President Of India: શું તમને ખબર છે ભારતમાં રાષ્ટ્રપતિને કેટલો પગાર અને કેવા પ્રકારની સુવિધા મળે છે, જાણો
ભારતના રાષ્ટ્રપતિ પદની (President of India) ચૂંટણી માટે લગભગ 24 કલાક બાકી રહ્યા છે. 18મી જુલાઇના વોટિંગ પછી 21મી જુલાઇએ ખબર પડશે કે આપણા દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે. નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લેશે.

ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લગભગ 24 કલાક બાકી છે. 18મી જુલાઇના મતદાન બાદ 21મી જુલાઇએ ખબર પડશે કે આપણા દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે. નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લેશે. આવામાં હવે ભારતના રાષ્ટ્રપતિ (President of India) વિશે એવી વાતો જણાવીએ છીએ, જેના વિશે લોકો ઓછા જાણે છે. રાષ્ટ્રપતિને દેશના પ્રથમ નાગરિક ગણવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ ત્રણેય સેવાઓ (આર્મી, વાયુસેના, નેવી)ના સુપ્રીમ કમાન્ડર છે. રાષ્ટ્રપતિ (President) દેશની સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. મહત્વનું વ્યક્તિત્વ હોવાથી રાષ્ટ્રપતિને અનેક સુવિધાઓ મળે છે. શું તમે જાણો છો દેશના રાષ્ટ્રપતિને કેટલો પગાર મળે છે? આ સિવાય તેમને બીજી કઈ સુવિધાઓ અને લાભો મળે છે?
ભારતના રાષ્ટ્રપતિ ક્યાં રહે છે?
ભારતના રાષ્ટ્રપતિ રાયસીના હિલ્સમાં બનેલા વિશ્વના સૌથી મોટા રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે. રાષ્ટ્રપતિ ભવનની 4 માળની બિલ્ડીંગમાં કુલ 340 રૂમ છે. લગભગ 2.5 કિમીનો કોરિડોર છે અને 190 એકરમાં ફેલાયેલું વિશાળ ગાર્ડન છે. આ ખાસ અને ઐતિહાસિક ઈમારતમાં ઘણા મોટા હોલ, ગેસ્ટ રૂમ અને ઓફિસ પણ છે.
રાષ્ટ્રપતિને મળે છે કેટલી સેલેરી?
વેબસાઈટ ઈન્ડિયા ડોટ કોમમાં પ્રકાશિત સમાચાર મુજબ દેશના રાષ્ટ્રપતિ પાસે પાંચ લોકોનો સેક્રેટેરિયલ સ્ટાફ હોય છે. આ સિવાય 200 અન્ય લોકો રાષ્ટ્રપતિ ભવનની દેખરેખમાં તેમની જવાબદારી સંભાળે છે. ભારતના રાષ્ટ્રપતિ અને તેમના જીવનસાથી (પતિ અથવા પત્ની) દુનિયામાં ગમે ત્યાં મફત મુસાફરી કરી શકે છે. ભારત સરકાર રાષ્ટ્રપતિના રહેવા માટે, તેમના સ્ટાફ અને મહેમાનોના સ્વાગત માટે લગભગ 2.25 કરોડ રૂપિયા દર વર્ષે ખર્ચ કરે છે. રાષ્ટ્રપતિને દર મહિને લગભગ પાંચ લાખ રૂપિયાનો પગાર મળે છે. મહામહિમ રાષ્ટ્રપતિને બીજી ઘણી સુવિધાઓ પણ મળે છે, જેમાં તેમને જીવનભર મફત તબીબી, ઘર અને સારવારની સુવિધાઓ પણ મળે છે.
રાષ્ટ્રપતિની ગાડીઓ અને હોલિડે રીટ્રીટ
ભારતના રાષ્ટ્રપતિ બ્લેક મર્સિડીઝ બેન્ઝ S600 (W221) પુલમેન ગાર્ડમાં સવારી કરે છે. આ સિવાય તેમની પાસે ઓફિશિયલ પ્રવાસો માટે લાંબી બખ્તરવાળી લિમોઝીન પણ હોય છે. રાષ્ટ્રપતિ પાસે રજાઓ માટે બે શાનદાર હોલિડે રીટ્રીટ પણ છે. જેમાંથી એક હૈદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમ અને બીજી શિમલામાં સ્થિત રીટ્રીટ બિલ્ડીંગ છે. જ્યાં તે પોતાના પરિવાર સાથે જઈ શકે છે.



