ખમણ બનાવતા બનાવતા ‘લોચો’ વાગી ગયો પણ પછી એ ચાલી ગયો, જાણો ‘સુરતી લોચો’ નામની વાનગી કેવી રીતે શોધાઈ?

જીવનમાં ‘લોચો’ થાય તો શું કરવાનું ? કંઈ નહીં, ચીઝને ડુંગળી લઈ આવવાની, બસ.એક એવો આઈડીયા કે જે કોઈપણ લોચા વખતે તમને 100 ટકા ઉપયોગી થશે, નહીં થાય તો પૈસા પાછા !

ખમણ બનાવતા બનાવતા 'લોચો' વાગી ગયો પણ પછી એ ચાલી ગયો, જાણો 'સુરતી લોચો' નામની વાનગી કેવી રીતે શોધાઈ?
Surti Locho PC- Raajoo Megha

એક એવો આઈડીયા કે જે કોઈપણ લોચા વખતે તમને 100 ટકા ઉપયોગી થશે, નહીં થાય તો પૈસા પાછા ! હા, તો જીવનમાં લોચો (Locho) થાય તો શું કરવું? કંઈ નહીં પહેલા ચીઝ લઈ આવવાનું એકાદ કાંદો, એટલે કે ડુંગળી
થોડી સેવ સેઝવાન સોસ હોય તો જરા મજા રહેશે, એક મિનિટ. ભાઈ તમને થશે કે લેખક ભાંગ-બાંગ પી ગયા લાગે છે. જીવનમાં લોચાની વાતમાં સેઝવાન સોસને, કાંદાને ચીઝ ક્યાંથી આવી ગ્યા? પણ મેં કોઈ લોચો નથી માર્યો જરા સમજો. હું તમને કંઈ જીવનમાં તમે મારેલા લોચામાં શું કરવું એનું જ્ઞાન આપવા નથી આવ્યો.

હું તો તમને સુરતી લોચો નામની વાનગી કેવી રીતે શોધાઈ, એ કેવી રીતે બનશે? ખમણમાં અને એમાં શું ફેર? એની મજેદાર ચટપટી વાત કરવા આવ્યો છું, બાકી તમને તો ખબર છે જ કેવા કેવા લોચા જીંદગીમાં પડ્યા કરે છે, ખેર, સુરત તો અસંખ્ય વાનગીઓ માટે જાણીતું છે એ તમે ઘણી વખત વાંચી ગયા હશો પણ એમાંની એક નવી એટલે કે પ્રમાણમાં નવી એવી વાનગી છે, લોચો. હા સુરતમાં લોચો અને ગોટાળો એવું બધું આવ્યા જ કરશે. હુરતી ભાષામાં જ કહું તો ‘ચિંતાની કરવાની, ચાઈલા કરે’

લોચો એટલે શું?

જેમને ખબર છે કે લોચો શું છે? એ લોકો બે મિનિટનું મૌન ધારણ કરે. અદબ-પલાઠી-મોં પર આંગળી. Ok. જેમને નથી ખબર એમને સાદી રીતે સમજવું હોય તો એમ સમજો કે ખમણનો નાનો ભાઈ. સગ્ગા માસીનો દિકરો. આ ઈડદા-બીદડા, ઢોકળાએ બધા પાછા મામા-ફોઈના દિકરા થાય. ટૂંકમાં સગામાં થાય એમ માનો ને. હા, તો લોચો થયો કેવી રીતે? એટલે કે બન્યો કેવી રીતે, શોધાયો કેવી રીતે?

લોચાની શોધ કેવી રીતે થઈ?

જે વાત પ્રચલિત છે એ મુજબ વાત જાણે એમ બની કે એક ખમણના શોખીન ભાઈ સુરતમાં કોઈ ખમણવાળાને ત્યાં સવાર સવારમાં ત્રાટક્યા અને કહે ખમણ લાવો. ખમણ બમણ હજી તૈયાર નહોતા બધું રમણભમણ હશે. એમાં પેલાએ વધુ ઉતાવળ કરી તો દુકાનદારે વહેલા વહેલા ખીરું સ્ટીમરમાં ચડાવી દીધું એમાં જરા પાતળું રહી ગયું, ઉપરથી પેલો રાહ જોતો નહોતો એટલે 7-8 મિનિટમાં ઉતારી લીધું એમાં ઢીલા ઢફ ખમણ બહાર આવ્યા.

