હાફિઝ સઈદને છોડો, પાકિસ્તાનમાં છે 10 મિલિયન ડોલરનો આ આતંકવાદી, અમેરિકા પણ તેને શોધે છે!
અમેરિકાએ અલ-કાયદાના ભારતીય ઉપખંડ (AQIS) ના વડા ઓસામા મહમૂદ પર $10 મિલિયનનું ઈનામ જાહેર કર્યું છે. પાકિસ્તાનમાં છુપાયેલો ઓસામા, એશિયામાં આતંકવાદી જૂથોને જોડવા અને અલ-કાયદાને મજબૂત કરવાની વ્યૂહરચના ઘડી રહ્યો છે.

અમેરિકા હવે પાકિસ્તાનમાં છુપાયેલા સૌથી ખતરનાક આતંકવાદી ઓસામા મહમૂદને નિશાન બનાવી રહ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના માથા પર 10 મિલિયન ડોલર (લગભગ ₹83 કરોડ) નું મોટું ઈનામ જાહેર કર્યું છે. તેને 2014માં અલ-કાયદાના ભારતીય ઉપખંડના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. ઓસામા પાકિસ્તાનના આદિવાસી વિસ્તારમાં રહેતો હોવાનો દાવો છે અને તેના પર અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં મોટા હુમલાઓનું કાવતરું ઘડવાનો આરોપ છે.
ઓસામા મહમૂદ દુનિયા માટે મોટો ખતરો
માહિતી મુજબ, ઓસામા મહમૂદ હાલ અલ-કાયદાના એશિયાઈ ઓપરેશનનો મુખ્ય ચહેરો છે અને અમેરિકાને તેની પ્રવૃત્તિઓથી ભારે ચિંતા છે. નિષ્ણાતો કહે છે કે જો ઓસામા પકડાઈ જાય તો એશિયામાં અલ કાયદાની મૂળ રચનાનો અંત આવી શકે છે, કારણકે તેને સંગઠનનો છેલ્લો મુખ્ય કમાન્ડર માનવામાં આવે છે.
‘રિવોર્ડ્સ ફોર જસ્ટિસ’ પ્રોગ્રામ હેઠળ ઈનામની જાહેરાત
અફઘાનિસ્તાન ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ‘Rewards for Justice’ પ્રોગ્રામ હેઠળ ઓસામા મહમૂદ અને તેના સાથી યાહ્યા ગૌરી પર ઈનામ જાહેર કર્યું છે.
- ઓસામા મહમૂદ – 10 મિલિયન ડોલર
- યાહ્યા ગૌરી – 5 મિલિયન ડોલર
ઉલ્લેખનીય છે કે અમેરિકા પાકિસ્તાની ઉગ્રપંથી હાફિઝ સઈદ પર પણ 10 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કરી ચૂક્યું છે.
ઓસામા મહમૂદ કોણ છે?
ઓસામા મહમૂદ પાકિસ્તાનમાં જન્મેલા છે અને સંગઠન અંદર તેને અબુ ઝાર, અત્તા ઉલ્લાહ અને ઝાર વાલી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે.
2015 પહેલાં તેના વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નહોતી, પરંતુ અલ-કાયદામાં તેને આદિવાસી લડવૈયા અને વ્યૂહરચના નિષ્ણાત માનવામાં આવે છે.
2015માં અલ-ઝવાહિરીએ તેને ભારતીય ઉપખંડના કમાન્ડર તરીકે નિયુક્ત કર્યો. બાદમાં 2022માં અમેરિકાએ તેને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો, ત્યારથી તે યુએસ ગુપ્તચર એજન્સીઓનું મુખ્ય ટાર્ગેટ છે.
જેહાદી જૂથોને જોડનારો ખતરનાક રણનીતિકાર
ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે ઓસામા મહમૂદ
- અફઘાનિસ્તાન
- બાંગ્લાદેશ
- બર્મા (મ્યાનમાર)
- ભારત
- તેમજ પાકિસ્તાનમાં સક્રિય જુદા જુદા જેહાદી જૂથો વચ્ચે કમ્યુનિકેશન ચેનલ અને સંકલન ઉભું કરે છે.
તેનું મુખ્ય લક્ષ્ય છે – આંતકવાદી સંગઠનોનો વિશ્વાસ મેળવીને અલ-કાયદાને ફરી મજબૂત બનાવવું. તેની આ નવી વ્યૂહરચનાએ અમેરિકા માટે મોટો ચેતવણી સંકેત ઉભો કર્યો છે.
અલ-કાયદા હવે અંતિમ તબક્કામાં
યુએન સુરક્ષા પરિષદ મુજબ હાલમાં અલ-કાયદામાં લગભગ 20,000 આતંકવાદીઓ છે, જેમાં સૌથી વધુ સક્રિયતા સીરિયા અને સોમાલિયામાં છે.
દક્ષિણ એશિયામાં અંદાજે 500 આતંકવાદીઓ હોવાની શક્યતા છે, જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં માત્ર 100 લડવૈયા બાકી હોવાનું કહેવાય છે.
પરંતુ ઓસામા મહમૂદની નવી વ્યૂહરચના અને વધતી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને અમેરિકા તેને એશિયામાં આતંકવાદનો સૌથી મોટો ખતરો માને છે, એટલે જ તેના માથા પર 10 મિલિયન ડોલરનું ઈનામ રાખવામાં આવ્યું છે.
