શું છે ‘ડ્રીમ અમેરિકા’? જેના માટે જીવનું જોખમ ખેડવા તૈયાર થઈ જાય છે ભારતીયો… US માં કઈ હાલતમાં રહે છે આ લોકો ?
અમેરિકામાં રહેતા ભારતીયોની વાત કરીએ તો બે તસવીર સામે આવશે. એક ઝાકમઝોળ વાળી તસવીર. જેમા ભારતીયોનું નામ સૌથી વધુ ભણેલા-ગણેલા ઈમિગ્રન્ટ્સમાં આવે છે. તેમની કમાણી પણ આમ અમેરિકન કરતા બમણી છે. તો સિક્કાની બીજી બાજુમાં એ ભારતીયો પણ છે, જેઓ ચોરી, છુપીથી US પહોંચે છે. ન તેમની પાસે દસ્તાવેજ છે કે ના તો સન્માનભેર જીવી શકે એવી જિંદગી. વર્તમાનમાં અમરેકિાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને બહારનો રસ્તો બતાવવાનું શરૂ કર્યુ છે.

મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી અમેરિકામાં સૌથી વધુ ભારતીયો ગેરકાયદે રીતે રહે છે. વર્ષ 2019 થી 2022 સુધીનો ડેટા આપતા પ્યુ રિસર્ચ સેન્ટરે જણાવ્યું કે દેશમાં લગભગ 7.25 લાખ ભારતીયો દસ્તાવેજ વિના રહી રહ્યા છે. તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવે છે અને અડધા વેતન પર કામ કરે છે જેથી તેઓ રોજ ડ્રીમ અમેરિકાનું સપનું જીવી શકે. જો કે હવે નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘૂસણખોરોને બહારનો રસ્તો બતાવવાની ઝુંબેશ આદરી છે જે અંતર્ગત તેમને તેમના દેશમાં ડિપોર્ટ કરશે.
અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોની સંખ્યા અંદાજે 7,25,000 છે. આ એવા લોકો છે જેઓ કેટલાય વર્ષોથી ત્યાં રહે છે જેથી એક દિવસ તેમને નાગરિક્તા મળી શકે અથવા તેમના બાળકો અમેરિકન બની શકે. આ પહેલા પણ ઘણા અમેરિકન નેતાઓ ઘૂસણખોરી વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા છે. પરંતુ ડિપોર્ટેશન નો(દેશનિકાલનો) ખતરો અત્યાર જેટલો પહેલા ક્યારેય જોવા નથી મળ્યો.
ટ્રમ્પ પ્રશાસને સત્તામાં આવતાની સાથે જ ડબલ ગણિત ગણવાનું શરૂ કર્યુ છે. ગેરકાયદે રહેતા ઘૂસણખોરોમાં અનેક ભારતીયો પણ સામેલ છે. જેમને પણ ડિપોર્ટ કરવાની તૈયારી ટ્રમ્પ પ્રશાસને કરી લીધી છે. US ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (ICE) અનુસાર લગભગ 18 હજાર ભારતીયો એવા છે જેમની પાસે દસ્તાવેજ નથી તેમની પણ ઈન્ડિયા વાપસી શકે છે.
ડ્રીમ અમેરિકા એ કોણીએ લગાવેલો ગોળ
ડ્રીમ અમેરિકા એ કોણીએ લગાવેલો ગોળ છે. જેને ચાખવા માટે વિશ્વભરમાંથી લોકો ઉમટી રહ્યા છે. સહુને એવુ લાગે છે કે આ દેશ અનેક સંભાવનાઓથી ભરેલો છે. જ્યાં કોઈ ભેદભાવ વિના દરેકને રહેવા-ખાવા-પીવા અને આગળ વધવાની તક મળશે. આ જ અમેરિકન સપનાને જીવવા માટે લોકો અનેક તરકીબો અજમાવે છે. જે લોકો કાયદેસર રીતે નથી પહોંચી શક્તા તેઓ ઘૂસણખોરી કરે છે. તેના માટે ડંકી રૂટનો પણ સહારો લે છે. એટલે કે જીવ જોખમમાં મુકીને ચોરની જેમ લપાતા છુપાતા દરિયાઈ માર્ગેથી અમેરિકા પહોંચવાનુ જોખમ પણ અનેક લોકો ખેડે છે.
