પાકિસ્તાને કોઈ પણ ભોગે, PoK ખાલી કરવું જ પડશે નહીંતર…’ ભારતે UNમાં પડોશી દેશ પર કર્યા પ્રહાર
જમ્મુ અને કાશ્મીરને લઈને આંતરરાષ્ટ્રીય મંચ પર અવારનવાર પાયાવિહોણા નિવેદન કરતા રહેતા પાકિસ્તાનને ભારતે આજે આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને કહ્યું છે કે, અમારા કાશ્મીરના પચાવી પાડેલા ભાગને કોઈ પણ ભોગે ખાલી કરવું જ પડશે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આજે ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આડે હાથે લઈને અરીસો બતાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ સુરક્ષા પરિષદમાં શાંતિ જાળવવાના મુદ્દા પરની ચર્ચા દરમિયાન પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે તરત જ ભારતે પાકિસ્તાનને જમ્મુ અને કાશ્મીર મુદ્દે ધેર્યુ હતું. પડોશી દેશને અરીસો બતાવતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાને અમારા જમ્મુ અને કાશ્મીરનો ભાગ ગેરકાયદે પચાવી પાડ્યો છે. પાકિસ્તાને પચાવી પાડેલા જમ્મુ કાશ્મીરનો ભાગ કોઈ પણ ભોગે ખાલી કરી નાખે.
સંયુક્ત રાષ્ટ્ર સંધમા ભારતના કાયમી પ્રતિનિધિ હરીશે પાકિસ્તાનને આડેહાથે લેતા કહ્યું હતું કે, અવાર નવાર અમારા જમ્મુ અને કાશ્મીરને લઈને પાકિસ્તાન પાયાવિહોણા નિવેદન કરતું રહે છે. આતંકવાદ ફેલાવવાના તેમના કારસા જાણીતા છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરને લઈને કરતા પાયાવિહોણા નિવેદનો અને દાવાઓ, તેમના પ્રેરિત આતંકવાદને યથાર્થ નહીં ઠેરવી શકે.
ભારતે સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહ્યું કે, પાકિસ્તાને ભારતના જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગો પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે અને તેણે તે કબજે કરેલો જમ્મુ કાશ્મીરનો વિસ્તાર ખાલી કરવો જ પડશે. હરીશે પાકિસ્તાનને તેની સંકુચિત વિચારસરણી અને વિભાજનકારી નીતિઓ છોડીને શાંતિના માર્ગે વધુ આગળ વધવાની સલાહ આપી.
યુએનમાં સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતે આકરા શબ્દોમાં પાકિસ્તાનને એક કડક સંદેશ આપ્યો અને કહ્યું, ‘પાકિસ્તાને સમજવું જોઈશે કે તેણે PoK (પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર) છોડવું પડશે, જેમાં તેઓ બેઠા છે.’ જો પાકિસ્તાન શાંતિ ઇચ્છતું હોય તો પહેલા તેણે આતંકવાદ અને નફરત ફેલાવવાનું બંધ કરવું પડશે.
ભારતે એમ પણ કહ્યું કે તે પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ પાકિસ્તાનની જવાબદારી છે કે તે પહેલા આતંકવાદનો અંત લાવે અને શાંતિનું વાતાવરણ સર્જે જેથી બંને દેશો વચ્ચે કોઈપણ પ્રકારની વાતચીત શક્ય બની શકે. જો કે, ભારતે પાકિસ્તાનને એવી પણ સલાહ આપી કે તે સંયુક્ત રાષ્ટ્ર જેવા મંચો પર પોતાનું તુચ્છ રાજકારણ ના રમે. અહીં આપણે શાંતિ વિશે વાત કરવાની છે, જૂના વિવાદોને ભડકાવવા નહીં. એકંદરે, ભારતે ફરી એકવાર પાકિસ્તાનને યાદ અપાવ્યું કે પીઓકે પર તેમનો કબજો ગેરકાયદેસર છે, કોઈપણ સંજોગોમાં તેમનો કબજો પીઓકેમાં ચાલુ રહી શકે નહીં.
પાકિસ્તાનને લગતા નાના-મોટા તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ અમારા પાકિસ્તાનના ટોપિક પર ક્લિક કરો.