Parambir Singh Case: પરમબીર સિંહ ખંડણી કેસમાં મોટો ખુલાસો, બિઝનેસ મેનને ફસાવવા ઘડવામાં આવ્યુ હતુ આ કાવતરૂ
CIDની તપાસમા ખુલાસો થયો છે કે, આરોપીઓએ ફોન કોલનો અવાજ છોટા શકીલ જેવો જ બનાવવા માટે એક ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો.
Parambir Singh Case: મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir Singh) સાથે સંકળાયેલા રિકવરી કેસમાં (Recovery Case) મોટો ખુલાસો થયો છે. CIDની તપાસમાં એવું બહાર આવ્યું છે કે પરમબીર સિંહના નજીકના ગણાતા સંજય પુનમિયાએ બિઝનેસમેન શ્યામ સુંદર અગ્રવાલને ફસાવવા માટે ખાસ સોફ્ટવેરની મદદથી અંડરવર્લ્ડ ડોન છોટા શકીલનો (Chhota Shakeel) અવાજ કાઢ્યો હતો.
આ રિકવરી કેસમાં નવો વળાંક આવ્યો
તપાસમાં આ બહાર આવ્યુ છે કે આ કોલ છોટા શકીલનો નહોતો પરંતુ એક સોફ્ટવેરની મદદથી છોટા શકીલનો અવાજ કાઢવામાં આવ્યો હતો. આ કોલને અવાજ આપવા માટે VPN (Virtual Private Network) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વાતની કોઈને જાણ ન થાય તેની કાળજી લેવા પુનમિયાએ સાયબર નિષ્ણાતોની મદદ લીધી હતી.
આ કેસમાં ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ થવા જઈ રહી છે. તમને જણાવવુ રહ્યુ કે આ મામલાની તપાસ CID દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસમાં સાયબર એક્સપર્ટનુ નિવેદન પણ નોંધવામાં આવ્યુ છે. આ સમગ્ર પ્રક્રિયામાં છોટા શકીલના નામ અને અવાજનો ફાયદો ઉઠાવવા માટે આરોપીઓ અને શકમંદોએ સાયબર નિષ્ણાતોની મદદ લેતા આ રિકવરી કેસમાં નવો વળાંક આવ્યો છે.
છોટા શકીલના અવાજમાં ઘડ્યુ કાવતરુ
CIDની તપાસમા જાણવા મળ્યુ છે કે આરોપીઓએ ફોન કોલનો અવાજ છોટા શકીલ જેવો જ બનાવવા માટે એક ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો. અગ્રવાલ તરફથી પુનમિયાને આ ફોન કોલ કરવામાં આવ્યો હોય તેવી છાપ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. અગ્રવાલના છોટા શકીલ સાથે ગાઢ સંબંધ હોવાનું સાબિત કરવા માટે આવું કરવામાં આવી રહ્યું હતું.
વેપારીની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો હતો
શ્યામ સુંદર અગ્રવાલે ફરિયાદ નોંધાવ્યા બાદ પરમબીર સિંહ, સંજય પુનમિયા, બિલ્ડર સુનિલ જૈન, બે એસીપી રેન્કના અધિકારીઓ, એક ડીસીપી અને બે પોલીસ ઈન્સ્પેક્ટર સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં મુંબઈની મરીન ડ્રાઈવ પોલીસે પુનમિયા અને જૈનની પણ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં આ મામલાની યોગ્ય તપાસ કરવા માટે SITની રચના કરવામાં આવી હતી. જો કે હાલ આ મામલો CIDને સોંપવામાં આવ્યો છે. જેમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.
પરમબીર સિંહ 50 લાખ વસૂલવાની ધમકી આપતો હતો
વેપારી શ્યામ સુંદર અગ્રવાલે તેમની ફરિયાદમાં કહ્યુ હતુ કે પરમબીર સિંહ અને તેના માણસો તેમને ફસાવવાનું કાવતરુ કરી રહ્યા છે. અગ્રવાલે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમના પર 50 લાખ રૂપિયાની વસૂલાત કરવા અને પ્રોપર્ટી નામ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે. એન્ટિલિયા કેસમાં પરમબીર સિંહની બદલી બાદ અગ્રવાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ સિંહ વિશે ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો : Maharashtra: લગ્ન સમારોહમાં જતા વાહનને નડ્યો અકસ્માત, 4 લોકોના મોત થતા લગ્નમાં માતમ છવાયો