RCB vs RR વચ્ચે આજે દિવસે મુકાબલો, વિરાટ કોહલીને હશે આ વાતની ચિંતા તો રાજસ્થાનને મિડલ ઓર્ડર પર ફોકસ જરુરી
ભારતીય ટી-20 લીગની 13મી સિઝન માટેની 15મી મેચ શનિવારે અબુધાબીમાં રમાનારી છે. શેખ ઝાયદ સ્ટેડીયમમાં દિવસે રમાનારી આ મેચ બપોરે 3.30 કલાકે ભારતીય સમય મુજબ રમાશે. પાછળની મેચ વિરાટ કોહલી અને તેની ટીમ માટે એક રીતે સબક રુપ મેચ હતી. તે મેચમાં તેમણે અનેક ભૂલો કરી હતી, પરંતુ આ ભૂલો છતાં પણ નસીબના જોરે તેઓ […]

ભારતીય ટી-20 લીગની 13મી સિઝન માટેની 15મી મેચ શનિવારે અબુધાબીમાં રમાનારી છે. શેખ ઝાયદ સ્ટેડીયમમાં દિવસે રમાનારી આ મેચ બપોરે 3.30 કલાકે ભારતીય સમય મુજબ રમાશે. પાછળની મેચ વિરાટ કોહલી અને તેની ટીમ માટે એક રીતે સબક રુપ મેચ હતી. તે મેચમાં તેમણે અનેક ભૂલો કરી હતી, પરંતુ આ ભૂલો છતાં પણ નસીબના જોરે તેઓ મુંબઈ ઈન્ડિયન્સને હરાવવામાં સફળ થયા હતા. ટીમ દ્વારા મુંબઈ સામેની મેચમાં કેટલાક કેચ છોડ્યા હતા અને મેચ બાદ આ વાત પણ કોહલીએ સ્વીકારી હતી અને કહ્યુ હતુ કે જો કેચ ઝડપ્યા હોત તો સુપર ઓવર રમવી ના પડી હોત. જો કે જીતને લઈને બેંગ્લોરને ચોક્કસ પણે આત્મવિશ્વાસ વધ્યો હશે. જે આત્મવિશ્વાસનો ઉપયોગ હવે રાજસ્થાન રોયલ્સ સામે કરાશે. રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં એક સારા ફોર્મમાં ચાલી રહી છે. તેને ભલે પાછળની મેચમાં હાર મળી હોય પરંતુ તે હારના કારણે રાજસ્થાનનો આત્મવિશ્વાસ સહેજ પણ ડોલ્યો નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કારણ કે એ હાર અગાઉ જે પ્રમાણે અગાઉ રાજસ્થાને પ્રદર્શન કર્યુ છે તે શાનદાર છે. ટીમની બેટીંગ લાઈન એકદમ ફોર્મમાં છે, જોકે ઉપરના ક્રમમાં સંજુ સૈમસન અને કેપ્ટન સ્ટીવ સ્મિથનું બેટ ચાલી રહ્યુ છે. જોસ બટલરે પણ કલકતા નાઈટ રાઈડર્સ સામે બતાવી દીધુ હતુ કે સારી રમત તેમનાથી દુર નથી. રાજસ્થાન માટે સવાલ એ છે કે આ ત્રણેય પછી કોણ. એક મેચમાં તો જો કે રાહુલ તેવટીયાએ એક જ ઓવરમાં પાંચ છગ્ગા લગાવીને ટીમને હારથી બચાવી લીધી હતી. જોકે આ પ્રકારના ચમત્કાર વારંવાર સર્જાતા હોતા નથી. રોબીન ઉત્થપ્પા અત્યાર સુધી ખાસ સફળ રહ્યો નથી. યુવાન રિયાન પરાગનું બેટ પણ જોઈએ તેવુ ચાલતુ નથી અને રન નિકાળતુ નથી. પાછળની મેચમાં ટોમ કરને ભલે અડીધી સદી ફટકારી હતી, પરંતુ તે એકલો જ રહી ગયો હતો. આમ સરવાળે છેલ્લે વિચારીએ તો રાજસ્થાનને બેટીંગ લાઈનમાં મધ્યમ અને નિચલા ક્રમે એક મજબુત બેટ્સમેન જોઈએ છે. બોલીંગમાં પણ જોફ્રા આર્ચર અને કરન બંને કેટલીક હદ સુધી સારુ કરી શકે છે અને સાચી વાત પણ એ જ છે કે તેમની પર જ ભાર છે.
અગાઉની સિઝનોમાં બેંગ્લોર કોહલી અને એબી ડીવીલયર્સ પર વધારે નિર્ભર રહેતી હતી. જોકે આ સિઝનમાં દેવદત્ત પડિક્કલ અને એરોન ફિંચે આ ભાર હવે પોતે સાચવી લીધો છે. પડિક્કલ આ સિઝનમાં બે અડધી સદી લગાવી ચૂક્યો છે અને ફિંચ એક જ્યારે ડિ વિલીયર્સે પણ ગઈ મેચમાં અડધી સદી લગાવી હતી, માત્ર અને માત્ર વિરાટ કોહલી જ ચાલી રહ્યો નથી. રાજસ્થાન રોયલ્સ સામે એક સારી રમત દાખવીને પોતાના શાંત બેટને ફરીથી ઉગામવા અને સિઝનના પોતાની પરના ટોણાંને દુર કરવા મથશે. બોલીંગમાં નવદિપ સૈનીએ ખુબ જ પ્રભાવિત કર્યા છે. જો કે ઝડપી બોલરોમાં તેમને કોઈ જ સારો બોલર જોડીદાર તરીકે મળ્યો નથી. ડેલ સ્ટેન કારગર નિવડ્યો નહીં તો ઈસુરુ ઉડાનાને પાછળની મેચમાં મોકો મળ્યો હતો. ઉડાનાએ ચાર ઓવરોમાં 45 રન આપીને બે વિકેટ ઝડપી હતી. રાજસ્થાન માટે જોકે ખતરો યુઝવેન્દ્ર ચહલ રહેશે એમ લાગી રહ્યુ છે. ગઈ મેચમાં પણ કોહલીએ બે લેગ સ્પીનર મેદાનમાં ઉતાર્યા હતા, જેથી એડમ ઝમ્પાને મોકો મળ્યો હતો. આ મેચમાં પણ આ જ સંયોજન રહેશે કે કેમ તે તો બપોરે જ મેચ શરુ થવા સમયે સામે આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો