ગુજરાતમાં X, Y, Z કેટેગરીના ઉચ્ચ સ્તરીય સુરક્ષા ઘેરા ધરાવનારા VVIP ઓની સંખ્યામાં થયો વધારો!
ઉચ્ચ શ્રેણીની સુરક્ષા ફાળવવા માટે રિવ્યૂ સમિતિની બેઠક યોજાતી હોય છે અને જેના અભિપ્રાય મુજબ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સલામતી વ્યવસ્થા ફાળવવામાં આવતી હોય છે. હાલમાં X,Y,Z અને Z+ કેટેગરી ધરાવતા મહાનુભાવોની સંખ્યામાં ગત વર્ષ કરતા વધારો નોંધાયો છે.
ગુજરાતમાં VVIP ઓને સુરક્ષાને લઈ પ્રતિ વર્ષ રિવ્યૂ કરવામાં આવતો હોય છે. મહાનુભાવોને જોખમની સ્થિતિ અંગે જાણકારી તમામ પાસાઓથી મેળવ્યા બાદ તેમની સુરક્ષામાં વધારો અને ઘટાડો કરવામાં આવતો હોય છે. આ માટે રિવ્યૂ સમિતિની બેઠક યોજાતી હોય છે અને જેના અભિપ્રાય મુજબ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સલામતી વ્યવસ્થા ફાળવવામાં આવતી હોય છે. હાલમાં X,Y,Z અને Z+ કેટેગરી ધરાવતા મહાનુભાવોની સંખ્યામાં ગત વર્ષ કરતા વધારો નોંધાયો છે.
રાજ્યમાં સ્ટેટ અને સેન્ટ્રલ એમ બંને સ્તરેથી સુરક્ષા વ્યવસ્થા VIP વ્યક્તિઓને ફાળવવામાં આવતી હોય છે. કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પણ કેટગરી મુજબ સુરક્ષા વ્યવસ્થા ફાળવવામાં આવતી હોય છે, આવી જ રીતે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા ફાળવવામાં આવતી હોય છે. આ માટે અભિપ્રાય બાદ રાજ્યના ગૃહ પ્રધાન આખરી નિર્ણય કરતા હોય છે.
70 VIP ઓને ઉચ્ચ શ્રેણીની સુરક્ષા
રાજ્યમાં ઉચ્ચ શ્રેણીની સુરક્ષા વ્યવસ્થા મેળવનાર વ્યક્તિઓમાં વધારો થયો છે. આ પ્રકારની સલામતી વ્યવસ્થા ધરાવતી યાદીમાં સૌથી વધારે ન્યાયધીશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રિવ્યૂ સમિતિની બેઠકમાં આ યાદી તૈયાર કરવામાં આવતી હોય છે. જે મુજબ અગાઉ 33 ન્યાયધીશોને ઉચ્ચ સ્તરીય સુરક્ષા આપવામાં આવતી હતી, જે હવે વધીને 37 થઈ છે. આમ કુલ 70 મહાનુભાવો અને જજની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે.
ગત વર્ષે આ આંકડો 67 હતો. રાજ્યમાં 67 વ્યક્તિઓને આ પ્રકારે ઉચ્ચ શ્રેણીની સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવામાં આવતી હતી. પરંતુ હવે સલામતીની સમિક્ષા મુજબ હવે આ સંખ્યામાં વધારો થયો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સલામતીના કારણો સર પ્રતિ વર્ષ આ માટે રિવ્યૂ બેઠક યોજીને વિભાગની અલગ અલગ એજન્સીઓ મારફતે વિગતો એકઠી કરીને સલામતી અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે.
Z+ કેટેગરી સુરક્ષા 6 મહાનુભાવો ધરાવે છે
રાજ્યમાં Z+ કેટેગરી ધરાવતા મહાનુભાવોની સંખ્યા 6 છે. આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ મજબૂત હોય છે. Z+ ની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ધરાવતા મહાનુભાવોમાં રાજ્યના મુખ્ય પ્રધાન અને ગવર્નરનો સમાવેશ થતો હોય છે. આ ઉપરાંત પદ અને સલામતીના આધાર પર આ લોખંડી સુરક્ષા ફાળવવામાં આવતી હોય છે. Z સુરક્ષા શ્રેણી ધરાવતા વ્યક્તિઓની સંખ્યા 8 છે. જ્યારે Y કેટેગરીની સુરક્ષા મેળવનાર મહાનુભાવોની સંખ્યા સૌથી વધુ છે, આ યાદીમાં રાજ્યના 46 મહાનુભાવોનો સમાવેશ થાય છે. જ્યારે X કેટેગરી ધરાવતા વ્યક્તિઓની સંખ્યા 10 છે. જેમાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે.
પ્રફુલ પટેલને કેન્દ્રિય સુરક્ષા ઘેરો
રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન અને હાલમાં લક્ષદ્વીપ અને દીવ-દમણ, દાદરાનગરના પ્રશાસક પ્રફુલ પટેલને કેન્દ્રીય ઉચ્ચ સુરક્ષા શ્રેણી ફાળવમાં આવેલી છે. તેમને પાયલોટ અને એસ્કોર્ટ સહિત 2 પર્સનલ સિક્યુરિટી ઓફિસર રાઉન્ડ ધ ક્લોક સાથે Y+ શ્રેણી ફાળવવામાં આવી છે. આમ તેમની સાથે ચાર થી પાંચ જેટલા વાહનોનો કાફલો તેમની કોન્વેમાં સામેલ રહે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓના જવાનો અને અધિકારીઓ સાથે ગુજરાત પોલીસનો કાફલો તેમના ઘેરામાં સામેલ રહેતો હોય છે.