રસ્તામાં અનેક પ્રકારના જોખમ
અમુક કલાકોનો માર્ગ અનેક સપ્તાહો અને અનેક મહિનાઓ બાદ પુરો થાય છે. આ દરમિયાન કેટલાક તો પહોંચ્યા પહેલા અધવચ્ચે જ દમ તોડી દે છે. ઉદાહરણ તરીકે મેક્સિકો બોર્ડર પર ગુજરાતના મહેસાણાના ડિંગુચા પરિવારના સભ્યો કેનેડા-અમેરિકા બોર્ડરને પાર કરતી વખતે જ મૃત્યુ પામ્યા હતા.
અનેક લોકોને પહોંચાડવાનો દાવો કરતા એજન્ટો પણ અધવચ્ચે દગો દઈ દે છે. જેમતેમ કરીને અમેરિકાની બોર્ડર પર પહોંચી પણ ગયા તો એ ડર તો રહે જ કે ક્યાંક ગાર્ડ્સ પકડી ન લે. જો ગાર્ડે પકડી લીધા તો બધી મહેનત પાણીમાં અને ફરી ડિપોર્ટેશનની ભીતિ રહે છે. આ તો થઈ એક બાજુ, પરંતુ ત્યાં પહોંચ્યા પછી અને અન્ય લોકોની સાથે ભળી ગયા પછી પણ ખતરો સમાપ્ત નથી થતો. પરંતુ એક નવુ યુદ્ધ શરૂ થાય છે જે વધુ જોખમી છે.
ગેરકાયદે રહેનારાની હોય છે આવી દશા
દસ્તાવેજ ન હોવાને કારણે તેમને સીધુ જ કામ નથી મળતુ પરંતુ એજન્ટ જોબ અપાવે છે. સામાન્ય રીતે તેમને મળતુ કામ તેમના કૌશલ્ય મુજબનું ભાગ્યે જ હોય છે. વાત આટલે જ નથી અટકતી. તેમને પગાર પણ ઘણો ઓછો આપવામાં આવે છે અને તેઓ ગેરકાયદે રહેતા હોવાથી તેમની ઓળખ છતી ન થઈ જાય આથી તેઓ ખાસ કોઈ વિરોધ પણ નથી કરી શક્તા. મોટાભાગના ડોક્યુમેન્ટ વિના ઘૂસણખોરી કરીને આવેલા લોકો બાંધકામના કામમાં લાગી જાય છે. જેમા પણ અનેક જોખમ હોય છે.
કામ ઉપરાંત તેમની સોશિયલ લાઈફ પણ ખાસ કંઈ સારી નથી હોતી. ગેરકાયદે રીતે અમેરિકા પહોંચેલા ભારતીયો હંમેશા એવા રાજ્યોમાં જાય છે જ્યાં પહેલેથી ઈન્ડિયન્સ વસેલા હોય છે. તેમને એવી આશા રહે છે કે અરસપરસ વાતચીત થતી રહેશે પરંતુ તેવુ બિલકુલ થતુ નથી, કારણ કે કાયદેસર રીતે પુરા દસ્તાવેજ સાથે આવેલા લોકો તેમની સાથે અંતર રાખે છે. તેમની સાથે વાત કરવાનું પણ ટાળે છે, આથી ગેરકાયદે વસેલા ભારતીયો એકલા પડી જાય છે.
પડોશીઓ સાથે પણ વાત નથી કરતા
વોશિગ્ટનમાં સામાજિક મુદ્દાઓ પર કામ કરનારી થિંક ટેંક ‘સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસ’ ના અનુસાર માત્ર ભારતીયો જ નહીં પરંતુ કોઈપણ દેશમાંથી ગેરકાયદે રીતે અમેરિકા આવેલા લોકો અડોસ પડોસથી પણ બચતા ફરે છે. ત્યાં સુધી કે તેઓ સરકારી અધિકારીઓથી પણ દૂર રહે છે જેથી તેમનો ભેદ ખુલી ન જાય. આ જ કારણ છે કે તેમને સોશિયલ પોલિસીઝનો પણ ખાસ કોઈ લાભ મળતો નથી. ઉદાહરણ તરીકે તબીબી કે અન્ય કોઈ કામમાં મદદ નથી મળતી.
કોઈપણ ગુના માટે તરત ધરપકડ કરી લેવાય છે.
યહુદીઓની સેફ્ટી પર કામ કરનારા સંગઠન સિક્યોર કમ્યુનિટી નેટવર્ક ઘણીવાર બીજા દેશમાંથી આવેલા લોકો પર પણ કામ કરે છે. તેમના જણાવ્યા અનુસાર કોઈપણ નાના-મોટા ગુના પર પોલીસ અધિકારીઓનું ધ્યાન સીધુ એવા લોકો પર જાય છે જેઓ બહારના દેખાતા હોય છે. આવા લોકોને ઘણીવાર પકડી લેવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમને કાયદાકીય મદદ પણ એવી રીતે નથી મળતી જેવી અન્ય સિટિજન્સને કે કાયદેસર રીતે રહેતા લોકોને મળે છે.
ત્યાં સુધી કે ખુદ ક્રાઈમનો શિકાર બને તો પણ તેઓ પોતાના માટે અવાજ નથી ઉઠાવી શક્તા. સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસના જણાવ્યા અનુસાર, આ લોકોને તેમની સાથે કોઈ ગુનાહિત પ્રવૃતિ થાય તો પણ મૌન રહેવુ પડે છે. અથવા તેઓ અમેરિકામાં કાયદેસર રીતે રહેતા લોકોને જાણતા હોય તેવા કોઈને તેની જાણ કરવા કહે છે. ઘણીવાર તો રૂટિન કામો માટે પણ તેમને પરિચિતો પર નિર્ભર રહેવુ પડે છે. તેઓ વર્ષો સુધી આ જ પરિસ્થિતિમાં જીવે છે, જેથી કરીને કોઈ દિવસ તેમને અથવા તો તેમના બાળકોને અમેરિકન નાગરિકનો દરજ્જો મળી શકે. આ માટે તેઓ સામાજિક સંસ્થાઓની મદદ લે છે, પરંતુ તે એટલું સરળ નથી. બીજીતરફ છુપાઈને રહેતા અનેક લોકો મૃત્યુ પણ પામે છે.
અમેરિકામાં દસ્તાવેજ મેળવવા એટલા સરળ નથી. જે લોકો કાનૂની પરવાનગી વિના ત્યાં ગયા હોય છે તેમને ત્યાં રહેવા દરમિયાન ક્યારેય ગ્રીન કાર્ડ મળી શક્તુ નથી. જો કોઈ વ્યક્તિ એક વર્ષથી વધુ સમયથી ગેરકાયદેસર રીતે રહે છે, તો તેના પર 3 વર્ષનો પ્રતિબંધ છે. અને તેનાથી વધુ રોકાયેલા લોકો પર 10 વર્ષનો પ્રતિબંધ છે.
શું ખરેખર સામૂહિક દેશનિકાલ થશે?
ટ્રમ્પે સત્તામાં આવતા પહેલા પણ અમેરિકાના સૌથી મોટા દેશનિકાલની વાત કરી હતી. હવે તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે. લોકોનું વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને રિટર્ન માટેની પ્રાથમિકતા નક્કી કરી શકાય. જોકે આ એટલું સરળ નથી.
પ્રથમ કાર્યકાળમાં ટ્રમ્પે શું કર્યું?
ટ્રમ્પે તેના પ્રથમ કાર્યકાળ દરમિયાન દેશમાંથી અંદાજે 15 લાખ લોકોને દેશનિકાલ કર્યા હતા. જોકે આ તેમના ટાર્ગેટ પ્રોમિસથી અડધા હતા. આપને યાદ અપાવી દઈએ કે એ સમયે રિપબ્લિકન્સે દેશમાંથી 30 લાખ ઈલલિગલ ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાની વાત કરી હતી. ચૂંટણી પહેલા વર્ષ 2019 માં મોટી કાર્યવાહી અને ગેરકાયદે રહેતા લોકોની ધરપકડ પણ થઈ પરંતુ તેનાથી ખાસ કોઈ ફરક પડ્યો ન હતો.
કેટલો ખર્ચ થશે અને કેટલો સમય લાગશે?
