પાકિસ્તાન: બુશરા બીબીનો પૂર્વ પતિ ઈમરાન ખાન પર થયો ગુસ્સે, છૂટાછેડા અને ત્રીજા લગ્નને લઈ કર્યા ચોંકાવનારા ખુલાસા
મનેકાએ કહ્યુ કે, ઈમરાન ખાન અને બુશરા રાત્રે ફોન પર ગુપ્ત રીતે વાત કરતા હતા. બુશરા ઈમરાનને તેની પરવાનગી વગર મળતી હતી. તેમણે આગળ જણાવ્યું કે, લગ્નના 6 મહિના પહેલા જ બુશરા તેનાથી અલગ થઈ હતી અને પંજાબના પાકપટ્ટન શહેરમાં તેના ઘરે ગઈ હતી. અનેક વખત ફોન કરવા છતાં પણ બુશરાએ પરત ફરવાનો ઈનકાર કર્યો હતો.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીના પૂર્વ પતિ ખાવર મનેકા ફરી એકવાર ચર્ચામાં છે. તેણે બુશરા બીબી સાથે તેના છૂટાછેડા અને ઈમરાનના લગ્ન વિશે ખુલાસા કર્યા છે. આ ખુલાસા ખૂબ જ ચોંકાવનારા છે. ખાવર મનેકાએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાને ‘પીર મુરીદી’ના કારણે તેમનું લગ્ન જીવન બરબાદ કર્યું હતું. પાકિસ્તાનની જિયો ટીવી ચેનલ પર એક ઈન્ટરવ્યુ દરમિયાન ખાવરે ઈમરાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
છૂટાછેડાના દોઢ મહિના બાદ ઈમરાન ખાન સાથે લગ્ન કર્યા
બુશરા બીબીના પૂર્વ પતિએ કહ્યું કે, તેમનું લગ્ન જીવન ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યુ હતું. અમે ખુશ હતા, પરંતુ ઈમરાન ખાને તેને બરબાદ કર્યું. તેમણે કહ્યું કે બુશરાએ છૂટાછેડાના દોઢ મહિના બાદ ઈમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા. ખાવરે કહ્યુ કે, તેને મીડિયા દ્વારા લગ્નની જાણકારી મળી ત્યારે પણ તેણે તે લગ્નને સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.
ઈમરાન ખાનને ઘરની બહાર કાઢ્યો
ખાવર મનેકાએ આગળ જણાવ્યું કે, ઈમરાન ખાન તેમની પરવાનગી વગર ઘરે આવતો હતો અને પત્ની બુશરા બીબીને મળતો હતો. જોકે તેમને આ મુલાકાત પસંદ હતી નહીં. તેણે એ પણ કહ્યુ કે, એકવાર ઘરના નોકરની મદદથી તેણે ઈમરાન ખાનને ઘરની બહાર કાઢ્યો હતો.
તેની માતાને ઈમરાન ખાન પસંદ ન હતો
આ ઉપરાંત ખાવરે ઈમરાન અને બુશરાની મુલાકાત વિશે કહ્યુ કે, તે ઈસ્લામાબાદમાં પીટીઆઈના વિરોધ દરમિયાન મળ્યા હતા. ત્યારબાદ ધીમે ધીમે તેઓ એકબીજાની નજીક આવ્યા અને મળવાનું શરૂ કર્યું હતું. મનેકાએ એ પણ કહ્યુ કે, તેની માતાને ઈમરાન ખાન પસંદ ન હતો અને તે ઘણીવાર તેને ઘરે આવવા માટે ના પાડતી હતી.
બુશરા અને ઈમરાન રાત્રે ફોન પર વાત કરતા હતા
મનેકાએ કહ્યુ કે, ઈમરાન ખાન અને બુશરા રાત્રે ફોન પર ગુપ્ત રીતે વાત કરતા હતા. બુશરા ઈમરાનને તેની પરવાનગી વગર મળતી હતી. તેમણે આગળ જણાવ્યું કે, લગ્નના 6 મહિના પહેલા જ બુશરા તેનાથી અલગ થઈ હતી અને પંજાબના પાકપટ્ટન શહેરમાં તેના ઘરે ગઈ હતી. અનેક વખત ફોન કરવા છતાં પણ બુશરાએ પરત ફરવાનો ઈનકાર કર્યો હતો.
આ પણ વાંચો : પાકિસ્તાન: વર્ષો સુધી મહેનત કરીને કમાયા લાખો રૂપિયા, હવે અફઘાની લોકો સાથે લઈ જઈ શકે છે માત્ર આટલા રૂપિયા
છૂટાછેડા અંગેની માહિતી ટેક્સ્ટ મેસેજ દ્વારા મળી
છૂટાછેડા અંગે તેમણે જણાવ્યું કે, એક દિવસ તેના ફોન પર એક ટેક્સ્ટ મેસેજ આવ્યો જેમાં તેને બુશરાને છૂટાછેડા આપવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તે બુશરા પાસે ગયો અને તેને છૂટાછેડા વિશે પૂછ્યું હતું. પરંતુ બુશરાએ તેના સવાલનો જવાબ આપ્યો નહીં. તેને 14 નવેમ્બર 2017ના રોજ તેને ફરાહ ગોગી દ્વારા છૂટાછેડાના પેપર મળ્યા હતા.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો