સુદાનમાં પાકિસ્તાની દૂતાવાસ પર ભયંકર હુમલો, સેના અને અર્ધલશ્કરી દળ વચ્ચે 5 દિવસથી લડાઈ યથાવત
પાકિસ્તાન દૂતાવાસના જણાવ્યું છે કે, સુદાનના સશસ્ત્ર દળો અને રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચેની અથડામણ દરમિયાન દૂતાવાસમાં ત્રણ ગોળીઓ વાગી હતી.
સુદાનમાં ભયંકર ગોળીબાર અને તોપમારો થઈ રહ્યો છે. રાજધાની ખાર્તુમ હચમચી ગય છે અને બધી બાજુ ગભરાટનો માહોલ ફેલાયેલો છે. આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ખાર્તુમમાં પાકિસ્તાનના દુતાવાસ પર હુમલો થયો છે. પાકિસ્તાન દૂતાવાસે આ અંગે નિવેદન જાહેર કર્યું છે. સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળ વચ્ચે 5 દિવસથી લડાઈ ચાલી રહી છે.
પાકિસ્તાન દૂતાવાસના જણાવ્યું છે કે, સુદાનના સશસ્ત્ર દળો અને રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચેની અથડામણ દરમિયાન દૂતાવાસમાં ત્રણ ગોળીઓ વાગી હતી. તેના કારણે ચાંસરી બિલ્ડિંગને નુકસાન થયું હતું. વધુમાં જણાવ્યું કે, આ ઘટના વિયેના સંમેલનનું ઘોર ઉલ્લંઘન છે કારણકે સુદાન સરકારની સુંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી હોય છે.
પાકિસ્તાને સંયમ રાખવાની અપીલ કરી
પાકિસ્તાને બંને પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે અને સુદાન સરકારને તેમના દૂતાવાસની સુરક્ષા વધારવા કહ્યું છે. આ સાથે તાત્કાલિક અસરથી સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવા વિંનતી કરવામાં આવી છે. આ ઉપરાંત દૂતાવાસે તમામ પાકિસ્તાનીઓને ઘરમાં જ રહેવાની અને બગડતી સુરક્ષા સ્થિતિને કારણે બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. રાજધાની ખૈર્તુમમાં એક હજારથી વધુ પાકિસ્તાનીઓ રહે છે.
સુદાન હિંસામાં 270 થી વધુ લોકો માર્યા ગયા
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સુરક્ષા દળો વચ્ચેની અથડામણને જોતા હજારો લોકો રાજધાની છોડીને દૂર ભાગી ગયા છે. લડાઈ દરમિયાન, રસ્તાઓ પર મૃતદેહો મળી આવ્યા હતા. સુદાનમાં અત્યાર સુધીમાં 270થી વધુ લોકોના મોત થયા છે. રેપિડ સપોર્ટ ફોર્સના જણાવ્યું છે કે, આગામી 24 કલાક સુધીમાં યુદ્ધવિરામ થશે.
ભારતીયોને સાવચેત રહેવાની સલાહ આપી છે
ખાર્તુમની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે. અનેક જિલ્લાઓમાં ગોળીબારની ઘટનાઓ બની છે. અહીં બોમ્બ ફેંકવામાં આવ્યા છે. તેને જોતા અહીં શાળા, કોલેજ, સરકારી ઓફિસો તમામને તાળા મારી દેવામાં આવ્યા છે. સ્થિતિ વધુને વધુ તંગ બની રહી છે. ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરીને તેના લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. લોકોને ઘરની અંદર રહેવા અને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેનો આ તણાવ આજકાલનો નથી, પરંતુ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. વચગાળાની સરકારની રચના પછી, 2021માં પણ અહીં બળવો થયો હતો. અર્ધલશ્કરી દળો અને સેનાના વિલીનીકરણને લઈને આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જેના કારણે અમુક સમયે હિંસા થતી રહે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…