ઈઝરાયેલના તેલ અવીવમાં આતંકવાદી હુમલો, અંધાધૂંધ ગોળીબારમાં 8ના મોત
ઈઝરાયેલના તેલ અવીવમાં જાફા સ્ટેશન પછી અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. જેમાં 8 લોકોના મોત થયા છે. આ સિવાય ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. આ હુમલો ઈરાનના મિસાઈલ હુમલા પહેલા કરવામાં આવ્યો હતો.
ઈઝરાયેલના તેલ અવીવમાં આતંકી હુમલો થયો છે. અહીં બે અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતુ. જેમાં 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ હુમલામાં અનેક જાનહાનિ થયાના અહેવાલો પણ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ હુમલો જાફામાં સ્ટેશન પાસે કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલ પોલીસ દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં બે બંદૂકધારી ટ્રેનમાંથી નીચે ઉતરતા જોવા મળી રહ્યા છે. પોલીસે બંનેને મારી નાખ્યાં છે.
આતંકી હુમલો, ઈઝરાયેલના સમય મુજબ સાંજે 7 વાગ્યે થયો હતો. જેમાં જાફા નજીકના સ્ટેશન પર અચાનક ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. સુરક્ષા દળોને કંઈક સમજાયું ત્યાં સુધીમાં હુમલાખોરો ઘણા લોકોને ઘાયલ કરી ચૂક્યા હતા. બાદમાં આમાંથી 8 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
ઈઝરાયેલે આતંકવાદીઓને ઠાર કર્યા
તેલ અવીવ પર હુમલો કરનાર બંને આતંકવાદીઓ માર્યા ગયા છે. પોલીસ તપાસમાં વ્યસ્ત છે કે આ આતંકવાદીઓ ક્યાંથી આવ્યા અને તેમનો ઉદ્દેશ્ય શું હતો. હાલ પોલીસ હર્ઝલિયાની એક હોટલમાં આતંકીઓની તપાસ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે. હજુ પણ વધુ આતંકીઓ ઈઝરાયેલમાં છુપાયેલા હોઈ શકે છે.
ઈઝરાયેલને સતત ધમકીઓ મળી રહી હતી
હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહના મોત બાદ ઈઝરાયેલને સતત ધમકીઓ મળી રહી હતી. ઈઝરાયેલમાં આવી જ આતંકવાદી ઘટનાઓને લઈને ચેતવણી આપવામાં આવી રહી હતી. ઇઝરાયલી દળો દ્વારા નાગરિકોને પણ સતત એલર્ટ કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન, આ ઘટના મંગળવારે અચાનક બની હોવાનું કહેવાય છે કે હુમલાની પ્રથમ માહિતી ઇઝરાયેલના સમય મુજબ સાંજે 7 વાગ્યે મળી હતી. આ પછી ઇઝરાયલી દળો સતર્ક થઇ ગયા અને આતંકવાદીઓને ઠાર માર્યા.
આતંકી હુમલા બાદ ઈરાને મિસાઈલ છોડી હતી
ઈઝરાયેલના તેલ અવીવમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઈરાને ઈઝરાયેલ પર અંધાધૂંધ મિસાઈલ છોડી હતી. દાવો કરવામાં આવ્યો છે કે આ મિસાઇલોની સંખ્યા 400થી વધુ હતી. જો કે, ઇઝરાયેલના આયર્ન ડોમે આ તમામ મિસાઇલોનો સામનો કર્યો અને તેમાંથી મોટાભાગની મિસાઇલોને હવામાં જ નષ્ટ કરી દીધી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.