને મોટો ફટકો પડ્યો છે. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે ધોરણ 11માં પ્રવેશ વિદ્યાર્થીઓએ ધોરણ 10માં મેળવેલા ગુણના આધારે મળવો જોઈએ.

આ વર્ષે કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન ઈન્ટરનલ એસેસમેન્ટ અને ધોરણ 9 અને 10માં યોજાયેલી અગાઉની પરીક્ષાઓના સરેરાશના આધારે  કરવામાં આવ્યું હતું અને તેના આધારે જ વિદ્યાર્થીઓને ગુણ આપવામાં આવ્યા હતા. ધોરણ 10ની પરીક્ષા રદ્દ થવાને કારણે રાજ્ય સરકારે ધોરણ 11માં પ્રવેશ માટે CET પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ નિર્ણયને મુંબઈ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

પ્રશ્ન એ ઉઠાવવામાં આવ્યો હતો કે રાજ્યમાં 10માં ધોરણની પરીક્ષા સીબીએસઈ, આઈસીએસઈ, એસએસસી જેવા વિવિધ બોર્ડ દ્વારા લેવામાં આવે છે. જ્યારે CET પરીક્ષા રાજ્ય બોર્ડના અભ્યાસક્રમના આધારે લેવામાં આવશે. આ અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે આ ભેદભાવપૂર્ણ હશે.

રાજ્ય સરકારે CET પરીક્ષા લેવાનું કેમ નક્કી કર્યું?

રાજ્ય સરકાર પાસે સીઈટી પરીક્ષા લેવા માટે પોતાનો તર્ક હતો. કોરોના સંક્રમણને કારણે રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષાઓ થઈ શકી નથી. આવી પરીસ્થિતિમાં વિવિધ બોર્ડની જુદી જુદી મૂલ્યાંકન પદ્ધતિને કારણે વિદ્યાર્થીઓની આકારણીની એકસમાન પદ્ધતિની જરૂરિયાત અનુભવાઈ હતી. આથી CET પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ એ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ પરીક્ષા સ્ટેટ બોર્ડના અભ્યાસક્રમના આધારે લેવામાં આવશે.

CET પરીક્ષાને કેમ પડકારવામાં આવી?

આવી સ્થિતિમાં પ્રશ્ન ઉભો થયો કે આ રીતે અન્ય બોર્ડના બાળકો સાથે ભેદભાવ થશે. જો CET પરીક્ષા માત્ર રાજ્ય બોર્ડના અભ્યાસક્રમના આધારે લેવામાં આવશે તો મૂલ્યાંકનની આ એકસમાન પદ્ધતિ કેવી રીતે કહેવાશે? આ કારણથી આઈસીએસઈ બોર્ડ સાથે જોડાયેલી દાદરની આઈઈએસ ઓરિયન સ્કૂલની  અનન્યા પટકીએ તેના પિતા એડવોકેટ યોગેશ પાટકી મારફતે રિટ પિટિશન દાખલ કરીને રાજ્ય સરકારના નિર્ણયને પડકાર્યો હતો. આ અંગેની અંતિમ સુનાવણી બાદ બેન્ચે 6 ઓગસ્ટના રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. તે નિર્ણય આજે (મંગળવાર, 10 ઓગસ્ટ) આવ્યો છે.

CET પરીક્ષા રદ્દ, ધોરણ 10ના માર્કના આધારે મળશે ધોરણ 11માં પ્રવેશ

રાજ્ય સરકાર દ્વારા CETની પરીક્ષા લેવાઈ હોત તો ઘણા વિદ્યાર્થીઓને અન્યાય થયો હોત. તેથી હાઈકોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કરવો જરૂરી માન્યો. હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે કોઈ CET પરીક્ષા નહીં યોજાય. જુદા જુદા બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના મૂલ્યાંકનના આધારે જે ગુણ આપવામાં આવેલા છે. તે ગુણના આધારે ધોરણ 11માં પ્રવેશ આપવો જોઈએ. આ સાથે જ હાઈકોર્ટની ડિવિઝન બેંચે રાજ્ય સરકારને આ ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયા છ અઠવાડીયામાં પૂર્ણ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

આ પણ વાંચો : સાંસદ-ધારાસભ્ય સામે દાખલ કરાયેલ કેસ હાઈકોર્ટની પરવાનગી વગર પાછો નહીં ખેંચાય: સુપ્રીમ કોર્ટ

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati