પાકિસ્તાનની ડૂબતી નાવ સંભાળશે શાહબાઝ શરીફ, જાણો કોણ છે શાહબાઝ ?
નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવમાં ઈમરાન ખાનનો (Imran Khan) પરાજય થયો છે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં 174 મત પડ્યા હતા. આ સાથે જ પાકિસ્તાનના (Pakistan) 23માં વડાપ્રધાન પદ માટે શાહબાઝ શરીફ માટે રસ્તો સાફ થઈ ગયો છે.
પાકિસ્તાનમાં (Pakistan) ઈમરાન ખાનની (Imran Khan) સરકાર પડી ગઈ છે. શનિવાર-રવિવારે રાત્રે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવમાં (NO Confidence Motion) ઈમરાન ખાનનો પરાજય થયો છે. વોટિંગ દરમિયાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના સાંસદો ગૃહની બહાર નીકળી ગયા હતા. તમને જણાવી દઈએ કે, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં 174 મત પડ્યા હતા. આ સાથે જ પાકિસ્તાનના 23માં વડાપ્રધાન પદ માટે શાહબાઝ શરીફ માટે રસ્તો સાફ થઈ ગયો છે. શાહબાઝ શરીફ (Shehbaz Sharif) પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના (Nawaz Sharif) નાના ભાઈ છે અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પાર્ટીના સભ્ય છે.
તમને જણાવી દઈએ કે, શાહબાઝ શરીફે ઈમરાન ખાન વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. તેમના નેતૃત્વમાં સંયુક્ત વિપક્ષે ઈમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષે બહુમત મેળવ્યા બાદ ગૃહને સંબોધતા શાહબાઝ શરીફે કહ્યું કે, અલ્લાહે પાકિસ્તાની લોકોની પ્રાર્થના સ્વીકારી છે. પાકિસ્તાનમાં એક નવી સવારની શરૂઆત થવા જઈ રહી છે. દેશમાં એક નવો દિવસ આવવાનો છે.
કોણ છે શાહબાઝ શરીફ ?
70 વર્ષીય શાહબાઝ શરીફ પાકિસ્તાનના ત્રણ વખતના વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે. તેઓ પાકિસ્તાનમાં મજબૂત નેતા તરીકે ઓળખાય છે. તે તેના ‘કેન ડુ’ અભિગમ માટે જાણીતા છે. પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમનો અભિગમ આખા દેશે જોયો હતો. પાકિસ્તાનના સૌથી વધુ વસ્તી ધરાવતા પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન તરીકે શાહબાઝ શરીફે લાહોરમાં પાકિસ્તાનની પ્રથમ આધુનિક માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સહિત અનેક મોટા પ્રોજેક્ટ અમલમાં મૂક્યા. શાહબાઝ શરીફના પાકિસ્તાન આર્મી સાથે સારા સંબંધો રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તે ભારત તરફ પણ ઝુકાવ ધરાવે છે.
1997માં પંજાબના મુખ્યમંત્રી
શાહબાઝ શરીફનો જન્મ લાહોરના એક ધનાઢ્ય વેપારી પરિવારમાં થયો હતો. તેણે લાહોરમાંથી અભ્યાસ પણ પૂરો કર્યો. બાદમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી શાહબાઝ તેના પારિવારિક વ્યવસાયમાં આવ્યો અને હાલ તે એક પાકિસ્તાની સ્ટીલ કંપનીના માલિક છે. શાહબાઝે પોતાના રાજકારણની શરૂઆત પંજાબ પ્રાંતથી કરી હતી. 1997માં તેઓ પ્રથમ વખત પ્રાંતના મુખ્યમંત્રી બન્યા. જો કે, ત્યારપછી પાકિસ્તાનમાં સૈન્ય બળવો થયો, જેના પછી તેને વર્ષ 2000માં સાઉદી અરેબિયા ભાગી જવું પડ્યું. 2007 માં તેઓ ફરી એકવાર દેશમાં પાછા ફર્યા અને પંજાબથી ફરી એક વખત તેમની રાજકીય યાત્રા શરૂ થઈ.પ્રાંતીય રાજકારણ કરનારા શાહબાઝ શરીફે 2017માં રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ પછી શાહબાઝને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) પાર્ટીના વડા બનાવવામાં આવ્યા. બંને ભાઈઓ પર ભ્રષ્ટાચારના ઘણા આરોપો છે, પરંતુ શાહબાઝને અત્યાર સુધી કોઈ પણ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો નથી.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : Pakistan Political Crisis: શાહબાઝ શરીફે ગૃહમાં કહ્યું, અલ્લાહે પાકિસ્તાની લોકોની પ્રાર્થના સ્વીકારી, એક નવી સવારની શરૂઆત થશે