જ્વાળામુખી ફાટ્યો ઈથોપિયામાં, રાખના વાદળો છવાયા ભારતમાં ! વિમાની સેવા ખોરવાઈ
ઇથોપિયામાં 12000 વર્ષ જૂનો જ્વાળામુખી ફાટ્યો છે. જેના રાખના વાદળો ભારત તરફ આવી રહ્યા છે. જ્વાળામુખીની રાખના વાદળોને ધ્યાને લઈને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ સંભવિત કટોકટીની સલાહ જાહેર કરી છે, જેના કારણે દિલ્હી અને જયપુર સહિત અનેક શહેરોને સાંકળતી હવાઈ સેવા ખોરવાઈ ગઈ છે. જવાળામુખીના રાખના કારણે વિઝિબિલીટિ ઓછી થઈ ગઈ છે અને વિમાની મુસાફરોને વધુ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

ગત રવિવારે ઇથોપિયામાં 12000 વર્ષ જૂનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. જ્વાળામુખી ફાટી નીકળ્યા બાદ તેના વિસ્ફોટનો ધુમાડો 15 કિલોમીટરની ઊંચાઈએ પહોંચીને, રાતો સમુદ્ર પાર કરીને યમન અને ઓમાન સુધી ફેલાઈ ગયો. જ્વાળામુખીનો ધુમાડો અને રાખ ઝડપથી ભારત તરફ આગળ વધી રહી છે, જેના કારણે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ચેતવણી જાહેર કરી છે.
ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ઓમાન ઉપર જ્વાળામુખીની રાખના વાદળો જોવા મળતા, વિમાની સેવાને લઈને સલાહ આપવામાં આવી છે. જેમાં સંભવિત કટોકટીની કામગીરીની સલાહ આપવામાં આવી છે. જવાળામુખીની રાખના વાદળો કારણે વિમાની ઉડ્ડયન ક્ષેત્ર ઉપર વિક્ષેપ પડી રહ્યો છે.
સતર્ક રહેવાની સલાહ
ઇથોપિયન જ્વાળામુખી ફાટવાની ઘટના અંગે વધુ વિગતો હજુ સુધી સામે આવી નથી. ગત રવિવારે જવાળામુખી અચાનક ફાટ્યો હતો. અત્યાર સુધી, કોઈ ઈજા કે મૃત્યુના અહેવાલ નથી. જોકે, લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે, ખાસ કરીને શ્વસન રોગોથી પીડાતા લોકોને.
વિજિબિલિટીમાં ઘટાડો
ઇથોપિયોના જ્વાળામુખીની રાખ ભારત પહોંચવાની ધારણા છે. આ જ કારણ છે કે દિલ્હી અને જયપુર જેવા વિસ્તારોમાં ફ્લાઇટ્સ પર નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્વાળામુખી ફાટવાના કારણે સોમવારે કોચી એરપોર્ટથી રવાના થનારી બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. રાખનો થર ઝડપથી પૂર્વ તરફ એટલે કે ભારત તરફ આગળ વધી રહ્યા છે, જે 25,000 અને 45,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા છે.
ઇથોપિયન જ્વાળામુખી ફાટવાથી હવામાં ઉડતી રાખનો વાદળ સોમવારે રાત્રે ઉત્તરપશ્ચિમ ભારતના મોટા ભાગોમાં ફેલાઈ ગયા છે. જે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી-એનસીઆર અને પંજાબને પાર કરી ગયા છે. આનાથી વિજિબિલિટી ઓછી થઈ ગઈ અને ઉપખંડમાં પૂર્વ તરફ આગળ વધતાં હવાઈ સેવા ખોરવાઈ ગઈ છે.
ડીજીસીએએ એડવાઈઝરી જાહેર કરી
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ એક એડવાઈઝરી જાહેર કરીને જણાવ્યું હતું કે જ્વાળામુખીની રાખથી પ્રભાવિત વિસ્તારો અને ફ્લાઇટ સ્તરને સંપૂર્ણપણે ટાળવું જરૂરી છે. પાઇલટ્સને એન્જિનના કોઈપણ અસામાન્ય વર્તન અથવા કેબિનમાં ગંધ જણાય તો તાત્કાલિક જાણ કરવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે ડિસ્પેચ ટીમોને રાતભર NOTAM, ASHTAM અને હવામાન અપડેટ્સ પર નજર રાખવાની સૂચના આપવામાં આવી હતી.
દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.