યુરોપમાં 40 ડિગ્રી તાપમાનમાં રસ્તા તુટી જાય છે, જ્યારે ભારતમાં 45 ડિગ્રી ગરમીમાં પણ રસ્તા કેમ એવાને એવા જ રહે છે ?
આ વર્ષે યુરોપમાં ભારે ગરમી પડી રહી છે. ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચતા જ અનેક સમસ્યાઓ સર્જાઈ છે. જો કે, આ વર્ષે ભીષણ ગરમીમાં રસ્તાઓ પરનો ડામર પીગળી ગયાના વીડિયો વાયરલ થયા છે. આવા સંજોગોમાં ભારતમાં રહેનારા સૌ કોઈને એ પ્રશ્ન થાય કે ભારતમાં ઉનાળામાં પડતી 45 ડિગ્રી ગરમીમાં રોડ પરનો ડામર ઓગળતો નથી અને યુરોપમાં કેમ 40 ડિગ્રી ગરમીમાં રસ્તા પરનો ડામર પીગળવા લાગે છે ?

તાજેતરમાં યુરોપના અનેક દેશોમાં પડતી હીટવેવ વચ્ચે રસ્તાઓમાં તિરાડો પડવા, રોડ પરની સપાટી ઉખડી જવાની અને ડામર પીગળવા જેવી ઘટનાઓ સામે આવી રહી છે. બીજી તરફ ભારતમાં ભર ઉનાળામાં 45 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ તાપમાન રહેવા છતાં મોટાભાગના રસ્તાઓને કાંઈ થતુ નથી. 45 ડિગ્રી ગરમીમાં પણ ભારતના રોડ સામાન્ય રીતે ઉપયોગમાં રહે છે. આ પાછળનું મુખ્ય કારણ રસ્તાઓના બાંધકામમાં અપનાવવામાં આવતી ઇજનેરી અને સ્થાનિક હવામાનને અનુરૂપ સામગ્રી હોવાનું છે.
યુરોપના રસ્તા ઠંડીને ધ્યાને લઈને બનાવાય છે
યુરોપના મોટાભાગના દેશોમાં શિયાળામાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી જાય છે. આવી પરિસ્થિતિમાં રસ્તાઓમાં ઉપયોગમાં લેવાતું ડામર (બિટુમેન) નરમ અને લવચીક રાખવામાં આવે છે. જેથી ભારે ઠંડી અને હિમવર્ષામાં રસ્તા પર તિરાડ ના પડે કે રસ્તાઓ તુટી ના જાય.
પરંતુ જ્યારે તાપમાનનો પારો 35 થી 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ ઉચકાય છે ત્યારે આ નરમ બિટુમેન ગરમીના કારણે નરમ પડી શકે છે. પરિણામે રસ્તાઓ પર ખાડા, ઊંચા-નીચા રોડ, તિરાડ પડવી અને સપાટી પરનો ડામર નબળો પડીને ઓગળતો હોવાનું જોવા મળે છે.
ભારતના રસ્તા ગરમીને ધ્યાનમાં રાખીને તૈયાર થાય છે
ભારતમાં સામાન્ય રીતે છ મહિના જેટલો સમય ગરમી રહે છે. તેમાય ઉનાળામાં લાંબા સમય સુધી ભારે ગરમી રહેતી હોવાથી અહીંના રસ્તાઓમાં વધુ કઠોર અને ઊંચા તાપમાનને સહન કરી શકે તેવા VG-ગ્રેડ બિટુમેનનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત રસ્તાઓના બાંધકામમાં મોટા અને મજબૂત એગ્રીગેટ્સ ( કપચી અને પથ્થર) વપરાતા હોવાથી રસ્તાની સપાટી વધુ મજબૂત બને છે.
આ કારણે ભારતીય રસ્તાઓ 45 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ તાપમાનમાં પણ પોતાની મજબૂતી જાળવી રાખવામાં સક્ષમ રહે છે અને ભારે વાહનવ્યવહારનો ભાર પણ સહન કરી શકે છે.
સ્થાનિક હવામાન અનુસાર બદલાય છે રોડ ઇજનેરી
માર્ગ નિર્માણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વિશ્વમાં કોઈ પણ સ્થળે રસ્તા માત્ર વાહનવ્યવહારને ધ્યાને રાખીને બનાવવામાં આવતા નથી, પરંતુ જે તે સ્થળના સ્થાનિક હવામાન, વરસાદ, ઠંડી, ગરમી અને વાહનવ્યવહારના ભારને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવે છે. એટલે જ યુરોપના રસ્તા કડકડતી ઠંડી સામે વધુ સક્ષમ હોય છે, જ્યારે ભારતના રસ્તા તીવ્ર ગરમીનો સામનો કરવા માટે વધુ અનુકૂળ સાબિત થાય છે.