ચોસલા બોસલા પડે એવું નહોતું. ભાઈએ તેલની ટબૂડી ઉંધી વાળી, ચાટ મસાલો નાખીને ગ્રાહકને ધરી દીધા. પેલો પણ મારી જેવો ઊંઘી ખોપડીનો માણસ હશે, એને તો ભાવી ગ્યા. એણે વખાણ્યા. દુકાનદારની હિંમત વધી એણે આ પ્રયોગ ચાલુ રાખ્યો, બીજાને ફ્રીમાં ચખાડતા ચખાડતા લોચો ચાલી ગયો. આમ ખરેખર ખમણ બનાવતા લોચો વાગી ગયો પણ પછી એ ચાલી ગયો.

લોચો બનાવાય કેવી રીતે?

સામાન્ય રીતે ખમણ બનાવતા આવડતું હોય તો લોચો બનાવવો કંઈ અઘરો નથી. ચણાની દાળ, બેસન, દહીં નાખીને આથો આવવા દેવાનો, આ બેટરને ખમણ માટેનું ખીરું બનાવીએ તેના કરતાં થોડું પાતળું રાખવાનું હોય છે. સ્ટીમરને ગેસ પર ગરમ કરી લો. ફ્લેમ મીડિયમ રાખવી, સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરીને તેમાં લોચા માટેનું બેટર પાથરી દો.

ખમણ કરતાં લગભગ અડધા સમયમાં મોટેભાગે 7-8 મિનિટમાં એ તૈયાર થાય એટલે એમાં લોચાનો મસાલો, તેલ કે બટર નાખી દો. આ તો થયો બેઝીક લોચો. આની ઉપર તમે ચીઝ, સેઝવાન સોસ, ડુંગળી, સેવ સહિત જે તમારી પસંદગીના જે ટોપિંગ્સ ઉમેરવા હોય એ ઉમેરી શકો.

કેટલી જાતના લોચા? ક્યાં ક્યાં મળે ?

મગજ બહેર મારી જાય એટલી જાતના લોચા આવવા માંડ્યા છે ભાઈ. 40-45 જાતની વેરાયટી મળે છે એમાં કંઈ ગ્રીન ગાર્લિક લોચો, ચીઝ બટર, લસણીયા, ઈટાલિયન, પાઉંભાજી લોચો, પીઝા લોચો, ક્રિમ ઓનિયન લોચો અને એક મિનિટ બધું લિસ્ટને મેનુ અહીં જ વાંચી લેવું છે? દુકાન બુકાનમાં તપાસ કરો, થોડી. લોચાની શરૂઆત સુરતથી થઈ છે એટલે સુરતમાં અને હવે અમદાવાદમાં પણ 2-3 ઠેકાણે મળતો થયેલો જાનીનો લોચો ‘જાનીતો’ છે, એ સિવાય ગોપાલ અને સુરતી લોચો, રાધેનો પણ લોચો લોકો બે હાથે ખાય છે.

સુરત સિવાય અમદાવાદ, નવસારી, બારડોલી, વલસાડ વગેરેમાં પણ મળતો થયો છે. જોકે એવું કહેવાય છે કે એના માટે પાણી પણ સુરતનું જ જોઈએ. બીજા શહેરના પાણીથી એ ઓરીજીનલ જેવો બનતો નથી અને હા, આ લેખની શરૂઆતમાં પૈસા પાછા આપવાની ગેરંટી આપી છે, એ પૈસા પાછા કોઈ આપવાનું નથી, લીધા જ નથી તો પાછા ક્યાંથી આપે? આ તો શું કે પૈસા પાછા આપવાની વાત આવે તો તમને જરા લેખમાં વધારે જ્યુસ પડે, એમ. બાકી બીજું કંઈ નહીં, ખ્યાલ આયો?

 

આ પણ વાંચો: બોલો, સમોસા ત્રિકોણ જ કેમ આવે ? સમોસા ભાવતા હોય તો આ લેખ તમારે વાંચવો જોઈએ, ન ભાવતા હોય તો ખાસ વાંચવો જોઈએ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati