Middle East Tention : ટાર્ગેટ Oil ટેન્કર ! ઓમાન તટ નજીક ઓઇલ ટેન્કર પર હુમલો, એક ભારતીયનું મોત
ઓમાન દરિયાકાંઠે ડ્રોન હુમલામાં એક ભારતીય નાવિકનું અવસાન થયું. માનવરહિત બોટ ટકરાતાં એન્જિન રૂમમાં વિસ્ફોટ અને આગ લાગી.

MKD VYOM પર થયેલા ડ્રોન હુમલામાં એક ભારતીય નાવિકનું મોત થયું છે. આ ઘટના ઓમાનના દરિયાકાંઠે બની હતી. હુમલા દરમિયાન માનવરહિત બોટ ટેન્કર સાથે અથડાતાં જહાજના એન્જિન રૂમમાં વિસ્ફોટ થયો અને આગ લાગી ગઈ હતી. જહાજમાં સવાર અન્ય તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
52 નોટિકલ માઇલ ઉત્તરપશ્ચિમ તરફ બની
અધિકારીઓએ સોમવારે (2 માર્ચ) આ ઘટનાની પુષ્ટિ કરી હતી. હુમલો ત્યારે થયો જ્યારે ટેન્કર તેના નિર્ધારિત માર્ગ પર આગળ વધી રહ્યું હતું. ઓમાનના મેરિટાઇમ સિક્યુરિટી સેન્ટર મુજબ, આ ઘટના શનિવાર (1 માર્ચ)ના રોજ મસ્કત પ્રાંતમાં સુલતાન કાબૂસ બંદરથી આશરે 52 નોટિકલ માઇલ ઉત્તરપશ્ચિમ તરફ બની હતી.
માર્શલ આઇલેન્ડ્સના ધ્વજ હેઠળ સંચાલિત આ ટેન્કર લગભગ 59,463 મેટ્રિક ટન કાર્ગો લઈને જઇ રહ્યું હતું. ડ્રોન બોટ તરીકે ઓળખાતી માનવરહિત નૌકાએ ટેન્કર સાથે સીધી ટક્કર મારી, જેના કારણે જહાજના મુખ્ય એન્જિન રૂમમાં આગ ભભૂકી ઊઠી. ઘટનામાં એક ભારતીય ક્રૂ સભ્યનું મૃત્યુ થયું.
તમામ બચી ગયેલા ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
હુમલા સમયે જહાજમાં કુલ 21 લોકો સવાર હતા. તેમાં 16 ભારતીય, 4 બાંગ્લાદેશી અને 1 યુક્રેનિયન નાગરિકનો સમાવેશ થાય છે. ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પનામાના ધ્વજ હેઠળ સંચાલિત વેપારી જહાજ MV SAND એ બચાવ કાર્યમાં મદદ કરી હતી. તમામ બચી ગયેલા ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને જરૂરી તબીબી અને અન્ય સહાય આપવામાં આવી રહી છે.
ઘટના પછી ઓમાનની રોયલ નેવી દ્વારા સ્થળ પર નૌકાદળનું જહાજ તૈનાત કરવામાં આવ્યું છે. આ જહાજ ક્ષતિગ્રસ્ત ટેન્કરનું નિરીક્ષણ કરી રહ્યું છે અને દરિયાઈ માર્ગ પર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લઈ રહ્યું છે. આસપાસથી પસાર થતા અન્ય જહાજોને સાવચેતી રાખવા અને અસરગ્રસ્ત વિસ્તારથી સુરક્ષિત અંતર જાળવવા સૂચના આપવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને દરિયાઈ માર્ગની સલામતી જાળવવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
ઓઇલ માર્કેટમાં રશિયાની એન્ટ્રી: હોર્મુઝની ખાડી બંધ થતા ભારત-ચીનને તક