લાખો લોકોને ડિપોર્ટ કરવા માટે તગડુ નાણાં ભંડોળ તો ખર્ચાય જ છે સાથોસાથ લોજિસ્ટિક્સ પર પણ કામ કરવું પડે છે. જેમ કે 2016 ની જેમ, યુ.એસ. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (IEC) એ અંદાજ લગાવ્યો હતો કે એક ઈલલિગલ ર ઇમિગ્રન્ટની ધરપકડ, અટકાયત અને દેશનિકાલનો ખર્ચ આશરે $11 મિલિયન હોય છે. આ હિસાબે, જો લાખો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવામાં આવે તો માત્ર 1 મિલિયન પર જ 10.9 બિલિયન ડોલર ખર્ચવા પડશે. એવો અંદાજ છે કે યુ.એસ.માં હાલમાં 11 મિલિયન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે, તેમને દેશનિકાલ કરવાનો ખર્ચ $100 બિલિયનથી વધી શકે છે. થિંક ટેન્ક અમેરિકન એક્શન ફોરમે ડેટા આપતી વખતે એ પણ સ્વીકાર્યું કે આ તમામ ગતિવિધિ માટે ખર્ચ ઉપરાંત 20 વર્ષનો સમય લાગશે.
લોજિસ્ટિકની સમસ્યા તો ખરી જ!
અમેરિકામાં હાલ હજુ એટલા ડિટેન્શન સેન્ટર પણ નથી કે જ્યાં લાખો ગેરકાયદે શરણાર્થીઓને રાખી શકાય. તેમના બાંધકામ અને જાળવણી માટે અલગથી ખર્ચ થશે અને તેમાં સમય પણ લાગશે.
એક કેસ હજાર દિવસ ચાલે છે
દેશનિકાલ પહેલા દરેક કેસ પર કોર્ટ કાર્યવાહી કરવામાં આવે છે. બંને પક્ષોને સાંભળવામાં આવે છે. આ માટે ન્યાયાધીશો, વકીલો અને અન્ય કાયદાકીય જરૂરિયાતો પૂરી કરતા કરતા જ પ્રોસેસ આપોઆપ નબળી પડી શકે છે. ઇમિગ્રેશન કોર્ટમાં દરેક કેસ આશરે 1000 દિવસ ચાલે છે. બાઈડેન પ્રશાસન દરમિયાન, બેકલોગ જ સાડા ત્રણ મિલિયન કેસોની ઉપર ગયો. મતલબ કે હજુ આટલા કેસ તો પેન્ડિંગ છે. જ્યાં સુધી કેસનો નિર્ણય ન આવે ત્યાં સુધી તેઓ અહીં જ રહેશે, જેનો ખર્ચ અમેરિકન સરકારે ઉઠાવવો પડશે.
અનેક દેશો દેશનિકાલ થયેલાને સ્વીકારતા નથી
કેટલાક એવા દેશોમાંથી પણ લોકો ભાગીને અમેરિકા જાય છે જેના અમેરિકા સાથે રાજદ્વારી સંબંધો બહુ સારા નાથી. જેમકે ક્યુબા, વેનેઝુએલા અને રશિયા. આવી સ્થિતિમાં તે દેશો પોતાના લોકોને સ્વીકારવાનો ઇનકાર કરી શકે છે. ત્યારે અમેરિકા પાસે તેમને રાખવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. ટ્રમ્પ સરકાર દરમિયાન દબાણ લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આ દેશોએ ભાગીને ગયેલા લોકોને સ્વીકારવાની ના પાડી દીધી હતી.
અમેરિકાની પોતાની અર્થવ્યવસ્થા પણ ડામાડોળ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અહીં બાંધકામથી લઈને ખેતી સુધીનું ઘણું કામ ગેરકાયદે શરણાર્થીઓના માથે છે. તેઓ સસ્તા મજૂર પણ છે. આ જ કારણ છે કે ઘણી સંસ્થાઓ તેમની વાપસીની વિરુદ્ધ રહી છે, અલબત તેઓ તેમના સ્વાર્થને માનવીય અભિગમનો અંચળો ઓઢાડીને વિરોધ કરે છે.
દેશ અને દુનિયાની આવી જ રોચક માહિતી આપતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો