ગત વર્ષથી વિશ્વની અનેક નામાકિંત કંપનીઓમાં કર્મચારીઓની છટણીનો તબક્કો શરૂ થયો છે, ટ્વિટર, એમેઝોન, મેટા, ઓલા સહિતની ઘણી મોટી કંપનીઓ બાદ હવે સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટ પોતાના કર્મચારીઓને આજથી મોટા પાયે કંપનીમાંથી બહારનો રસ્તો બતાવવા જઈ રહી છે. રોયટર્સે સ્કાય ન્યૂઝને ટાંકીને આ માહિતી આપી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, માઇક્રોસોફ્ટે તેની કંપનીમાં 5 ટકા એટલે કે, લગભગ 11 હજાર કર્મચારીઓ ઘટાડવાની યોજના તૈયાર કરી છે. મતલબ કે માઈક્રોસોફ્ટમાં આજથી શરૂ થઈ રહેલી છટણી 11,000 કર્મચારીઓને અસર કરશે.
લોકોની જાણકારી માટે તમને જણાવી દઈએ કે, માઇક્રોસોફ્ટમાં છટણીની અસર એન્જિનિયરિંગ વિભાગમાં થશે. કંપનીના આ નિર્ણયથી હજારો કર્મચારીઓને બેરોજગાર થશે. મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી અનુસાર, માઇક્રોસોફ્ટમાં કરાનાર છટણીની સૌથી વધુ અસર અમેરિકન ટેક્નોલોજી સેક્ટરમાં જોવા મળશે.
રોઇટર્સના અહેવાલ મુજબ, પર્સનલ કોમ્પ્યુટર માર્કેટ, છેલ્લા ઘણા ક્વાર્ટરથી ઘટી રહ્યું છે. જેના કારણે વિન્ડોઝ અને ડિવાઇસના વેચાણને પણ અસર છવા પામી છે. આ ક્ષેત્રે વેચાણ ઘટ્યું છે. જેના કારણે કંપની તેના ક્લાઉડ યુનિટ Azureમાં વૃદ્ધિ દર જાળવી રાખવા દબાણ હેઠળ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જુલાઈમાં પણ માઇક્રોસોફ્ટે કેટલાક કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. ઑક્ટોબર 2022 માં, એક ન્યૂઝ સાઇટ એક્સિઓસના અહેવાલમાં જાણાવવામાં આવ્યું હતું કે માઇક્રોસોફ્ટે વિવિધ વિભાગોમાંથી લગભગ 1000 કર્મચારીઓને કાઢી મૂક્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા વર્ષે 30 જૂન સુધીમાં, માઇક્રોસોફ્ટમાં વૈશ્વિકસ્તરે 2,21,000 પૂર્ણ-સમયના કર્મચારીઓ હતા, જેમાંથી 1,22,000 યુનાઇટેડ સ્ટેટ્સમાં કાર્યરત હતા, જ્યારે 99,000 આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરી રહ્યા હતા.
માઈક્રોસોફ્ટનું આ પગલું એ સંકેત આપી રહ્યું છે કે, આગામી સમયમાં ઈન્ફર્મેશન ટેકનોલોજી સેક્ટરમાં છટણીની પ્રક્રિયા ચાલુ રહી શકે છે.