Breaking News : અલ નીનોની અસરથી મહારાષ્ટ્રમાં પાણીનું સંકટ! 16 ઓક્ટોબરથી લાગુ થશે 10% પાણીકાપ, જાણો સરકારની ગાઇડલાઇન
મહારાષ્ટ્ર રાજ્યના નાગરિકોને પીવાના પાણીની કોઈ અછત ન સર્જાય તે માટે પીવાના પાણીને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ અંતર્ગત 16 ઓક્ટોબર 2026થી તમામ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ઓછામાં ઓછું 10 ટકા પાણીકાપ લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે

મહારાષ્ટ્ર રાજ્યના નાગરિકોને પીવાના પાણીની કોઈ અછત ન સર્જાય તે માટે પીવાના પાણીને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ અંતર્ગત 16 ઓક્ટોબર 2026થી તમામ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ઓછામાં ઓછું 10 ટકા પાણીકાપ લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એવી માહિતી મહારાષ્ટ્રના જળસંપદા મંત્રી ગિરીશ મહાજને આપી છે.
અલ નીનોની અસરને કારણે આ વર્ષે મહારાષ્ટ્ર રાજ્યમાં વરસાદમાં મોટો ઘટાડો થયો છે અને રાજ્યમાં પાણીનો સંગ્રહ પણ મર્યાદિત છે. સંભવિત દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરવા માટે જળસંપદા વિભાગે 31 ઓગસ્ટ 2027 સુધીના પાણીનું ડેમવાર અને ઉપયોગ વાર અત્યંત સૂક્ષ્મ આયોજન કર્યું છે.
265 તાલુકાઓમાં દુષ્કાળ
વર્ષ 2016ના ખરીફ સીઝનમાં ટ્રિગર-1 લાગુ થયેલા રાજ્યના 265 તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. આગામી વર્ષ સુધી અલ નીનોની અસર રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જળસંપદા વિભાગે તમામ સંબંધિત તંત્રોને પાણીનો અત્યંત કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને કડક પગલાં ભરવાના સ્પષ્ટ આદેશ આપ્યા છે, એમ મંત્રી ગિરીશ મહાજને જણાવ્યું હતું.
પીવાના પાણીને પ્રથમ પ્રાધાન્ય
દરમિયાન, ડેમો અને જળાશયોમાં રહેલા પાણીનું આયોજન કરતી વખતે પીવાના પાણીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. બાષ્પીભવન, કાંપ અને અનધિકૃત પાણી ઉપાડને ધ્યાનમાં રાખીને 31 ઓગસ્ટ 2027 સુધી પીવાનું પાણી અનામત રાખવામાં આવશે. આ ઉપરાંત, ભવિષ્યની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને દરેક ડેમમાં 10 ટકા વધારાનો ઇમરજન્સી બફર જથ્થો અનામત રાખવામાં આવશે. અત્યંત જરૂરિયાત ઊભી થાય તો ટેકનિકલ તપાસ કર્યા બાદ ડેડ સ્ટોરેજમાં રહેલા પાણીનો પણ ઉપયોગ કરવામાં આવશે.
16 ઓક્ટોબરથી 10 ટકા પાણીકાપ લાગુ
તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોએ 16 ઓક્ટોબરથી 10 ટકા પાણીકાપ લાગુ કરવાનો રહેશે. પાણીની લીકેજ રોકવા માટે વિશેષ અભિયાન ચલાવવું પડશે. સાથે જ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) સંપૂર્ણ ક્ષમતાથી ચલાવીને ટ્રીટ કરવામાં આવેલું પાણી જ બગીચા, બાંધકામ અને સફાઈ જેવા કામો માટે ઉપયોગમાં લેવાનું રહેશે.
સિંચાઈ પદ્ધતિઓ પર ભાર
પીવાના પાણી, પશુઓ અને ઘાસચારાની જરૂરિયાત પૂરી થયા બાદ જ બાકી રહેલા પાણીનું સિંચાઈ માટે વિતરણ કરવામાં આવશે. સૌપ્રથમ રવિ સિઝનના અનાજ અને ચારા પાકને, ત્યારબાદ અન્ય રવિ પાકોને અને પાણી બચી રહે તો જ બારમાસી પાકોને પાણી આપવાની મંજૂરી આપવામાં આવશે. પાણીની બચત કરતી સિંચાઈ પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવશે.
અનધિકૃત પાણી ઉપાડ સામે કાર્યવાહી
ડેમ, નદી અને કેનાલમાંથી થતા અનધિકૃત પાણી ઉપાડને તાત્કાલિક રોકવા માટે મહેસૂલ, પોલીસ અને જળસંપદા વિભાગની સંયુક્ત ટીમો પેટ્રોલિંગ કરશે. દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે અને ગેરકાયદેસર પંપ તથા અન્ય સાધનો જપ્ત કરવામાં આવશે. દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરવા માટે જળસંપદા વિભાગ, મહેસૂલ, કૃષિ, ઉદ્યોગ અને નગર વિકાસ વિભાગ સંપૂર્ણ સંકલન સાથે કામ કરી રહ્યા છે. પાલકમંત્રી અને કેનાલ સલાહકાર સમિતિઓના માધ્યમથી પાણીની સ્થિતિની નિયમિત સમીક્ષા કરવામાં આવશે. આગામી વર્ષમાં પાણીની કટોકટી ટાળવા માટે નાગરિકો અને તમામ તંત્રોએ પાણીના દરેક ટીપાનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને વહીવટીતંત્રને સહયોગ આપવો જોઈએ, એવું મંત્રી ગિરીશ મહાજને કર્યું છે.
